મીઠાઈમાં એકસપાયરી ડેટ શકય નથી; વેપારીઓ અમલ નહિ કરે

28 September 2020 06:29 PM
Rajkot
  • મીઠાઈમાં એકસપાયરી ડેટ શકય નથી; વેપારીઓ અમલ નહિ કરે
  • મીઠાઈમાં એકસપાયરી ડેટ શકય નથી; વેપારીઓ અમલ નહિ કરે

‘બેસ્ટ બીફોર યુઝ’ લખેલી ચોકીમાં જુની મીઠાઈ હોય તો કયાંથી ખબર પડશે? ઘાલમેલની આશંકા : રાજકોટ-ગુજરાતનાં મીઠાઈનાં વેપારી-ઉત્પાદકો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પાસે દોડયા; આવેદન-રજુઆત: અધિકારી-રાજ આવશે

રાજકોટ તા.28
દેશભરમાં મિઠાઈ પર એકસપાયરી ડેટ લખવાના ફરજીયાત કાયદા સામે ડેરી મર્ચન્ટ એસોસીએશનો મેદાને આવ્યા છે. આ નિયમનો અમલ શકય ન હોવાના દાવા સાથે કાયદાનું પાલન નહિ કરે ગુજરાતનાં મિઠાઈ વેપારી મંડળના હોદેદારો આજો ભાવનગર પહોંચ્યા હતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજુઆત કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં ફૂડ સેફટી એન્ડ સ્ટાર્ન્ડડ ઓથોરીટી દ્વારા 1લી ઓકટોબરથી લુઝ-પેકડ કે કોઈપણ પ્રકારે વેચાતી મીઠાઈમાં બેસ્ટ બીફોર યુઝ લખવાનું ફરજીયાત બનાવ્યું છે. રાજકોટ ડેરી મર્ચન્ટ એસો.ના પ્રમુખ વી.પી.વૈષ્ણવે કહ્યું હતું કે ગત 11 મીએ રાષ્ટ્રીય એસોસીએશને કેન્દ્રમાં રૂબરૂ રજુઆત કરી હતી અને ત્યારે નવા કાયદાનો અમલ મોકુફ રાખવાનું સરકારે આશ્ર્વાસન આપ્યું હતું. છતા ચાર દિ’બાદ પરિપત્ર ઈસ્યુ કરી દેવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ કાયદાનો અમલ કરવાનું શકય નથી.

મિઠાઈ નિયમીત રીતે બનતી હોય છે અને સ્ટોકમાં આવન-જાવન હોય છે. ચોકીમાં મીઠાઈ રાખી હોય અને તેમાં બેસ્ટ બીફોર યુઝ લખાયેલુ હોય તો અર્ધી વેચાય જાય તો બાકીના સ્ટોકનું શું? આ ચોકીમાં જ નવી ઉત્પાદીત મીઠાઈ રાખવામાં આવતી હોય છે. આ સંજોગોમાં મીઠાઈની ચોકીમાં એકસપાયરી ડેટ કે બેસ્ટ બીફોર યુઝ લખવાનો કોઈ અર્થ રહેતો નથી. આ ઉપરાંત મિઠાઈનાં મોટાભાગનાં નાના વેપારીઓ હોય છે અને તેઓના ધંધા ભાંગી જશે અને બેરોજગાર થવાનું જોખમ સર્જાશે.

તેઓએ કહ્યું કે દેશભરમાં આ કાયદા સામે વિરોધ છે અને જુદા જુદા મંડળો વિવિધ સ્તરે સરકારમાં રજુઆત કરી રહ્યા છે. સ્થાનિક એસોસીએશન દ્વારા આજે ભાવનગરમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર અપાયુ હતું. તેઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્ર્વાસન આપ્યું છે.ગુજરાત રાજય મીઠાઈ ફરસાણ ઉત્પાદક મહામંડળના હોદેદારો પણ રજુઆતમાં જોડાયા હતા.

તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે નવા કાયદાનો અમલ શકય નથી. નાના-મોટા તમામ મીઠાઈનાં વેપારીઓમાં દેકારો છે.કાયદાના અમલ આડે હજુ બે દિવસ બાકી છે. તે દરમ્યાન સરકાર ફેર વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેશે; તેવો વિશ્વાસ છે.

નાના વેપારીઓ માટે મુશ્કેલભર્યું       -એસ.એસ.સ્વિટ (જગદીશ અકબરી)
આ નિયમ સારો છે તેનાથી ગ્રાહકો સાથે થતી છેતરપીંડી બંધ થશે જોકે નાના વેપારીઓને આ રીતે એકસપાયરી રી ડેટ નાંખવી મુશ્કેલ બનશે તેમજ 1 ઓકટોબરને 3 દિવસની વાર છે તેથી આટલી જલદી નિયમ લાગુ કરવો શકય નથી. આ ઉપરાંત અમે બિલ બનાવતાં હોઈએ તેમાં આ મીઠાઈનો 4 દિવસમાં ઉપયોગ કરી લેવાની સ્પષ્ટ સુચના આપીએ છીએ.

દુધની મીઠાઈ 2-3 દિવસમાં ઉપયોગમાં લઈ લેવાની હોય      -ભુપેન્દ્ર સાકરીયા(બાપા સિતારામ ડેરી)
અમે સામાન્ય રીતે બધા જ બોકસમાં લખતા હોઈએ છીએ કે આ મીઠાઈ ઘરે ફ્રીજમાં રાખવામાં આવી હોય તો તેને વધુમાં વધુ 7 દિવસમાં ઉપયોગમાં લઈ શકાય અને ફ્રીજ વગર રાખવામાં આવી હોય તો 5 દિવસની અંદર ઉપયોગમાં લઈ લેવાની રહેશે આમ પણ દુધની કોઈ પણ મીઠાઈ હોય તે 2 થી 3 દિવસમાં જ ઉપયોગમાં લઈ લેવાની હોય.
આ નિયમ જેમનાં મીઠાઈના વધુ આઉટલેટ હોય તેમના માટે શકય છે.બાકી અન્ય માટે મુશ્કેલ ભર્યું છે.

3 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી?      -હરેશ નથવાણી (સંતોષ ડેરી ફાર્મ)
પેંડા થાબડી જેવી મિઠાઈમાં એકસપાઈરી ડેટ નાંખી શકીએ. પરંતુ બાસુંદી, શ્રીખંડમાં નાંખવી શકય નથી. આવી મિઠાઈઓ તાજેતાજી જ 2-3 દિવસમાં ઉપયોગમાં લઈ લેવાની હોય છે. આવી મિઠાઈઓ જલ્દી ઉપયોગમાં લઈ લેવાની ગ્રાહકને મૌખિક સુચના આપી શકીએ.
દવા, ચોકલેટ જેવી ખાદ્ય વસ્તુઓ ઉપરથી જ પેકીંગમાં આવતી હોય છે. તેથી તેના પર એકસપાયરી ડેટ લગાવવી સરળ હોય છે. અહીં તો અમે જ ઉત્પાદન કરીએ છીએ તેથી આ કંઈ રીતે શકય બને. આમ પણ અત્યારે મંદી છે તેથી અમારો 50-60 ટકા ધંધો જ છે તેને ધ્યાને લઈને અમે ઉત્પાદન જ ઓછુ કરીએ છીએ. આ ઉપરાંત આ નિયમનાં અમલ માટે સમય પણ ઓછો છે. તેમાં તૈયારી કઈ રીતે કરવી?


Related News

Loading...
Advertisement