અભિનેત્રીઓ બદલાઈ, ફિલ્મોની થીમ બદલાઈ પણ સૂરનું કામણ યથાવત રહ્યું

28 September 2020 06:01 PM
Entertainment India
  • અભિનેત્રીઓ બદલાઈ, ફિલ્મોની થીમ બદલાઈ પણ સૂરનું કામણ યથાવત રહ્યું
  • અભિનેત્રીઓ બદલાઈ, ફિલ્મોની થીમ બદલાઈ પણ સૂરનું કામણ યથાવત રહ્યું
  • અભિનેત્રીઓ બદલાઈ, ફિલ્મોની થીમ બદલાઈ પણ સૂરનું કામણ યથાવત રહ્યું
  • અભિનેત્રીઓ બદલાઈ, ફિલ્મોની થીમ બદલાઈ પણ સૂરનું કામણ યથાવત રહ્યું

સિનેમાના દરેક પ્રવાહમાં પોતાના સૂરની ઉંચાઈ જાળવી રાખનાર લતા મંગેશકરનો આજ 91મો જન્મદિન : આજીવન કુંવારા રહેનાર લતા મંગેશકર બાળપણમાં ગાયક કે.એલ.સહગલ સાથે લગ્ન કરવા માંગતા હતા!: લતાજી કહે છે 13 વર્ષની વયે પિતાનું મૃત્યુ બાદ ભાંડરડાઓને સેટલ કરવાની જવાબદારી આવી તેમાં લગ્નનો સમય જ વીતી ગયો: પરિવારનું પાલન પોષણ કરવા નાની વયે ફિલ્મોમાં અભિનય અને ગાયન શરૂ કરનાર લતાજીને ઓળખ ‘મહલ’ ફિલ્મના ‘આયેગા આનેવાલા’ ગીતથી મળેલી, આ ગીતની રેકર્ડમાં તેમને ક્રેડીટ નહોતી મળી! રેકર્ડ પર ગાયિકા તરીકે ફિલ્મના પાત્રનું નામ હતું!

લિવિંદ લિજેન્દ- જીવંત દંતકથા સમાન ગાયિકા લતા મંગેશકરે આજે 90 વર્ષ પુરા કરીને 91માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. લતાજીએ ખરા અર્થમાં અજાયબી છે. દીર્ઘ જીવવું અને સાર્થક જીવવું એવો સંયોગ બહુ ઓછો થતો હોય છે. લતાજી આજે ભલે ફુલ ફલેજમાં ગાયિકીમાં પ્રવૃતિ ન હોય પણ સોશ્યલ મીડીયામાં આ વયે પણ સક્રીય છે. લતા એ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં છે જયારે કે.એલ.સહગલ, સુરેન્દ્ર, નુરજહાં, અમીરબાઈ કર્ણાટકી, જોહરાબાઈ અંબાલેવાલી જેવા દિગ્ગજ ગાયકો સક્રીય હતા. એ પછી મોહમ્મદ રફી, કીશોરકુમાર, મુકેશ જેવા દિગ્ગજો પછીની પણ કેટલીય પેઢીઓ પછી પણ ગાયન ક્ષેત્ર સક્રીય હતા.

ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મ સંગીતમાં ગાયનના અનેક પ્રવાહો બદલાયા આ બદલાતા પ્રવાહો સાથે લતાજી પણ અનુકુળ થઈ ગયા હતા, મધુબાલા માટે કંઠ આપનાર લતાજીએ માધુરી દીક્ષિત અને તેના પછીની પેઢીની હીરોઈનો માટે પણ કંઠ આપ્યો. આ જ લતાજીની મોટી સિદ્ધિ છે. જો કે આ સિદ્ધિના શિખરો કંઈ એમને એમ સર નથી કર્યા. બલ્કે કારમો સંઘર્ષ કરીને સર કર્યો છે.
લતા મંગેશકરનો જન્મ મધ્યમવર્ગીય મરાઠી બ્રાહ્મણ પરિવારમાં 28 સપ્ટેમ્બર 1929માં મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમના પિતા પંડિત દિનાનાથ મંગેશકર રંગમંચના મહાન કલાકાર હતા. લતાજીનો જન્મ ઈન્દોરમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર મહારાષ્ટ્રમાં થયો હતો.

લતાજીને ગાયન પ્રત્યે બાળપણથી જ લગાવ હતો. તેમણે વર્ષ 1942માં કિટી હસાલ ફિલ્મ માટે ગીત ગાયું હતું પણ જયારે તેના પિતા દિનાનાથને આ વાતની ખબર પડી તો તેણે પુત્રીનું ફીલ્મમાં ગાયેલું ગીત જ કઢાવી નાંખ્યું હતું. કારણ કે પિતા નહોતા ઈચ્છતા કે પુત્રી ફીલ્મોમાં ગાય. જો કે આ જ વર્ષે લતાજીને ‘પહલી મંગલગૌર’ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. લતાજીના જીવનની પ્રથમ કમાણી 25 રૂપિયા હતી જે તેમને એક સ્ટેજ કાર્યક્રમમાં ગાવવા બદલ મળી હતી. બાળપણમાં જ લતાજીને તત્કાલીન સ્ટાર સિંગર કે.એલ.સહગલનો ક્રેઝ હતો.

બાળપણમાં લતાજીએ કુન્દનલાલ સહગલની ‘ચંડીદાસ’ ફિલ્મ જોઈને કહ્યું હતું કે તે મોટી થઈને સહગલ સાતે લગ્ન કરશે! જો કે લતાજીના જીવનમાં પછી લગ્નનો યોગ આવ્યો જ નહીં, અને આજીવન કુંવારા રહ્યા. પિતાના મૃત્યુ બાદ પરિવારનો ભાર ઘરમાં સૌથી મોટી 13 વર્ષની લતા પર આવી પડયો હતો. એક ઈન્ટરવ્યુમાં લતાજીએ જણાવ્યું હતું કે ઘરના દરેક સભ્યોની જવાબદારી મારી પર હતી તેથી ઈચ્છવા છતાં પણ લગ્નનો અમલ નહોતી કરી શકતી. ખૂબ જ નાની વયમાં હું કામ કરવા લાગી હતી, નાન ભાંડરડાઓને સેટલ કરવામાં સમય વીતી ગયો અને મેં લગ્ન નહોતા કર્યા.

લતાજીને અભિનય પસંદ નહોતો, પરંતુ પિતાના અવસાન બાદ પૈસા માટે કેટલીક હિન્દી અને મરાઠી ફીલ્મોમાં એકટીંગ કરવી પડી હતી. તેમની પહેલી ફીલ્મ ‘પાહિલી મંગલા ગૌર’ (1942) હતી, તે પછી ‘માઝે બાલ’, ‘ચીમુકલા સંસાર (1943), ગજભાઉ (1944), ‘બડીમા’ (1945), જીવનયાત્રા (1946), ચાંદ (1948), છત્રપતિ શિવાજી (1952) જેવી ફીલ્મોમાં લતાજીએ કામ કર્યું છે. ‘બડીમાં ફિલ્મમાં તેમણે નુરજહાં સાથે અભિનય કર્યો હતો.

લતાજી જયારે ફીલ્મમાં ગાયન માટે આવ્યા ત્યારે નુરજહાં, અંજારબાઈ કર્ણાટકી, જોહરાબાઈ અંબાલેવાલી જેવી દિગ્ગજ ગાયિકાઓનો ડંકો વાગતો હતો. આ મહાન હસ્તીઓની વચ્ચે લતાજીએ પોતાની ત્યારે ઓળખ ઉભી કરી હતી. ‘મહલ’ ફીલ્મના આયેગા આનેવાલા ગીતથી સૌપ્રથમ લોકપ્રિયતા મળી, આ પછી લતાજીએ પાછું વળીને નથી જોયું. રસપ્રદ વાત એ છે કે એ જમાનામાં રેકોર્ડમાં લતાજીને ક્રેડીટ નહોતી અપાઈ. રેકર્ડ પર લતાજીના નામના બદલે ફીલ્મની ગાયિકાના પાત્રનું નામ કામીની લખ્યું હતું.

મહલ પછી તો ભારતીય ફીલ્મોના અનેક દૌર-પ્રવાહો આવ્યા દરેક પ્રવાહમાં લતાજી લતાજી જ રહ્યા. લતાના શ્રેષ્ઠ ગીતોમાં આયેગા આનેવાલા (મહલ), યે જીંદગી ઉસકી હૈ (અનારકલી), પ્યાર કિયા તો ડરના કયા (મંગલ એ આઝમ), સરે રાહ ચલતે ચલતે (પાકીઝા), અયે દિલે નાદા (રઝીયા સુલતાન), કિતને અજીબ રિશ્તે હે યહાંકે (પેજ-3) સહિત હજારો ગીતોનો સમાવેશ થાય છે. લતાજીએ તેમના જીવનમાં હિન્દી, ગુજરાતી, મરાઠી સહીત 30થી વધુ ભાષામાં હજારો ગીતો ગાયા છે. કેટલાક લોકો લતાજીએ 30 હજાર ગીતો ગાયાનું કહે છે. કેટલાક 40 હજાર ગીતોનો તો કેટલાક 50 હજાર ગીતો ગાયાનો દાવો કરે છે. ભૂતકાળમાં લતાજીના ગીતોની સંખ્યાને લઈને વિવાદ થયા છે તેમ છતાં લતાજી અજોડ છે તેમાં કોઈ બેમત નથી.

લતાજીના નામે દુનિયામાં સૌથી વધુ ગીત ગાવાનો 1974માં ગિનેઝ બુક રેકોર્ડ
લતા મંગેશકરને મળેલા અન્ય માન-સન્માન-પુરસ્કાર
ફિલ્મફેર પુરસ્કાર  (1958, 1962, 1965, 1969, 1993, 1994)
રાષ્ટ્રીય પુરસ્કાર (1972, 1975, 1990)
મહારાષ્ટ્ર સરકાર પુરસ્કાર (1976 અને 1967)
1969: પદ્મભૂષણ
1974: દુનિયામાં સૌથી વધુ ગીત ગાવાનો ગીનીસ બુક રેકોર્ડ
1989: દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
1993: ફિલ્મફેરનો લાઈફ ટાઈમ પુરસ્કાર
1996: સ્ક્રીનનો લાઈફટાઈમ પુરસ્કાર
1997: રાજીવ ગાંધી પુરસ્કાર
1999: એનટીઆર પુરસ્કાર
1999: પદ્મભૂષણ
1999: ઝી સીને લાઈફટાઈમ અચિવમેન્ટ પુરસ્કાર
2000: આઈઆઈએએફ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર
2001: ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર- ભારતરત્ન.
2001: નુરજહાં પુરસ્કાર


Related News

Loading...
Advertisement