IPL 2020: આજે મુંબઈ ઈન્ડિયન્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મહાજંગ

28 September 2020 10:54 AM
India Sports
  • IPL 2020: આજે મુંબઈ ઈન્ડિયન્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મહાજંગ

કોહલી-રોહિતની ટક્કર જોવા ક્રિકેટરસિકો આતૂર

દુબઈ, તા.28
વિશ્વ ક્રિકેટના બે દિગ્ગજ બેટસમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે આઈપીએલમાં આજે સૌથી મોટો મુકાબલો જોવા મળશે. આજે સાંજે 7:30 વાગ્યાથી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બન્ને બળુકી ટીમો આમને-સામને થશે. સુકાનીની દૃષ્ટિએ જોવામાં આવે તો રોહિત આઈપીએલમાં કોહલી કરતાં અત્યંત શ્રેષ્ઠ સાબિત થયો છે. ચાર વખત મુંબઈને ખિતાબ અપાવી ચૂકેલા રોહિતને આઈપીએલના સૌથી સફળ કેપ્ટનમાં ગણવામાં આવે છે જ્યારે કોહલી હજુ સુધી ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી.

બેટિંગની વાત કરવામાં આવે તો રોહિત આ સીઝનમાં કોહલી કરતાં એક ડગલું આગળ ચાલી રહ્યો છે. પાછલા મેચમાં તેણે કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ શ્રેષ્ઠ ઈનિંગ રમી ટીમની જીતનો પાયો નાખ્યો હતો પરંતુ કોહલી હજુ સુધી આવું કરી શક્યો નથી. પાછલા બન્ને મેચમાં તેનું બેટ બેઅસર રહ્યું છે. આજે રમાનારા મેચમાં કોહલીની નજર પોતાનું ફોર્મ પરત મેળવવા પર રહેશે. કોહલી એક વાત જાણે છે કે ટીમ તેના ઉપર ઘણી નિર્ભર છે. તેનું બેટ શાંત રહેવાનો મતલબ બેંગ્લોરની અડધી તાકાત ખતમ થઈ જવાનો છે. એટલા માટે કોહલીનું સંપૂર્ણ ધ્યાન મુંબઈના શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ સામે રન કરવાનું હશે.

માત્ર કોહલી જ નહીં ટીમની વધુ એક તાકાત એબી ડિવિલિયર્સ પણ એ જ કોશિશમાં રહેશે કે તે વધુમાં વધુ સ્કોર બનાવે. ઓપનિંગ જોડીની વાત છે ત્યાં સુધી પહેલા મેચમાં અર્ધસદી બનાવનાર દેવદત્ત પડ્ડીકલ સારા ફોર્મમાં છે. આ મેચમાં તેની સામે મોટો પડકાર હશે કેમ કે મુંબઈના બુમરાહને રમવો સરળ નથી. પડ્ડીકલનો સાથી ઓપનર એરોન ફિન્ચ પણ અત્યારે ફોર્મમાં છે. જો કે હજુ સુધી તે પણ મોટી ઈનિંગ રમી શક્યો નથી પરંતુ તેનું બેટ પણ ગમે ત્યારે ગરજી શકવા માટે સક્ષમ છે.

ટીમની સૌથી મોટી નબળાઈ મેચ ફિનિશર છે. અહીં ટીમ પાસે કોઈ મોટું નામ અથવા એવી પ્રતિભા હજુ સુધી દેખાઈ નથી જે અંતિમ ઓવરમાં ઝડપથી રન કરી શકે. શિવમ દુબે એક એવું નામ છે પરંતુ હજુ સુધી તે પણ ખાસ્સું કશું કરી શક્યો નથી. જોશ ફિલિપે મુંબઈ વિરુદ્ધ ક્યાં રમે છે તે જોવું પણ રસપ્રદ રહેશે. બોલિંગમાં ટીમ પાસે ડેલ સ્ટેન જેવું નામ છે પરંતુ હજુ સુધી તેની ધાર પણ દેખાઈ નથી. ઉમેશ યાદવ અને નવદીપ સૈનીએ હૈદરાબાદ વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું હતું. આવી જરીતે સ્પીન એટેકમાં યુઝવેન્દ્ર ચહલ ઉપર ટીમનો ભાર રહેશે. પાછલા બન્ને મેચમાં ચહલે મહત્ત્વના સમયે વિકેટ મેળવી હતી.

રોહિત એન્ડ કંપની માટે ચહલને દુબઈની પરિસ્થિતિઓમાં સંભાળવો સહેલો નહીં હોય. મુંબઈની ઓપનિંગ જોડી ક્વિન્ટન ડીકોક અને રોહિત શર્મા ફોર્મમાં છે. સૂર્યકુમાર યાદવ પણ રન બનાવી રહ્યો છે. સૌરભ તીવારીએ હજુ સુધી મોટી ઈનિંગ રમી નથી પરંતુ તે સ્કોરબોર્ડ સતત ફરતું રાખવા સક્ષમ છે. આ સીઝનમાં આ ચાર બેટસમેન જ મુંબઈની મજબૂતિ રહ્યા છે. નીચલા ક્રમે પંડ્યા બ્રધર્સ અને પોલાર્ડનું બેટ હજુ સુધી શાંત જ રહ્યું છે.


Related News

Loading...
Advertisement