કોરોના કાળમાં પોલીસના બે ચહેરા : એકે બચાવ્યા, એકે લૂંટયા

26 September 2020 06:32 PM
Rajkot
  • કોરોના કાળમાં પોલીસના બે ચહેરા : એકે બચાવ્યા, એકે લૂંટયા
  • કોરોના કાળમાં પોલીસના બે ચહેરા : એકે બચાવ્યા, એકે લૂંટયા
  • કોરોના કાળમાં પોલીસના બે ચહેરા : એકે બચાવ્યા, એકે લૂંટયા
  • કોરોના કાળમાં પોલીસના બે ચહેરા : એકે બચાવ્યા, એકે લૂંટયા
  • કોરોના કાળમાં પોલીસના બે ચહેરા : એકે બચાવ્યા, એકે લૂંટયા
  • કોરોના કાળમાં પોલીસના બે ચહેરા : એકે બચાવ્યા, એકે લૂંટયા

કોરોના મહામારી વચ્ચે જવાનોએ જાન જોખમમાં મુકી લોકોને સંક્રમણથી બચાવવા ફરજ નિભાવી : કોરોના કાળમાં પણ મંદીનો પડછાયો ન પડે તે માટે કેટલાક જાંબાઝ પોલીસમેને ‘કટકટાવવા’ની આદત ન છોડી

રાજકોટ, તા.26
કોરોના કાળમાં પોલીસ વિભાગની કામગીરીને લઈ લોકોએ ખૂબ પ્રશંસા કરી પોલીસે નિષ્ઠા પૂર્વક ફરજ નિભાવી. જોકે આ ગાળામાં પણ પોલીસના બે ચહેરા સામે આવ્યા છે. એકે બચાવ્યા છે તો બીજાએ લૂંટયા છે. કોરોના મહામારી વચ્ચે જવાનોએ જાન જોખમમાં મૂકી લોકોને સંક્રમણથી બચાવવા ફરજ નિભાવી છે. તો કોરોના કાળમાં પણ મંદીનો પડછાયો ન પડે તે માટે કેટલાક જાંબાઝ પોલીસમેને ‘કટકટાવવા’ ની આદત ન છોડી નહોતી. એકતરફ કોરોના વોરિયર્સની મહેનત, બીજી તરફ અમુક લાંચીયા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા મહેનત પર પાણીઢોર કર્યું. શ્રેષ્ઠ કામગીરી કરતી ગુજરાત પોલીસને કલંકિત કરવામાં કેટલાક પોલીસમેનોએ પાછું વાળીને જોયું નથી. ટૂંકાગાળામાં જ પોલીસ વિભાગને બદનામ કરતા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા જેમાં રાજકોટના બે કિસ્સાનો પણ સમાવેશ છે. જે મુજબ પોલીસમાં જ ફરજ બજાવતા એક એએસઆઈએ ટ્રાફિક પોલીસના કર્મચારી પાસે પાંચ હજારની લાંચ લીધી હતી. આ કિસ્સાએ પોલીસ પણ પોલીસને નથી છોડતી એ સાબિતી આપી હતી. બીજા કિસ્સામાં ભક્તિનગર પોલીસના એક એલઆરડી જવાને આરોપીને માર ન મારવા રૂ. 90 હજારની માંગણી કરી હતી. જામનગર જિલ્લા પોલીસમાં પણ બે કિસ્સાઓ બન્યા જે પોલીસને કલંકિત કરી ગયા. જેમાં પ્રથમ કાલાવડના એક પીએસઆઈએ દારૂ સાથે પકડાયેલી કારનો અંગત ઉપયોગ કર્યો હતો. તો જામનગર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં હત્યાના આરોપીઓને લોકઅપમાં રાખવાના બદલે એસી ઓફિસમાં રાખવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદના મહિલા પીએસઆઈ શ્ર્વેતા જાડેજાનું નામ પણ ચર્ચામાં રહ્યું. આ મહિલા પોલીસ કર્મીએ દુષ્કર્મના આરોપીને પાસામાં નાખવાની ધમકી આપી 35 લાખની લાંચ માંગ્યા બાદ 20 લાખ કટકટાવી લીધાનો આક્ષેપ થયો છે. સુરતમાં એક ક્વોરીના ઉદ્યોગપતિએ આપઘાત કરી લીધો હતો. સ્યુસાઇડ નોટમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ બહુમાફિયાઓ સાથે મળી જમીન પડાવી લેવા ત્રાસ આપ્યાનું ખુલતા રક્ષક જ ભક્ષક બન્યા તેવું ચિત્ર ઊભું થયું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે અમદાવાદમાં એક પોલીસમેન જ માથે રહી ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયો હતો. એથી વધીને અમદાવાદના ત્રણ પોલીસ કર્મીએ ટમેટાંના વેપાર પાસેથી 100 રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા. આ કિસ્સામાં એ સામે આવ્યું કે કેટલાક લાંચીયા પોલીસ કર્મીઓ નાના વેપારી કે લાંચની નાની રકમ પણ મૂકતા નથી. આ પોલીસ માટે વધુ શર્મનાક કિસ્સો હતો. પોલીસ વિભાગમાં કેટલાક કર્મચારીઓ, અધિકારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ડ્યુટી કરે છે. પરંતુ કેટલાક ભ્રષ્ટાચારી અને મનમાની ચલાવતા પોલીસ કર્મચારીઓ આવી ઈમાનદાર અને પવિત્ર ડ્યુટીને કાળો ડાઘ લગાડે છે. પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનો અજગર ભરડો આવે તે પહેલાં કડક સંદેશો આપતા પગલાં લેવાની હજુ જરૂર જણાય રહી છે.

કાલાવડમાં દારૂના કેસમાં પકડાયેલી કારનો અંગત ઉપયોગ કરનાર પીએસઆઈ સસ્પેન્ડ
જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દારૂ સાથે કબ્જે કરાયેલી એક કારનો અંગત ઉપયોગ કરવાના મામલે વિડીયો વાયરલ થયા બાદ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગત તા. 26/8/2020 ના રોજ યુવરાજસિંહ ઉર્ફે ભીમો નાથુભા જાડેજા અને નિર્મળસિંહ ઉર્ફે ભોલો ગુલાબ સિંહ જાડેજાને જીજે - 03 - એલજી 8413 નંબરની કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવાયા હતા, અને 120 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે કાર કબ્જે કરી પોલીસ સ્ટેશને રખાઈ હતી. દોઢ માસથી કાર ત્યાં પડી રહી હતી. જોકે એક દિવસ આરોપીએ પોતાની કાર રોડ પર જતી હોવાનું જોયું હતું. જેથી તેનો પીછો કરી કાર અટકાવી પૂછપરછ કરતા એક જીઆરડી જવાન કાર ચલાવી રહ્યો હતો અને તે પીએસઆઈ રાદડિયાના પત્નીને વતન મુકવા જતો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થતા જામનગરના જિલ્લા પોલીસ વડા શ્ર્વેતા શ્રીમાળીએ તાત્કાલિક અસરથી એકશનમાં આવી વીડિયોની ખરાઇ કર્યા પછી ગુનામાં પકડાયેલ મુદ્દામાલનો અંગત ઉપયોગ કરવા બદલ કાલાવડ ગ્રામ્ય પી.એસ.આઇ રાદડિયા તેમજ રાઈટર હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ પુંજાભાઈને સસ્પેન્ડ કરી દેતાં પોલીસબેડામાં હડકંપ મચી ગયો હતો.

અમદાવાદના મહિલા પીએસઆઇ શ્ર્વેતા જાડેજાએ 20 લાખની લાંચ લીધાનો ચર્ચાસ્પદ કિસ્સો
બે માસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા 20 લાખની લાંચના કેસમાં ઝડપાયા હતા. પોલીસે જ તેમની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. મામલો એવો હતો કે, વર્ષ 2017 માં પશ્ચીશન નરોડા ખાતે જીએસપી કોપ સાયન્સ પ્રા. લી.ના એમડી કેનલ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જોકે તે પછી બીજી ફરિયાદ પણ નોંધાઈ જેમાં ફરિયાદી મહિલા તેની પીએ હતી અને અન્ય એક મહિલા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર હતી. આ કેસની તપાસ પીએસઆઈ શ્ર્વેતા જાડેજા પાસે હતી. કેસમાં આરોપીને પાસામાં પુરી દેવાની ધમકી આપીને ડરાવ્યો હોવાના આક્ષેપો થયો હતો. અને રૂ.35 લાખની માગણી કરી હતી. જોકે રકઝક પછી 20 લાખમાં આપવા નક્કી થયું હતી. આરોપીએ તેની સાથે ઓફીસમાં કામ કરતી મહિલા મારફતે સીજી રોડ પરની આરસી આંગડિયા પેઢી દ્વારા રૂ. 20 લાખ મોકલાવ્યા હતા. જે શ્ર્વેતા જાડેજાએ તેના બનેવી જયુભા દ્વારા જામજોધપુર મોકલાવ્યા હતા. શ્ર્વેતા જાડેજા મૂળ તો કેશોદના વતની હોય છે તેથી કેશોદ ખાતે પણ તપાસ કરવા તજવીજ થઈ હતી. આ અંગે પણ હજુ તપાસ
ચાલુ છે.

સુરતમાં 24 કરોડ જમીન પડાવી લેવા પીઆઇએ ત્રાસ આપતા ઉદ્યોગપતિનો આપઘાત, પોલીસકર્મીઓના સસ્પેન્શન બાદ બદલી
સુરતમાં ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલએ પોતાની જ ક્વોરીમાં પડતું મૂકી અત્મહત્યા કરી હતી. 24 કરોડના જમીન વિવાદથી કંટાળી આ પગલું ભર્યાનું સામે આવ્યું હતું. જેમાં ભુમાફિયાઓ સહિત રાંદેર પોલીસ મથકના પીઆઇ અને સ્ટાફના 3 પોલીસ કર્મચારીઓના નામ ખુલતા જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં જેઓ આરોપી તરીકે છે તેવા સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સપેકટર એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓનું જાહેર હિતમાં ફરજમોકુફીનું મુખ્ય મથક બદલાવતાં તેમને અલગ-અલગ સ્થળે બદલી કરવા આદેશ આપ્યો હતો. પી.આઇ. બોડાણાને પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જુનાગઢ તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અમરેલી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા એમ અલગ-અલગ જીલ્લામાં મૂકવામાં આવ્યા હતા. આપઘાત પ્રકરણમાં પીઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાથી આ ગુનામાં નિષ્પક્ષ રીતે તપાસ થાય અને પુરાવાઓ સાથે ચેડા ન થાય તે હેતુથી આ બદલીનો ઓર્ડર અપાયો હતો. માંડવી પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

રાજકોટમાં આરોપીને માર ન મારવા 80 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ એસીબીના છટકમાં સપડાયો હતો
રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા એલ.આર.ડી મેહુલ માવજીભાઇ ડાંગરને દારૂના ગુનામાં આરોપીને માર ન મારવા માટે રૂ.90 હજાર માંગ્યા બાદ રૂ.80 હજાર નક્કી થયા હતા. દરમિયાન એ.સી.બીની ટીમે પોલીસ સ્ટેનશમાં જ છટકુ ગોઠવ્યું હતું. જોકે, પોલીસમેનને ગંધ આવી ગઈ હોય કે કેમ પણ તેણે લાંચની આ રકમ સ્વીકારી ન હતી. તેમ છતાં લાંચ માંગવા અંગેનો પોલીસમેન સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, અને ધરપકડ કરાઈ હતી. એલ.આર.ડી જવાન લાંચના છટકામાં સપડાતા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.

"વહીવટ નહિ કરો તો હેરાનગતિ થશે ” તેમ કહી રાજકોટના લાંચીયા એએસઆઇ જાડેજાએ ટ્રાફિક કર્મી પાસેથી 5 હજારની લાંચ લીધી’તી
રાજકોટમાં એકાદ મહિના પહેલા જ "વહીવટ નહિ કરો તો હેરાનગતિ થશે” તેમ કહી રાજકોટના લાંચીયા એએસઆઈ જાડેજાએ ટ્રાફિક કર્મી પાસેથી 5 હજારની લાંચ લીધી હતી. જેમાં એલસીબી આરોપીને રંગે હાથ દબોચી લીધો હતો. એક પોલીસ કર્મચારીએ જ બીજા પોલીસ કર્મચારી પાસેથી લાંચ લીધાનું ખુલતા ખળભળાટ મચી ગયો હતો. શહેર પોલીસ કંટ્રોલરૂમના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા એએસઆઈ બળવંતસિંહ ખંગારજી જાડેજા (ઉ.વ.56) એ મન પસંદ પોઇન્ટ પર નોકરી ફાળવવા ટ્રાફિક શાખાના એક પોલીસ કર્મચારી પાસેથી 5 હજારની લાંચની માંગણી કરી હતી. અને પોલીસ કમિશ્નર કચેરીના ગેટ પાસેથી જ મોરબી એસીબીએ રંગે હાથ દબોચી લીધા હતા. એએસઆઈએ જ્યાં કીધું ત્યાં જ નોકરી મળતા ટ્રાફિક શાખામાં વ્યાપેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો. આ કેસમાં અન્ય અધિકારો, કર્મચારીના નામ ખુલવાની પુરી શકયતા હતી પરંતુ પોલીસે ખાતાકીય તપાસ કરી હોવાની કોઈ જાણકારી અપાઈ નથી.

અમદાવાદમાં પોલીસમેનને સાથે રાખી ડ્રગ્સની હેરાફેરી થતી હતી
થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં ચાલતા ડ્રગ્સ રેકેટમાં પોલીસના જ આઈએસઆઈ ડીલર સાથે ઝડપાતા ખળભળાટ મચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડનું MD ડ્રગ્સ કબ્જે કર્યું હતું.. આરોપીઓ ASને સાથે રાખી ડ્રગ્સની ડિલિવરી કરતા હોવાનો ધડાકો થયો હતો અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી MD ડ્રગ્સનો કારોબાર વધી ગયાનું ગુપ્ત સૂત્રો દ્વારા જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે CTM વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું હતું. ચોંકાવનારી વિગતો એ હતી કે, જે પાંચ આરોપીઓ આ રેકેટમાં ઝડપાયા તેમાંથી એક આરોપી ખુદ પોલીસમેન નીકળતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ દરોડાની નોંધ ઉચ્ચ અધિકારીઓએ પણ લીધી હતી. મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલા સાથે દાણીલીમડા પોલીસ સ્ટેશનના આઈએસઆઈ ફિરોઝની ધરપકડ પણ કરાઈ હતી અને તેમને સસ્પેન્ડ કરાયા હતા.

જામનગરમાં હત્યારાઓને લોકઅપના બદલે એસી ઓફિસમાં ‘મહેમાન’ ની જેમ રખાયા : PSI ગોહેલ સસ્પેન્ડ
તાજેતરમાં આરઆર સેલ પોલીસે અને જામનગર ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન પાર પાડી સાડા છ માસ પૂર્વે ધ્રોલમાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદૂવીરસિંહ જાડેજા નામના યુવાનની હત્યાના પ્રકરણમાં અંતિમ બે આરોપીઓને પકડી પાડ્યા હતા. જામનગર લઇ આવી બંને આરોપીઓ ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહ જાડેજાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે દિવસના રિમાન્ડ પર લીધા હતા. પ્રથમ દિવસથી જ આરોપીઓને લોક અપમાં નહિ પણ બહાર રાખવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ આક્ષેપ વચ્ચે એલસીબી દફતરનો વિડીઓ વાયરલ થયો હતો. જેમાં બંને આરોપીઓ લોકઅપને બદલે દફતરના એસી રૂમમાં ઓશિકાવાળી પથારીમાં આરામથી સુતેલા નજરે પડી રહ્યા હતા. ગંભીર ગુનાના આરોપીઓ હાલ રિમાન્ડ પર છે ત્યારે કેવી રિમાન્ડ ચાલી રહી છે એ દર્શાવતો વિડીઓ સામે આવતા જ ચકચાર મચી ગઈ હતી, આ વિડીયો વાયરલ થયા બાદ વીડિયોને દબાવવાના પ્રયાસ થયા હતા પરંતુ સોશિયલ મીડિયાના યુગમાં એલસીબીની પહોચ ટુકી પડી હતી. અંતે આ વિડીયો રેન્જ આઈજી સંદીપ સિંહ પાસે પહોચી જતા તેઓ કાળજાળ થઇ ગયા હતા અને મામલાની ગંભીરતા તેમજ પોલીસની પ્રતિષ્ઠા પર ઉઠી રહેલા સવાલોને લઈને આઈજીએ તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ કે. કે. ગોહિલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલે હજુ બીજા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલુ છે.

અમદાવાદમાં રૂા.100ની લાંચ લેતા ઝડપાયેલા ત્રણેય પોલીસમેન 33-33 રૂપિયાની ભાગ બટાઈ કરવાના હતા!!
આ મહિનામાં જ તા. 16 ના રોજ એક કિસ્સો સામે આવ્યો હતો જે મુજબ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં ફરજ બજાવતા 3 પોલીસમેન ટામેટાંના વેપારી પાસેથી રૂ. 100 ની લાંચ લીધી હતી અને એસીબીના છટકમાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ ત્રણેય પોલીસમેન લાંચની રકમમાંથી રૂ.33-33 ની ભાગ બટાઈ કરવાના હતા. આ પોલીસ વિભાગ માટે અતિ શર્મનાક કિસ્સો કહી શકાય. જમાલપુરમાં માર્કેટ યાર્ડ શરૂ થયા બાદ ત્યાં બહારથી માલ લઈને આવતા વેપારીઓને સ્થાનિક પોલીસ દ્વારા હપ્તાની માગણી કરી પરેશાન કરવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. બાદમાં આ એસીબીએ કાર્યવાહી કરી હતી. જેમાં પીસીઆર ઓપરેટર પ્રભુદાસ નાનજીભાઈ ડામોર, હેડ કોન્સ્ટેબલ ક્રિષ્ના અરવિંદભાઈ બારોટ અને પોલીસ કોન્સ્ટેબલ દિલીપ ચંદ્ર ગુલાબ ચંદ્ર બારોટને રંગેહાથ ઝડપી લીધા હતા.


Related News

Loading...
Advertisement