કોરોનાગ્રસ્ત દર્દીને સાજા કરવા સુરત સિવિલના 24 તબીબોને રાજકોટમાં મુકાયા

26 September 2020 06:01 PM
Rajkot
  • કોરોનાગ્રસ્ત દર્દીને સાજા કરવા સુરત સિવિલના 24 તબીબોને રાજકોટમાં મુકાયા

જ્યાં સુધી સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી આ તબીબો રાજકોટ સિવિલમાં જ રહેશે તૈનાત

રાજકોટ, તા.26
રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. તંત્ર દ્વારા મૃત્યુદર ઉપર કાબૂ મેળવી લેવાયાનું ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે પરંતુ શહેર અને જિલ્લામાં કેસ ઘટવાનું નામ જ ન લઈ રહ્યા હોવાને કારણે તંત્ર સામે કોરોનાને કાબૂમાં લેવાનો નવો પડકાર ઉભો થવા પામ્યો છે. દરમિયાન રાજકોટના કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલના 24 તબીબોને રાજકોટમાં ડેપ્યુટેશન (પ્રતિનિયુક્તિ) પર મુકવામાં આવ્યા છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના એડિશનલ ડિન ડો.હેતલ કિયાડાને પૂછવામાં આવતાં તેમણે 24 તબીબો સુરતથી રાજકોટ મુકાયા હોવાની વાતનો ઈનકાર કરતાં કહ્યું હતું કે આ પ્રકારની મને કશી જાણ નથી. જો કે સિવિલ હોસ્પિટલના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટે સુરત સિવિલના 24 તબીબોને રાજકોટમાં મુક્યા હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે રોટેશન પદ્ધતિથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી મેડિસિન અને એનેસ્થેસિયા વિભાગના તબીબોને રાજકોટ મુકવામાં આવ્યા છે.

આ 24 તબીબો પૈકી 4 પ્રાધ્યાપક, 10 રેસિડેન્ટ ડોક્ટરો કે જેઓ સુરતમાં બગડેલી સ્થિતિને કાબૂમાં લેવા માટે ત્યાં ગયા હતા જે પરત ફર્યા છે. આ ઉપરાંત 10 રેસિડેન્ટ તબીબોને અત્યારે ઓનડયૂટી રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ છે જેથી તેઓને ઝડપથી સાજા કરી ડિસ્ચાર્જ રેશિયો ઉંચો લાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આ પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે. આ તબીબો રાજકોટમાં જ્યાં સુધી સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી તૈનાત રહેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.


Related News

Loading...
Advertisement