કોરોના દર્દીઓની વિગતો જાહેર કરવાની જરૂર નથી : હાઈકોર્ટ

26 September 2020 05:03 PM
Rajkot Gujarat
  • કોરોના દર્દીઓની વિગતો જાહેર કરવાની જરૂર નથી : હાઈકોર્ટ

મનપાની દલીલ માન્ય : છતાં વિસ્તારમાં જાગૃતિ માટે બોર્ડ મુકવા માર્ગદર્શન છે-અતુલ રાજાણી

રાજકોટ તા.26
કોરોના સંક્રમણમાં આવી ગયેલા લોકોના નામ-સરનામા દર્દી તરીકે જાહેર કરવા હાઈકોર્ટમાં રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણીએ કરેલી રીટ સામે સરકાર અને મનપાએ કરેલી દલીલ વડી અદાલતે માન્ય રાખી છે. દર્દીઓના નામ-સરનામા જાહેર કરવાની જરૂર નહી હોવા સાથે સંમતી દર્શાવી છે તો સાથે કેસ વાળા વિસ્તારમાં જાગૃતિ માટે તો પ્રચાર થવો જ જોઈએ તેવું માર્ગદર્શન આપ્યાનું નગરસેવકે કહ્યું છે.

દર્દીઓના નામ-સરનામા જાહેર ન થાય તો આસપાસના લોકો અજ્ઞાન રહે અને અજાણતા ચેપનો ભોગ બને તેવી ભીતિ સાથે કોંગ્રેસના દંડકે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. અદાલતમાં આ મામલે નગરસેવક વતી તેમના વકીલ, સામાપક્ષે સરકાર અને મહાપાલિકાએ દલીલો મુકી હતી. આ કેસના અંતે વડી અદાલતે દર્દીના નામ-સરનામા સહિતની વિગતો સામાજીક હિતમાં અને તેમના ગોપનીયતાના અધિકાર હેઠળ જાહેર ન કરવા સાથે સંમતી આપ્યાનું મનપા સૂત્રોએ જણાવ્યું હતું.

આ અંગે કોર્પોરેટર અતુલ રાજાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અદાલતે નામો જાહેર કરવા મામલે કોઈ સૂચના આપી નથી પરંતુ જે તે વિસ્તારના લોકો કોરોના કેસથી વાકેફ થતા રહે તે માટે જાગૃતિના બોર્ડ મુકવા સૂચના આપી છે. કોઈ વિસ્તારમાં કેસ વધતા હોય ત્યારે મહાપાલિકાએ ત્યાં લોકોને જાગૃત અને માહિતગાર કરતા મોટા બોર્ડ મુકવા જોઈએ. હવે આ દિશામાં મનપાએ કામ કરવાની જરૂર છે.


Related News

Loading...
Advertisement