કોરોનાના 44 નવા કેસ: કુલ આંક 5700: બે લાખ ટેસ્ટીંગ

26 September 2020 05:02 PM
Rajkot Saurashtra
  • કોરોનાના 44 નવા કેસ: કુલ આંક 5700: બે લાખ ટેસ્ટીંગ

નવા 87 માઈક્રો કનટેન્મેન્ટ વિસ્તાર જાહેર: લક્ષ્યાંક આધારીત ટેસ્ટીંગના કારણે વધુ કેસ ટ્રેસ થાય છે : કમિશ્નર: મહાનગરમાં સ્થિતિ સારી થઈ રહ્યાના દાવા વચ્ચે રોજ નોંધાતા 100થી વધુ દર્દી: છતાં 79.61% રીકવરીથી થોડી રાહતની લાગણી

રાજકોટ તા.26
રાજકોટ મહાનગરમાં સપ્ટેમ્બર મહિનામાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે આજે મહાનગરના કુલ દર્દીઓનો આંકડો 5700 થઈ ગયો છે. આજે બપોર સુધીમાં નવા 44 કેસ નોંધાવા સાથે રોજના સરેરાશ સો દર્દીઓની સંખ્યા આ મહિનામાં જળવાતી જ રહેશે તેવુ લાગી રહ્યું છે. મહાનગરમાં આજે બપોરે કોરોનાના નવા 44 કેસ નોંધાતા કુલ નોંધાયેલા દર્દીમાંથી 4503 અત્યાર સુધીમાં સારવાર લઈને કોરોના મુક્ત થયા છે. જે 76.61 ટકા રીકવરી રેટ મહાનગરના લોકો માટે થોડો રાહતરૂપ છે.

ગત મહીનેથી શરુ કરાયેલા અને ચાલુ મહીનાથી અભિયાનની જેમ ચલાવવામાં આવેલા ટેસ્ટીંગ કામમાં કુલ પરીક્ષણનો આંકડો 199221 થઈ ગયો છે એટલે કે આ ટેસ્ટીંગ આજે સાંજે બે લાખને પાર થઈ જશે. શહેરની અંદાજીત 18 લાખની વસ્તીમાંથી મનપાએ બે લાખ જેટલા લોકોનું ટેસ્ટીંગ કર્યું છે અને હજુ ચાલુ છે.

કોરોનાની સ્થિતિ સુધરતી હોવાની તંત્રની વાત વચ્ચે રોજ ત્રણ આંકડામાં કેસ આવી રહ્યા અંગે કમિશ્ર્નર ઉદીત અગ્રવાલે કહ્યું હતું કે તમામ વિસ્તારમાં સર્વે, ડોર ટુ ડોર જરૂર હોય ત્યાં ટેસ્ટીંગ, જ્ઞાતિ, સમાજ કક્ષાના કેમ્પ મનપાએ યોજયા છે. બહારગામથી આવતા મુસાફરોના ટેસ્ટીંગ પણ કરવામાં આવે છે. હવે કોઈ પોઝીટીવ દર્દી મળે તો તેના વિસ્તારમાં જઈને પરીવાર અને નજીકના સંપર્કના લોકોના ટેસ્ટ કરાવવામાં આવે છે. એક પણ શંકાસ્પદ વ્યક્તિ અંધારામાં ન રહે અને તેનો પરિવાર સલામત રહે, અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે આ રીતે ટાર્ગેટ બેઝડ ટેસ્ટીંગ ચલાવવામાં આવી રહ્યું છે. આથી કેસના આંકડા વધારે રહે તે સ્વાભાવિક છે.

રાજકોટમાં કોરોનાના કેસ વધવાના બદલે વધુને વધુ ટ્રેસ થઈ રહ્યા છે તેમ કહેવું વધુ યોગ્ય ગણાશે. કારણ કે આ તમામ રસ્તે કોરોના વાયરસની ચેઈન તોડવામાં આરોગ્ય તંત્ર સફળ થવા તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલ તા.25ના રોજ રાજકોટમાં કોરોનાના 4990 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 2.22 ટકા એટલે કે 111 રિપોર્ટ પોઝીટીવ હતા. સાથે જ 105 દર્દીને રજા પણ આપવામાં આવી છે.

દરમ્યાન શહેરમાં વધુ 87 માઈક્રો કનટેનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યા છે તેમાં નાનામૌવા રોડના વિદ્યુતનગર, નહેરુનગર, મારૂતી પાર્ક, પરમેશ્વર સોસાયટી, સતાધાર પાર્ક, ગુલાબવિહાર, સૂર્યોદય, લક્ષ્મીવાડી, ભક્તિનગર, ગાયત્રીનગર, બોલબાલા માર્ગનો સમાવેશ થાય છે તો સંતોષીનગર, રેસકોર્ષ પાર્ક, રઘુનંદન, પોપટપરા, ક્રિષ્ણનગર, કબીરવન, ન્યુ જાગનાથ, શક્તિ કોલોની, સદર, સરદારનગર, અંબિકા ટાઉનશીપ, ગોકુલધામ, માસ્તર સોસાયટી, ગીતાનગર, શીતલ પાર્ક, ગાંધીગ્રામમાં ધનિષ્ઠ સર્વે અને આરોગ્યલક્ષી કામગીરી કરાઈ હતી.

એક દિવસમાં 49287 સહિત અત્યાર સુધીમાં 12.41 લાખ લોકોનો સર્વે કરીને 4.04 લાખ લોકોની ઓપીડી પણ મનપા દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે શરદી, ઉધરસ, તાવના 17 દર્દી મળ્યા હતા.


Related News

Loading...
Advertisement