એક જ મહિનામાં દર્દીને બીજી વખત કોરોના: રાજકોટમાં પ્રથમ કેસ

26 September 2020 04:24 PM
Rajkot
  • એક જ મહિનામાં દર્દીને બીજી વખત કોરોના: રાજકોટમાં પ્રથમ કેસ

અમદાવાદ, મુંબઈ, પુના, નાગપુર, દિલ્હી જેવા શહેરોમાં રી-ઈન્ફેકશન જેવો કિસ્સો હવે રાજકોટમાં પ્રકાશમાં આવ્યો : વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ: એક જ મહિનામાં બે વખત કોરોના સંક્રમીત બનતા તબીબી જગત માટે પણ પડકાર : પ્રથમ વખત તાવ-શરદીના લક્ષણો હતા, બીજીવાર ‘ઉલ્ટી’ મારફત લક્ષણ આવ્યા બાદ ટેસ્ટમાં કોરોના પોઝીટીવ

રાજકોટ તા.26
કોરોનાગ્રસ્ત વ્યક્તિને બીજી વખત ચેપ લાગ્યાના દેશના કેટલાંક શહેરોમાં કિસ્સા સામે આવ્યા જ છે ત્યારે હવે રાજકોટમાં પણ ‘કોરોના રીઈન્ફેકશન’ (એક જ વ્યક્તિને બીજી વખત સંક્રમણ લાગુ પડવું)નો પ્રથમ કેસ નોંધાયો છે. એક જ મહિનામાં બીજી વખત કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા જૈન અગ્રણીને વોકહાર્ટ કોવિડ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર તબીબી જગત માયે આ કેસ પડકારરૂપ બની શકે તેમ છે. કારણ કે અત્યાર સુધી દેશનાં કેટલાંક શહેરોમાં નોંધાયેલા રીઈન્ફેકશનના કેસમાં બે-ત્રણ મહીને ફરી ચેપ લાગ્યાનું માલુમ પડયું હતું. પરંતુ રાજકોટના દર્દીને તો એક જ મહિનામાં બીજી વખત કોરોનાનું સંક્રમણ થયુ છે.

રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા જૈન અગ્રણીને ગત ઓગષ્ટ મહીનાના અંતિમ સપ્તાહમાં તાવ, શરદી થયા હતા. કોરોનાના લક્ષણોની શંકાના આધારે આરટી-પીસીઆર (કોરોનાનો મુખ્ય ટેસ્ટ) ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 22 ઓગષ્ટે તેઓ કોરોના સંક્રમીત હોવાનું જાહેર થતા 14 દિવસના હોમ-આઈસોલેશનમાં રાખી દેવામાં આવ્યા હતા. તબીબી નિરીક્ષણ હેઠળ જૈન અગ્રણી ઝડપભેર સ્વસ્થ થવા લાગ્યા હતા. ફોલોઅપ રીપોર્ટ પણ નેગેટીવ આવવા સાથે 8મી સપ્ટેમ્બરે કોરોના-મુક્ત થઈ ગયા હતા છતાં સાવચેતી ખાતર બે-ત્રણ દિવસ ઘેર જ આઈસોલેટ રહ્યા હતા અને ત્યારબાદ સામાન્ય જીવન-વ્યવહાર શરૂ કર્યો હતો.

એકાદ સપ્તાહ બાદ ફરી તબીયત નાદુરસ્ત થઈ હોય તેમ ઉલ્ટી થવા જેવી તકલીફ થઈ હતી. બ્રેઈન-સ્ટ્રોકની શંકા જતા 23મી સપ્ટેમ્બરે વોકહાર્ટ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પીટલના નિષ્ણાંત તબીબ ડો. કાંત જોગાણી તથા ડો. વિકાસ જૈન દ્વારા જુદા-જુદા ટેસ્ટ કરાવવા ઉપરાંત ચકાસણી સર્જરી કરવામાં આવી હતી. પરંતુ બ્રેઈન સ્ટ્રોક કે તેમાં કોઈ નુકશાન માલુમ પડયુ ન હતું. આ તકે અચંબીત તબીબોએ કોરોનાની શંકાના આધારે ફરી કોરોના ટેસ્ટ કરાવવાનું સૂચવ્યુ હતું તે કરાવાતા જૈન અગ્રણીનો રીપોર્ટ ફરી પોઝીટીવ આવ્યો હતો. બીજી વખત કોરોના સંક્રમીત માલુમ પડયા હતા જેને પગલે તેઓને તત્કાળ વોકહાર્ટના જ કોવિડ યુનિટમાં શીફટ કરવામાં આવ્યા હતા.

આઘાતજનક બાબત એ છે કે પ્રથમ વખતના કોરોના કરતા બીજી વખત સંક્રમીત થયેલા જૈન અગ્રણીમાં કોરોના વાઈરસનો લોડ વધુ ઉંચો માલુમ પડયો હતો. અર્થાત ગંભીર વાઈરસ લોડ જણાયો હતો. જેને પગલે હોસ્પીટલના તબીબો ડો. ચિરાગ માત્રાવડીયા તથા ડો. સમીર પ્રજાપતિની સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

રાજકોટમાં કોરોના રી-ઈન્ફેકશનનો આ પ્રથમ કેસ સમગ્ર તબીબી જગત માયે પડકારરૂપ બની રહે તેમ છે. કારણ કે ટુંકાગાળામાં જ આ દર્દીને બીજી વખત કોરોનાનો ચેપ લાગ્યો છે. ભારતમાં અમદાવાદ ઉપરાંત પુના, મુંબઈ, દિલ્હી, નાગપુર જેવા કેટલાંક શહેરોમાં ફરી વખત ચેપ લાગ્યાના કેસ નોંધાયા છે. પરંતુ તેમાં મોટાપાયે કોરોના દર્દી પ્રથમ વખત સાજા થઈ ગયાના બે-ત્રણ મહિના પછી ફરી સંક્રમીત બન્યાનું માલુમ પડયુ હતું. રાજકોટના કિસ્સામાં તો ગણતરીના દિવસોમાં જ કોરોના સંક્રમીત વ્યક્તિને કોરોના લાગુ પડયો છે.

વિશ્વમાં કોરોનાના સંક્રમણને 9-10 મહિના થવા આવ્યા છે. ભારતમાં પગપેસારાને આઠેક મહિના થયા છે. વૈશ્વિક સ્તરે અનેક સંશોધનો-અભ્યાસ થયા છે. રી-ઈન્ફેકશનમાં વાઈરસ લોડ વધુ રહેવાની ચેતવણી આપી છે. રાજકોટના કિસ્સામાં તે લાગુ પડે જ છે. કારણ કે દર્દીનો વાઈરસ લોડ પ્રથમ કરતા બીજી વખતના સંક્રમણમાં વધુ છે.

સરકારી આરોગ્યતંત્ર હજુ બેખબર
રાજકોટમાં રીઈન્ફેકશનના કેસ વિશે હજુ સરકારી આરોગ્ય વિભાગ બેખબર હોવાનું જાણમાં આવ્યું છે. જૈન અગ્રણી દર્દી ખાનગી કોવિડ હોસ્પીટલમાં સારવાર હેઠળ હોવાથી સરકારી તંત્રને જાણ નથી. જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીનો સંપર્ક કરતા તેઓએ કહ્યું કે રાજકોટમાં રીઈન્ફેકશનનો કેસ ધ્યાનમાં આવ્યો નથી. રીઈન્ફેકશનની શકયતા ઘણી ઓછી નહીવત રહેતી હોવાનો પણ સૂર દર્શાવ્યો હતો. કયારેય રીપોર્ટ યોગ્ય રીતે ન થયો હોય અને નેગેટીવ/પોઝીટીવની શકયતાનો ઈન્કાર ન થઈ શકે. જો કે, રાજકોટમાં હજુ ફરી કોઈ દર્દીને ચેપ લાગ્યાનું જાણમાં જ નથી.

બીજા સંક્રમણમાં ‘વાઈરસ-લોડ’ વધુ: વૈજ્ઞાનિક તારણો ફીટ બેસે છે
કોરોના-કાળમાં વૈજ્ઞાનિકો તેની રસી બનાવવાથી માંડીને સંક્રમીતોને થતી અન્ય આરોગ્યલક્ષી અસરો વિશે સંશોધનો કરી જ રહ્યા છે. અત્યાર સુધીના જુદા-જુદા રીપોર્ટમાં એવું સ્પષ્ટ તારણ દર્શાવ્યું જ છે કે બીજી વખત ચેપ લાગે તો અસર વધુ તીવ્ર હોઈ શકે છે. રાજકોટના કેસમાં આ તારણ એકદમ ફીટ બેસે છે. કારણ કે જૈન અગ્રણી ઓગષ્ટમાં પ્રથમવાર સંક્રમીત બન્યા તેની સરખામણીએ બીજી વખતના સંક્રમણમાં વાઈરસ લોડ વધુ માલુમ પડયો છે.

બંને સંક્રમણ કયારે થયા?
22 ઓગષ્ટ-   કોરોના RTPCR રીપોર્ટ પોઝીટીવ
8 સપ્ટેમ્બર-   રિપોર્ટ નેગેટીવ
23 સપ્ટેમ્બર-   RTPCR કોરોના પોઝીટીવ


Related News

Loading...
Advertisement