‘ઘાયલ’ હૈદરાબાદ-કોલકત્તા વચ્ચે આજે કાંટે કી ટક્કર: બન્નેનું પલડું ભારે

26 September 2020 01:19 PM
India Sports World
  • ‘ઘાયલ’ હૈદરાબાદ-કોલકત્તા વચ્ચે આજે કાંટે કી ટક્કર: બન્નેનું પલડું ભારે

હૈદરાબાદ પાસે વોર્નર-બેરિસ્ટો સહિતના બેટધરો છે તો કોલકત્તાનું જમાપાસું રસેલ-મોર્ગન: બન્ને ટીમ પાસે ઘાતક બોલરો

અબુધાબી
આઈપીએલ-13માં પોતાના પ્રથમ મેચમાં પરાજિત થયેલી બે ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે. ટીમમાં રહેલા ખેલાડીઓને જોતાં અત્યારે બન્ને ટીમોનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. હૈદરાબાદ પાસે ડેવિડ વોર્નર-જોની બેરિસ્ટો જેવી કમાલની ઓપનિંગ જોડી છે તો કોલકત્તા પાસે આન્દ્રે રસેલ, ઓઈન મોર્ગન જેવા ધુંવાધાર બેટસમેનો છે જે ગમે ત્યારે મેચનું પાસું પલટી શકે છે. આ ઉપરાંત બન્ને ટીમ ઘાતક બોલરોથી ભરપૂર હોય આજની મેચ અત્યંત રોમાંચક બની રહેવાની સંભાવના નકારી શકાતી નથી.

આ પહેલાં હૈદરાબાદનો બેંગ્લોર સામે 10 રને અને કોલકત્તાનો મુંબઈ સામે 49 રને પરાજય થયો હતો. હવે બન્ને ટીમ તેમની આ બીજી મેચમાં પહેલાં પરાજયમાંથી બોધપાઠ લઈને આજે નવી રણનીતિ સાથે પુનરાગમન કરવાના મક્કમ ઈરાદા સાથે મેદાને ઉતરશે. આજે અબુધાબીમાં ચોગ્ગા-છગ્ગાની વરસાદની આશા ક્રિકેટપ્રેમીઓ રાખી રહ્યા છે. ટી-20 ફોર્મેટના હાલના શ્રેષ્ઠ ખેલાડીઓમાં જેની ગણના થાય છે તેવા બળુકા ખેલાડીઓ આજે ટક્કર લેવાના છે.

કોલકત્તાની ટીમના સુપરસ્ટાર આન્દ્રે રસેલ અને ઈંગ્લેન્ડનો વર્લ્ડકપ વિનર કેપ્ટન ઓઈન મોર્ગન અને હૈદરાબાદનો ડેવિડ વોર્નર તથા તેનો સાથી ઓપનર જોની બેરીસ્ટિો ભલભલા બોલરોના છોતરા કાઢી નાખવા માટે સક્ષમ છે. આજે ટી-20ના બે સ્ટાર રસેલ અને નંબર વન બોલર રાશિદ ખાનની ટક્કર પણ રોમાંચક રહેશે. બેટિંગમાં બન્ને ટીમ એકસરખી દેખાય છે પણ હૈદરાબાદનો બોલિંગ એટેક કોલકત્તા કરતાં વધુ અસરકારક લાગી રહ્યો છે.

હૈદરાબાદ પાસે ભુવનેશ્વરકુમાર, રાશિદ ખાન, મોહમ્મદ નબી, વિજય શંકર કે અભિષેક શર્મા કોલકત્તાના બેટધરોને કાબૂમાં રાખી શકે છે. કોલકત્તા વતી સુનિલ નરૈન અને શિવમ માવી ફ્રન્ટલાઈન રહેશે. જ્યારે 15.50 કરોડની કિંમતે ખરીદાયેલો પેટ કમીન્સ આજે તેનું અસલ પ્રદર્શન કરવા આતૂર રહેશે. રસેલે મુંબઈ સામે બોલિંગ ફોર્મ બતાવ્યું હતું પરંતુ બેટિંગમાં તે નિષ્ફળ ગયો હતો.

કોલકત્તા આજે તેની પહેલી મેચની પ્લેઈંગ ઈલેવન સાથે જ મેદાને ઉતરી શકે છે. બીજી બાજુ હૈદરાબાદમાં એકાદ-બે ફેરફાર જોવા મળી શકે છે. ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા મિચેલ માર્શની જગ્યાએ કેન વિલિયમસન અથવા મોહમ્મદ નબીનો સમાવેશ થઈ શકે છે. બન્ને ટીમ અત્યાર સુધીમાં 17 વખત ટકરાઈ ચૂકી છે

જેમાં 10 વખત કોલકત્તા અને 7 વખત હૈદરાબાદ વિજેતા બન્યું છે. ગત વર્ષે બન્ને ટીમ વચ્ચેની ટક્કરમાં પહેલી મેચ કોલકત્તાએ અને બીજી મેચ હૈદરાબાદે પોતાના નામે કરી હતી. ગત સીઝનમાં પ્લેઓફની રેસમાં પણ બન્ને ટીમો વચ્ચે જોરદાર જંગ જામ્યો હતો.


Related News

Loading...
Advertisement