પૃથ્વીના ‘શો’, રબાડાની ‘રફ્તાર’ સામે ધોનીસેના ધબાય નમ: દિલ્હીની 44 રને જીત

26 September 2020 01:14 PM
India Sports World
  • પૃથ્વીના ‘શો’, રબાડાની ‘રફ્તાર’ સામે ધોનીસેના ધબાય નમ: દિલ્હીની 44 રને જીત

ચેન્નાઈનો સતત બીજો પરાજય, દિલ્હીનો સતત બીજો વિજય: પૃથ્વી-ધવન-પંત બેટિંગમાં, રબાડા-નોર્જે-અક્ષર બોલિંગમાં ખીલ્યા: ચેન્નાઈને ધીમી બેટિંગ ભારે પડી ગઈ

દુબઈ, તા.26
મહેન્દ્રસિંહ ધોનીની અત્યંત ‘અનુભવી’ ગણાતી ચેન્નાઈ સુપરકિંગ્સ અને શ્રેયસ અય્યરની ‘યંગબ્લડ’ ગણાતી દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઈમાં રમાયેલા મુકાબલામાં દિલ્હીએ બાજી મારી લઈ સતત બીજી જીત પોતાના ગજવામાં કરી લીધી છે. આ મેચમાં દિલ્હી વતી પૃથ્વી શોએ ધમાકેદાર બેટિંગ તો કાગીસો રબાડાએ ધારદાર રફ્તારથી ટીમ ચેન્નાઈને તહેસનહેસ કરી નાખતાં દિલ્હીનો 44 રને શાનદાર વિજય થયો હતો. આ સાથે જ ચેન્નાઈના બેટધરોએ દિલ્હી સામે કરેલી અત્યંત ધીમી બેટિંગને કારણે ટીમને સતત બીજો પરાજય જોવો પડ્યો છે. આ મેચના હિરો પૃથ્વી શોએ 43 બોલમાં 64 રનની ઈનિંગ રમી જીતનો પાયો નાખી દીધો હતો.

ચેન્નાઈએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીની ટીમે ત્રણ વિકેટ ગુમાવી 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ સાત વિકેટ ગુમાવીને 131 રન જ બનાવી શકી હતી. પૃથ્વી શોએ પાછલા મેચની ભૂલને સુધારી હવામાં શોટ રમવાનું ટાળ્યું હતું જેનો તેને ફાયદો મળ્યો હોય તેવી રીતે 43 બોલમાં 64 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને એક છગ્ગો પણ લગાવ્યો હતો. સાથે સાથે તેણે આઈપીએલની આ સીઝનની પહેલી ફિફટી પણ બનાવી હતી.
પૃથ્વીની ઈનિંગનો અંત સ્પિનર પિયુષ ચાવલાએ લાવ્યો હતો.

પૃથ્વીએ આગળ વધીને લાંબો શોટ ફટકારવાની કોશિશ કરી પરંતુ તે ચૂકી ગયો અને ચેન્નાઈના કેપ્ટન-વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોનીએ તેને સ્ટમ્પ આઉટ કરી દીધો હતો. ઓપનિંગ જોડી પૃથ્વી શો અને અનુભવી શીખર ધવને પહેલી વિકેટ માટે 10.4 ઓવરમાં 94 રનની ભાગીદારી કરી હતી. ધવને 27 બોલમાં ત્રર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. આ પછી મીડલ ઓર્ડર બેટસમેન ઋષભ પંતે ઝડપી ઈનિંગ રમતાં 25 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પાંચ બાઉન્ડ્રી પણ લગાવી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે 22 બોલમાં એક ચોગ્ગા સાથે 26 રન બનાવ્યા હતા. ચેન્નાઈ વતી પિયુષ ચાવલાએ બે અને સૈમ કરેનએ એક વિકેટ ઝડપી હતી.

ચેન્નાઈએ 176 રનના લક્ષ્યાંક સામે શરૂઆતથી જ ધીમી બેટિંગ કરી હતી. ધોની ફરી ઝડપી બેટિંગ કરવાથી ચૂકી ગયો હતો. તેણે 12 બોલમાં બે ચોગ્ગા સાથે માત્ર 15 રન બનાવી પેવેલિયનની વાટ પકડી હતી. ચેન્નાઈ તરફથી ફાફ ડુપ્લેસીસે 35 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. આ સિવાય જાધવે નોંધનીય 26 રન બનાવ્યા હતા. જ્યારે બાકીના બેટધરો ક્રિઝ પર લાંબો સમય સુધી ટકી ન શકતાં આખી ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 131 રને થંભી ગઈ હતી. બોલિંગમાં દિલ્હી વતી કાગીસો રબાડાએ ઘાતક બોલિંગ કરતાં સૌથી વધ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત એનરિચ નોર્જેએ બે અને અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.


Related News

Loading...
Advertisement