‘@IPL બાયો બબલ’: ખેલાડીઓને સુવિધા ‘મહેલ’ જેવી, માહોલ ‘જેલ’ જેવો !

26 September 2020 01:12 PM
India Sports World
  • ‘@IPL બાયો બબલ’: ખેલાડીઓને સુવિધા ‘મહેલ’ જેવી, માહોલ ‘જેલ’ જેવો !
  • ‘@IPL બાયો બબલ’: ખેલાડીઓને સુવિધા ‘મહેલ’ જેવી, માહોલ ‘જેલ’ જેવો !

બહાર જવાનું તો દૂર, એક ખેલાડી બીજા ખેલાડીને મળી પણ નથી શકતો : શેફ-ડ્રાઈવરને પણ ઘેર જવાની છૂટ નહીં: જીમ, બ્રેકફાસ્ટ, લંચ-ડીનર ‘સમયસર’ જ કરવાનું: ખેલાડીએ જીતની ઉજવણી કરવી હોય તો પણ એકલાએ જ કરવાની : જો ‘બાયો બબલ’ તોડ્યું તો ખેલાડીને સીધો ઘરભેગો કરી દેવાશે: સ્ટેડિયમથી 3 કિ.મી. દૂર જ લગાવી દેવાઈ છે બેરિકેડ

રાજકોટ, તા.26
કોરોના નામના કાતીલ વાયરસે સમગ્ર વિશ્વમાં અનેક પરિવર્તન લાવી દીધા છે. લગભગ દરેક ક્ષેત્રે જડમૂળથી ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે રમત-ગમત ક્ષેત્રને પણ ફરી ધબકતું કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોનાના કપરા કાળ વચ્ચે શરૂ થયેલી ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનના મેચ ભલે ક્રિકેટરસિકો ટીવી સામે આરામથી બેસીને નિહાળતાં હોય પરંતુ ખેલાડીઓને અત્યારે ‘બંધાયેલા’ હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.

આઈપીએલ અત્યારે ‘બાયો બબલ’ના ચુસ્ત નિયમો સાથે શરૂ કરવામાં આવી હોવાથી દરેક ખેલાડીને યુએઈમાં સુવિધા ‘મહેલ’ જેવી મળી રહી છે પરંતુ માહોલ ‘જેલ’ જેવો અનુભવાઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે આઈપીએલ ચોગ્ગા-છગ્ગાના વરસાદની સાથે સાથે પાર્ટીઝ માટે પણ જાણીતી છે પરંતુ આ વખતના આઈપીએલમાં આવું કશું જ જોવા મળવાનું છે. પાર્ટીઝ તો દૂર પરંતુ એક ખેલાડીને બીજા ખેલાડી સાથે મુલાકાત પણ કરવા દેવામાં આવતી નથી.

યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ માટે બે ટીમને અબુધાબી, ચાર ટીમને દુબઈ અને બે ટીમને શારજાહમાં ઉતારો આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓને જે જે હોટેલમાં ઉતારો અપાયો છે તેની સુવિધા વૈશ્વિક કક્ષાની છે પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ‘બાયો બબલ’ સિસ્ટમ અમલી બનાવી દેવામાં આવી છે જેથી ખેલાડીઓના ‘પગ’ બંધાઈ ગયેલા છે. ‘બાયો બબલ’ હેઠળ એક વખત ખેલાડી રૂમમાં ચાલ્યો ગયો એટલે તેણે બહાર નીકળવાની છૂટ હોતી નથી.

જો તેણે બહાર નીકળવું પણ હોય તો પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આકરાં નિયમો અમલી બનાવી રાખ્યા છે જેનું ખેલાડીઓની સાથે સાથે ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા લોકોએ કડક પાલન કરવું પડે છે.

દરેક ટીમના ખેલાડીઓને એક ‘શેડયુલ’ આપી દેવામાં આવ્યું છે અને તે પ્રમાણે જ તેમણે જીમસેશન, બ્રેકફાસ્ટ, લંચ-ડીનર સહિતની વસ્તુ કરવાની હોય છે. જો ‘શેડયુલ’ પ્રમાણે કોઈ ખેલાડી ન ચાલે અને સમય ચૂકી જાય તો પછી તેને રૂમમાં જ આ બધું કરવું પડે છે જે ઘણી વખત તેમને પોસાતું હોતું નથી. ખેલાડીઓ તો ઠીક આઈપીએલ માટે તૈનાત કરાયેલા શેફ, ડ્રાઈવર માટે પણ ‘બાયો બબલ’નું પાલન ફરજિયાત છે અને નિયમો અંતર્ગત તેમને પણ ઘેર જવા દેવામાં આવતાં નથી અને તેમણે પણ હોટેલમાં રોકાવવું પડે છે.

જો કોઈ ખેલાડી કે સ્ટાફ ‘બાયો બબલ’નો નિયમ તોડશે તો તેને સીધો ઘરભેગો કરી દેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કોઈ ખેલાડી ટીમવિજયની ઉજવણી કરવા માગે તો તેણે એકલાએ જ કરવાની હોય છે. સામાન્ય રીતે આઈપીએલમાં જીતની ઉજવણી દરેક ખેલાડી સાથે મળીને કરતાં હોય છે પરંતુ આ વખતે એવું થઈ શકે તેમ નથી. ખાસ કરીને સ્ટેડિયમ પર મર્યાદિત ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફને જ મોકલવામાં આવે છે જેના કારણે બધી વસ્તુ ખેલાડીએ જાતે જ કરવાની હોય છે.

જ્યારે ટીમ મેચ રમવા જાય છે ત્યારે તે જે સ્ટેડિયમમાં મેચ રમવાની હોય તેના કલાકો પહેલાં સ્ટેડિયમથી 3 કિલોમીટરના વિસ્તારને બેરીકેડ કરી દેવામાં આવે છે જેથી કોઈ પણ બહારની વ્યક્તિ સ્ટેડિયમ કે તેની આસપાસના વિસ્તારમાં પ્રવેશી ન શકે. આ સહિતના અનેક નિયમો ‘બાયો બબલ’ હેઠળ ઘડવામાં આવ્યા છે જેનું પાલન કરવું ફરજિયાત હોવાથી ખેલાડીઓ રીતસરના ‘કેદ’ થઈ ગયા છે !

ચેન્નાઈ-મુંબઈ-કોલકત્તાએ સોશ્યલ ડિસ્ટન્સ માટે કરી છે ખાસ વ્યવસ્થા
આઈપીએલની બળુકી ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે ખાસ વ્યવસ્થા કરી છે. ત્રણેય ફ્રેન્ચાઈઝીએ હોટેલના વિશાળ બેન્કવેટ હોલમાં જીમ સહિતની સગવડ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્પોર્ટસ સેશન માટે પણ તબક્કાવાર ખેલાડીઓને બોલાવવામાં આવી રહ્યા છે.

હવે દરેક ટૂર્નામેન્ટમાં ‘બાયો બબલ’નો ઉપયોગ કરાશે
કોરોનાને કારણે ખેલાડીઓના એકબીજા સાથેના સંપર્કને તોડવા માટે ‘બાયો બબલ’નો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. આ પહેલાં અમેરિકામાં રમાયેલી યુ.એસ.ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ, ફૂટબોલ ચેમ્પિયન્સ લીગ સહિતની ટૂર્નામેન્ટમાં ‘બાયો બબલ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે અત્યારે આઈપીએલમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આગામી સમયમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારી બીગબેશ લીગ અને ગોવામાં આવતાં મહિનાથી શરૂ થનારી ફૂટબોલ ટૂર્નામેન્ટમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે.

ખેલાડીઓના દર 12 દિવસે થાય છે એન્ટીજન ટેસ્ટ
આઈપીએલમાં ભાગ લેનારી આઠેય ફ્રેન્ચાઈઝીના દર 12 દિવસે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટીંગ માટે દરેક ટીમને એક શેડયુલ આપી દેવામાં આવે છે અને તેના અનુસાર જ દરેક ખેલાડીએ ટેસ્ટીંગ કરાવવું ફરજિયાત છે. આ નિયમ પણ ‘બાયોબબલ’ હેઠળ આવરી લેવામાં આવ્યો હોવાથી તેનું પાલન અત્યંત જરૂરી બની જાય છે. ભલે ખેલાડીઓ ‘બાયોબબલ’ હેઠળ ‘એકલા’ રહેતા હોય આમ છતાં તેઓને કોરોના ‘અડી’ ન જાય તે માટે ટેસ્ટીંગ ઉપર પૂરતો ભાર મુકવામાં આવી રહ્યો છે.

‘બાયો બબલ’નું ચુસ્ત પાલન દુબઈ જ કરી શકે !
નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે જાણીતા દેશ યુએઈમાં અત્યારે આઈપીએલની 13મી સીઝન રમાઈ રહી છે. અહીં નિયમોનું ચુસ્તમાં ચુસ્ત પાલન થઈ શકે તેમ હોવાથી જ ક્રિકેટ બોર્ડ દ્વારા યુએઈની પસંદગી કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડે પણ આઈપીએલની યજમાની માટે બોર્ડને ઓફર આપી હતી પરંતુ ત્યાં નિયમોના પાલન થવા પર પ્રશ્નાર્થ ઉભો થતાં યુએઈની પસંદગી કરવામાં આવી છે. અહીં દરેક હોટેલમાં મજબૂત સુરક્ષા-વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જેથી કોઈ વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરી શકે તેવી સ્થિતિ ઉભી થવાનો સવાલ જ નથી.

ખેલાડી, અમ્પાયર, મેચ ઓફિશીયલ માટે અલગ-અલગ લીફટ
ખાસ કરીને મેચ રમવા માટે હોટેલથી સ્ટેડિયમ પહોંચતી વખતે ખેલાડી, અમ્પાયર અને મેચ ઓફિશિયલ માટે અલગ અલગ લીફટની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ ખેલાડી અમ્પાયરની લીફટમાં નથી જઈ શકતો કે કોઈ અમ્પાયર ખેલાડીની લીફટમાં નીચે ઉતરી શકતો નથી. જેના માટે જે લિફટ રાખી હોય તેણે તેમાં જ જવાનો નિયમ પણ અમલી બનાવાયો છે. આ ઉપરાંત અલગ-અલગ બસ મારફતે ખેલાડી સહિતનાને સ્ટેડિયમ સુધી લઈ જવામાં આવે છે.

‘બાયો બબલ’ શું છે ?
રમતપ્રેમીઓ અને ખાસ કરીને ક્રિકેટરસિકોના માનસમાં હંમેશા એક પ્રશ્ન જ રહે છે કે ‘બાયો બબલ’ શું છે ? ‘બાયો બબલ’ એટલે એક એવું વાતાવરણ અને એક એવો માહોલ અથવા એવી સ્થિતિ જેનાથી ખેલાડીઓ અને ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા લોકોનો શારીરિક સંપર્ક તૂટી જાય છે. 20 ઓગસ્ટથી 10 નવેમ્બર સુધીના 80 દિવસ સુધી ખેલાડીએ ‘બાયો બબલ’માં રહેવાનું હોય છે. આ માટે ક્રિકેટ બોર્ડે 10 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યા છે. ‘બાયો બબલ’માં રહેનારા ખેલાડીએ ફિલ્મ, ટ્રેનિંગ, સ્પા, પાર્ટી, ડ્રીન્ક વગેરે ‘બાયો બબલ’માં રહીને જ કરવાનું હોય છે. બબલમાં સામેલ દરેક સભ્યને માત્ર ગ્રાઉન્ડ અને હોટેલમાં જ જવાનું છૂટ હોય છે, કોઈને મળવાની નહીં.

મેચ ન હોય ત્યારે ખેલાડી રૂમની બહાર ‘ટ્રેકિંગ બેન્ડ’ સાથે નીકળે છે
આઈપીએલમાં જે ટીમનો મેચ ન હોય તે ટીમના ખેલાડીને રૂમની બહાર નીકળવું હોય તો ટ્રેકિંગ બેન્ડ સાથે નીકળવું પડે છે. આ ટ્રેકિંગ બેન્ડથી તે ખેલાડીની અવર-જવર ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન સહિતનું ધ્યાન રાખવામાં આવે છે. આ ટ્રેકિંગ બેન્ડ બ્લુટુથ ડિવાઈસથી સજ્જ હોય છે અને તે દરેક ખેલાડીએ પહેરવો જરૂરી છે.

જથ્થા મુજબ નહીં ‘સંખ્યા’ અનુસાર અપાય છે ટ્રેનિંગ
સામાન્ય રીતે આઈપીએલની એક આખી ટીમ સાથે જ કસરત સહિતની ટ્રેનિંગ કરતી હોય છે પરંતુ કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને જથ્થા મુજબ નહીં બલ્કે સંખ્યા અનુસાર મતલબ કે એક સાથે તમામ ખેલાડીઓને ટ્રેનિંગ આપવાની જગ્યાએ પાંચ-પાંચ ખેલાડીઓને જ તબક્કાવાર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

દરેક મેચમાં 50થી પણ ઓછા આમંત્રિતોને અપાય છે આમંત્રણ
મેચ નિહાળવા આવતાં આમંત્રિતોની સંખ્યામાં પણ આ વખતે કાપ મુકવામાં આવ્યો છે. આ વખતના આઈપીએલની દરેક મેચમાં 50થી પણ ઓછા આમંત્રિતોને બોલાવવામાં આવી રહ્યા છે અને આ તમામ વચ્ચે પણ સોશ્યલ ડિસ્ટન્સની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

ચીયરલીડર્સનો ‘ડાન્સ’, પત્રકાર પરિષદ પણ થઈ ગયા વર્ચ્યુઅલ
આઈપીએલની જાન કહી શકાય તેવી ચીયરલીડર્સના ડાન્સને પણ આ વખતે વર્ચ્યુઅલ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ યોજવામાં આવતી પત્રકાર પરિષદ પણ વર્ચ્યુઅલ પ્રકારે જ યોજાય છે. પત્રકાર પરિષદમાં કોઈ પત્રકાર ખેલાડીને પ્રશ્ન પૂછવા ઈચ્છે તો તેણે વીડિયો કોલિંગ મારફતે જ પૂછવાનો હોય છે.


Related News

Loading...
Advertisement