એનોલા હોમ્સ : શેરલોક હોમ્સનું મિનિ વર્ઝન!

26 September 2020 12:52 PM
Entertainment India
  • એનોલા હોમ્સ : શેરલોક હોમ્સનું મિનિ વર્ઝન!
  • એનોલા હોમ્સ : શેરલોક હોમ્સનું મિનિ વર્ઝન!

ચારેક વર્ષ પહેલાં (2016ની સાલમાં) નેટફ્લિક્સ પર સાયન્સ-ફિક્શન હોરર ડ્રામા વેબસીરિઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની પહેલી સિઝન રીલિઝ થઈ, એની સાથે જ આખું વિશ્વ તેના પાત્રો પાછળ ઘેલું બન્યું. અત્યારસુધીમાં તેની ત્રણ સિઝન આવી અને ચોથી સિઝનના ભણકારા વાગી રહ્યા છે, એ વેળા ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ની સ્ટાર-કાસ્ટમાંથી સૌથી વધારે પ્રખ્યાત થયેલા પાત્ર વિશે આજે વાત કરવી છે. ‘ઇલેવન’ ઉર્ફે મિલી બોબી બ્રાઉન! ભલભલી હોલિવૂડ અભિનેત્રીઓને જે ખ્યાતિ દાયકાની મહેનત બાદ મળતી હોય છે, એ બ્રિટિશ એક્ટ્રેસ મિલી બોબી બ્રાઉનને ફક્ત એક વર્ષમાં મળી ગઈ.

23મી સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ફિલ્મ ‘એનોલા હોમ્સ’ એક સસ્પેન્સ વાર્તા છે, જેમાં ટાઇટલ કેરેક્ટર નિભાવી રહી છે, મિલી બોબી બ્રાઉન! અમેરિકન લેખિકા નેન્સી સ્પ્રિન્જરના કલમે લખાયેલી સુપરહિટ નવલકથા બૂક-સીરિઝ ‘એનોલા હોમ્સ’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. 1884ની સાલમાં જન્મેલી એનોલા હોમ્સ પોતાની માતા સાથે રહે છે.

એનોલા (મિલી બોબી બ્રાઉન)ના 16મા જન્મદિને તેની માતા કોઈને કહ્યા વગર શહેર છોડીને ભાગી જાય છે. આ સમાચાર તેના બે મોટા ભાઈઓ માયક્રોફ્ટ હોમ્સ (સેમ ક્લેફિન) અને શેરલોક હોમ્સ (હેન્રી કેવિલ)ને મળતાં તેઓ પોતાની બહેનના શહેરમાં પુન:વાપસી કરે છે. એનોલા હોમ્સની માતા પોતાની પાછળ કેટલાક સુરાગ છોડતી જાય છે, જેના સુધી પહોંચવા માટે એનોલા લંડન સુધી લાંબી થાય છે. શું એનોલાનો તેની માતા સાથે ફરી મેળાપ થશે?

સાહેબ, આ છોકરી 2004ની સાલમાં જન્મી. ગણિત લગાડો તો સમજાય કે, મિલી બોબી બ્રાઉન આજે ફક્ત 16 વર્ષની છે. હોલિવૂડમાં તેણે 2013ની સાલમાં પગ મૂક્યો, એટલે કે ફક્ત 9 વર્ષની ઉંમરે! આમ છતાં આટલી નાની ઉંમરે (ટીન-એજમાં) તે ફક્ત એક્ટ્રેસ જ નહીં પરંતુ મોડેલ અને પ્રોડ્યુસર પણ બની ગઈ છે. ‘એનોલા હોમ્સ’ ફિલ્મના પાંચ પ્રોડ્યુસર્સમાંથી મિલી બોબી બ્રાઉન પણ એક છે!

ફિલ્મ જોતી વખતે સૌથી વધુ મજા વીસમી સદીનું ઇંગ્લેન્ડ જોવામાં આવશે. જૂની શૈલીના મકાન, મહેલના બાંધકામો સહિતનું સેટિંગ્સ વર્ક ઉડીને આંખે વળગે એવું છે. અંગ્રેજોના કપડાં, રહેણીકરણી, રીતભાત પ્રેક્ષકને એક અલગ સદીમાં પ્રવાસનો અનુભવ કરાવવા માટે સક્ષમ છે. જેને માટે અંગ્રેજો સૌથી વધુ જાણીતાં છે, એવી એટિકેટ્સના ખોખલાપણાની અહીંયા વ્યંગપૂર્ણ અંદાજમાં ધજિયા ઉડાડવામાં આવી છે.

ઝવેરીની આંખે પરખાયા બાદ થયેલું કાસ્ટિંગ પણ એટલું અફલાતુન છે કે, દરેક કિરદારને સ્ક્રીન પર માણવો ગમે! મિલી બોબી બ્રાઉન ફિલ્મની ફોર્થ વોલ તોડીને પ્રેક્ષકો સાથે પણ વચ્ચે-વચ્ચે વાતચીત કરી લે છે. સામાન્યત: એવું બનતું હોય છે કે, જ્યારે કોઈ કિરદાર વાર્તામાંથી બહાર નીકળીને પ્રેક્ષક સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરે ત્યારે વચ્ચે-વચ્ચે ઇન્ટરેસ્ટ (રસ) છૂટી જતો હોય છે, બેધ્યાન થઈ જવાતું હોય છે, વાર્તામાં ખટકો પડવાની સંભાવના રહેતી હોય છે. પરંતુ મિલી બોબી બ્રાઉનની બહેતરિન એક્ટિંગનો પ્રતાપ કહો કે પછી ખૂબસુરત રીતે લખાયેલાં સ્ક્રીનપ્લેનો, મિલીની ઑડિયન્સ સાથેની વાતચીત લિજ્જત અપાવે છે. કેટલીક વખત તો તે ફક્ત આંખોના અભિનય થકી જ ફોર્થ વોલ તોડીને પોતાનો સંદેશો ઑડિયન્સ સુધી પહોંચાડી દે છે, જે લાજવાબ અનુભૂતિ કરાવે છે.

આખી ફિલ્મ કોડ-વર્ડ્સ અને કોયડાઓથી ભરપૂર છે. શેરલોક હોમ્સના ચાહકોને તો અતિશય પસંદ પડશે એની ખાતરી છે. આમ છતાં ક્લાયમેક્સ બાબતે મને ઘણો અસંતોષ રહી ગયો છે. ફિલ્મ જેટલી એક્સાઇટિંગ હતી, એટલો જ રસપ્રદ ક્લાયમેક્સ આપવામાં મેકર્સ નિષ્ફળ નીવડ્યા છે. અલબત્ત, ‘એનોલા હોમ્સ’નો બીજો ભાગ આવવાના એંધાણ સાથે જ ફિલ્મ પૂરી થઈ છે. એમ છતાં કંઈક ખૂટતું હોવાના અસંતોષ સાથે પૂરી થતી ફિલ્મ, ચંદ્ર પર એક નાના ડાઘ સમો અનુભવ કરાવે છે. ખેર, એ સિવાય સાચી મજા તો સફરમાં છે. માટે, મંઝિલની ચિંતા કર્યા વગર આ વીકેન્ડમાં બે કલાક ‘એનોલા હોમ્સ’ પાછળ ખર્ચવામાં કંઈ ખરાબી નથી.
bhattparakh@yahoo.com

: ક્લાયમેક્સ:
વૂટ, સોની લિવ, ઑલ્ટ બાલાજી, ઝી ફાઇવ સહિતના જેટલા પણ ભારતીય ઑટીટી પ્લેટફોર્મ દર અઠવાડિયે અમુક કચરા જેવી કૃતિ પોતાના પ્લેટફોર્મ પર રજૂ કરી રહ્યા છે, એમને નમ્ર વિનંતી કે ઑટીટીને ટીવી-ચેનલ બનાવવાની જરૂર નથી.

કેમ જોવી? :
મિલી બોબી બ્રાઉનના શાનદાર પર્ફોમન્સ માટે.

કેમ ન જોવી? :
શેરલોક હોમ્સની જાસૂસી કથાઓમાં રસ ન ધરાવતાં હોય તો!

THIS WEEK on OTT
(1) નેટફ્લિક્સ : એનોલા હોમ્સ
(2) એમેઝોન પ્રાઇમ : યુટોપિયા
(3) ડિઝની પ્લસ હોટસ્ટાર : પરિ-વોર, ફિલ્ધી રિચ
(4) વૂટ સિલેક્ટ : ક્રેકડાઉન
(5) ઝી ફાઇવ : ફોરબિડ્ડન લવ

NEXT WEEK on OTT
(1) નેટફ્લિક્સ : સીરિયસ મેન (નવાઝુદ્દીન સિદ્દીકી)
(2) ઝી ફાઇવ : અભય (સિઝન-2), એક્સપાયરી ડેટ

: સાંજસ્ટાર:
ત્રણ ચોકલેટ


Related News

Loading...
Advertisement