રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાથી વધુ 15ના મૃત્યુ : ચાલુ સપ્તાહમાં કુલ 100ના જીવ ગયા

26 September 2020 11:44 AM
Rajkot Saurashtra
  • રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાથી વધુ 15ના મૃત્યુ : ચાલુ સપ્તાહમાં કુલ 100ના જીવ ગયા

ગઇકાલના 12 મૃત્યુમાં માત્ર એક કોવિડ ડેથ જાહેર : સ્થિતિ સુધરી હોવાના દાવા વચ્ચે રોજ દોઢસો નજીક નોંધાતા નવા કેસો

રાજકોટ,તા. 26
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર કાબૂમાં આવશે તેવી તંત્રની આશા વચ્ચે દર્દીઓની સંખ્યામાં બહુ ઘટાડો નોંંધાતો નથી. તેવામાં આજે શહેર-જિલ્લામાં કોરોનાની સારવાર લેતા વધુ 15 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. તો ગઇકાલે કોવિડને કારણે માત્ર એક દર્દીનું મૃત્યુ થયાનું સરકારી તંત્રએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.
પૂરા સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો હાલ હોટસ્પોટ જેવો બની ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં નવા કેસનો આંકડો ત્રણ અંકમાં અને જિલ્લાનો કુલ આંકડો 150 નજીક રહે છે. કોરોનાના સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી હોય તે આશાનું કિરણ બન્યું છે. તે દરમિયાન ગત અઠવાડિયે ખૂબ ઉંચા ગયેલા મૃત્યુ આંકમાં ચાલુ સપ્તાહથી થોડો ઘટાડો થયો છે.

આજે સવારે 8 વાગ્યા સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા વધુ 15 વ્યક્તિના મૃત્યુ થયા છે. ગઇકાલે કોવિડ અને નોન કોવિડ દર્દીઓનો આંકડો 12 હતો જેમાં આજે વધારો થયો છે. પરંતુ ગઇકાલે જિલ્લામાં થયેલા કુલ 12 વ્યક્તિના મૃત્યુમાંથી ડેથ ઓડિટ કમિટી દ્વારા માત્ર એક વ્યક્તિનું કોવિડના કારણે મૃત્યુ થયાનુંં જાહેર કરાયું છે. રાજકોટ જિલ્લા તંત્રએ જાહેર કરેલા કોવિડ-19 હેલ્થ બુલેટીનમાં ચાલુ સપ્તાહમાં મૃત્યુ દર ઘટવાની સ્થિતિ આશાસ્પદ હોવાનું જણાવવામાં આવે છે.

ચાલુ અઠવાડિયામાં કોરોના સારવાર લેતા 100 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. સોમવારથી આજે શનિવાર સુધીમાં નિપજેલા મૃત્યુમાં સૌથી વધુ મોત સોમવારે 21 અને ગઇકાલ શુક્રવારે 12 નોંધાયા હતા.

સોમવારે 21, મંગળવારે 19, બુધવારે 17, ગુરુવારે 16, શુક્રવારે 12 અને દર્દીના આ અગાઉ મૃત્યુ થયા હતાં. જો કે, કોવિડ ડેથ એક આંકડામાં જ રહ્યા છે.ત્રણથી વધુ મૃત્યુ કોવિડના કારણે દૈનિક સતાવાર રીતે જાહેર થતા નથી. બીજી તરફ ગઇકાલે રાજકોટ જિલ્લામાં કોરોનાના 148 વધુ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં સ્થિતિ નિયંત્રણમાં આવતી હોવાના શહેર અને જિલ્લા તંત્રના દાવા વચ્ચે રાજકોટમાં તો રોજ કોરોનાના દર્દીઓનોે આંકડો ત્રણ અંકમાં જ રહે છે. આ રીતે શહેર-જિલ્લામાં હજુ સંક્રમણ યથાવત હોવાનું દેખાઈ રહ્યું છે.

સરકારી તંત્ર આંકડામાં વધઘટ કરતા હોવાનું પણ ઘણીવાર કાગળ પર દેખાઈ આવે છે. સરવાળે લોકોનો ભય દૂર કરવા વાસ્તવીક રીતે કામગીરી સફળ થાય તે જરુરી છે. હાલ તો તંત્ર દ્વારા મૃત્યુ દર નીચો આવે તેના માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. સ્વસ્થ થતા દર્દીઓ વધતા હોવાનું પણ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખાલી રહેલા 1220 બેડની સંખ્યા પરથી લાગે છે. બીજી તરફ શહેરમાં 87 અને જિલ્લામાં 462 જેટલા નવા માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

ખાનગી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં પડતી અસુવિધા અને બેડની ખાલી સંખ્યા અંગે આવતા કોલની સંખ્યા પણ ઘટી રહી હોવાનું સરકારી તંત્ર જણાવી રહ્યું છે.


Related News

Loading...
Advertisement