સિહોર જીટીપીએલના કર્મચારીનું અપહરણ કરી,ખંડણી માંગીને હત્યા

26 September 2020 11:43 AM
Bhavnagar Gujarat
  • સિહોર જીટીપીએલના કર્મચારીનું અપહરણ કરી,ખંડણી માંગીને હત્યા

રજાકભાઈ સેલોટને ઉપાડી, જઇ અનિકેત સોલંકીએ પુત્રીને ફોન કરી રૂા. 15 લાખ માંગ્યા : અંતે લાશ મળી આવતા પોલીસ દોડી : એક પુત્ર અને પાંચ પુત્રી નોધારા

(વિપુલ હિરાણી), ભાવનગર,તા. 26
ભાવનગરનાં સિહોરમાં જીટીપીએલના કર્મચારીનું અપહરણ કરી રૂા. 15 લાખની ખંડણી માંગતા અને રકમ નહીં મળતા છરીના ઘા ઝીંકી હત્યા કરી નખાયાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ, સિહોરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા જીટીપીએલમાં નોકરી કરતાં અને સાથોસાથ પાનનો વેપાર કરતાં ઘાંચી રજાકભાઈ સુવાલીભાઈ સેલોટ ઉ.50નું અપહરણ કરી રજાકભાઈનાં મોબાઈલમાંથી જ તેની દિકરી સુમૈયાબેન રજાકભાઇને ફોન કરી તારા બાપને જીવતો જોવો હોય તો 15 લાખનો થેલો તૈયાર રાખજે તેમ કહી અનિકેત ભરતભાઈ સોલંકીએ ધમકી આપી હતી.

પિતાનાં ફોનમાંથી આવેલ ધમકીભર્યાં ફોનની વાત સુમૈયાબેને તેના ભાઈ અને પરિવારજનોને કરી પિતાની શોધખોળ શરુ કરી હતી. અને આ અંગે સિહોર પોલીસમાં જાણ કરી હતી. દરમ્યાન સિહોરનાં મોંઘીબાગ સમાધી પાસેથી અપહરણ કરાયેલ રજાકભાઈ ઘાંચીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે સુમૈયાબેન રજાકભાઈ ઘાંચીએ સિહોર પોલીસ સ્ટેશનમાં સિહોરના જ અનિકેત ભરતભાઈ સોલંકી વિરુધ્ધ 15 લાખની માંગણી કરી રુપિયા નહિ આપતાં તીક્ષ્ણ હથિયારથી પેટનાં ભાગે ઘા ઝીંકી પિતાની હત્યા કરવા અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી. ગોહિલ ચલાવી રહ્યાં છે.

મૃતક રજાકભાઈને સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રીઓ સહિત છ સંતાન છે. આ બનાવથી ભારે ચર્ચા જાગી છે.


Related News

Loading...
Advertisement