હવે ગુજરાતમાં દોડશે 250 ઈ-બસો: સાથે જ આ રાજ્યોમાં પણ ઈ-બસ માટે સરકારે આપી મંજુરી

26 September 2020 11:29 AM
Ahmedabad Gujarat
  • હવે ગુજરાતમાં દોડશે 250 ઈ-બસો: સાથે જ આ રાજ્યોમાં પણ ઈ-બસ માટે સરકારે આપી મંજુરી

ગોવા, મહારાષ્ટ્ર સહિતના રાજયો માટે સરકારે મંજુર કરી કુલ 670 ઈલેકટ્રીક બસો; ચાર્જીંગ માટે ઉભા કરાશે 241 ચાર્જીંગ સ્ટેશનો

અમદાવાદ તા.26
દેશમાં પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવા તથા પેટ્રોલીયમ બળતણના પડકારનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા અને ચંદીગઢ માટે 670 ઈલેકટ્રીક બસોની મંજુરી આપી છે.

આ માટે ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરલ અને પોર્ટ બ્લેયર માટે 241 ચાર્જીંગ સ્ટેશનોને પણ મંજુરી આપી છે. આ ભેટ ફેમ ઈન્ડીયા (ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેકચરીંગ ઓફ હાઈબ્રીડ એન્ડ ઈલેકટ્રીક વ્હીકલ ઈન ઈન્ડીયા) સ્કીમ હેઠળ આપવામાં આવી છે.

કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે જણાવ્યું કે, ‘આ નિર્ણય સરકારની પેટ્રોલીયમ બળતણ પર નિર્ભરતા ઓછી કરવા અને વાહન પ્રદૂષણને ઘટાડવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારે ઉદ્યોગ વિભાગ 2015થી આ યોજનાનો અમલ કરી રહ્યા છે. યોજનાનો બીજો તબકકો એપ્રિલ 2019થી શરૂ થયો છે અને તે આવતાં 3 વર્ષ સુધી અમલી બનશે. તેના માટે 10000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

આ યોજના દેશમાં ઈલેકટ્રીક અને હાઈબ્રીડ વાહનોને પ્રોત્સાહન આપવા માટે બતાવવામાં આવી છે. બીજા તબકકામાં અંદાજે 7000 ઈ-બસો, 5 લાખ થ્રી વ્હીકલ, 55000 ઈ ફોર વ્હીલ કાર અને 10 લાખ ઈ-ટુ વ્હીલરને મંજુરી આપવામાં આવશે.


Related News

Loading...
Advertisement