બિહારની ચૂંટણી પહેલા પ્રથમ ઓપિનિયન પોલ : એનડીએની સરકાર બની શકે, પરંતુ મતદારો નીતિશથી નારાજ છે - Cvoter નો સરવે

26 September 2020 11:06 AM
India Politics
  • બિહારની ચૂંટણી પહેલા પ્રથમ ઓપિનિયન પોલ : એનડીએની સરકાર બની શકે, પરંતુ મતદારો નીતિશથી નારાજ છે - Cvoter નો સરવે

ભાજપના ગઠબંધન એનડીએને 141 થી 161 અને કોંગ્રેસના જોડાણ યુપીએને 64 થી 84 બેઠકો મળે તેવી શકયતા

પટના
આજે કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર કરી તે સાથે જ આ ચૂંટણી જંગનો પ્રથમ ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ બિહારમાં ફરી એકવાર નીતીશ કુમારની સરકાર બની શકે છે. સીવીઓટર પોલમાં આનો અંદાજ લગાવવામાં આવ્યો છે. બિહારમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે, અને 28 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 10 નવેમ્બરના રોજ જાહેર કરાશે.

બિહારની 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. સીવોટર સરવેનો અંદાજ છે કે આ વખતે પણ બિહારમાં માત્ર એનડીએ સરકાર જ આવી શકે છે. મતલબ કે ફરી એક વખત નીતીશ કુમાર મુખ્યપ્રધાન બની શકે છે.

2015 ની છેલ્લી ચૂંટણીમાં નીતીશ કુમારની જેડીયુ, લાલુ યાદવની આરજેડી અને કોંગ્રેસ મળીને લડ્યા હતા. આ 'મહાગઠબંધન' ને 178 બેઠકો મળી. જો કે, બાદમાં નીતીશે મહાગઠબંધન છોડી દીધું અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી. ગત વખતે ભાજપના એનડીએ ગઠબંધનને 58 બેઠકો મળી હતી. આ સરવે છેલ્લા સાત દિવસમાં કરવામાં આવ્યો છે અને બિહારની દરેક વિધાનસભા બેઠક પર કરવામાં આવ્યો છે. સરવે માટે 2100 લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

એનડીએને 141 થી 161 બેઠકો મળી શકે
સીવોટર સરવે મુજબ એનડીએ 141 થી 161 વચ્ચે બેઠકો મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસ અને આરજેડીના યુપીએ ગઠબંધનને 64 થી 84 બેઠકો વચ્ચે સંતોષ માનવો પડશે. યુપીએને બિહારના કોઈ પણ ક્ષેત્રમાં એનડીએ કરતા વધારે બેઠકો મળે તેમ લાગતું નથી. બાકીના પક્ષોને 13 થી 23 વચ્ચે બેઠકો મળી શકે છે. બિહારમાં બહુમતી આંકડો 122 છે અને જો સીવોટર સરવેના સરવે મુજબ જોઈએ તો એનડીએ બહુમતીના આંકડાને આરામથી મેળવી રહ્યું છે.

તમામ ક્ષેત્રમાં એનડીએનું પ્રદર્શન મજબૂત
બિહારના તમામ ક્ષેત્રોમાં એનડીએ ગઠબંધનનું પ્રદર્શન સારું દેખાઈ રહ્યું છે. પૂર્વ બિહાર, મિથિલાંચલ, મગધ-ભોજપુર, ઉત્તર બિહાર અને સીમાંચલમાં યુપીએની સ્થિતિ નબળી હોવાનું જણાય છે. પૂર્વ બિહારમાં એનડીએને 14 થી 18 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે યુપીએને આ પ્રદેશમાં 7 થી 11 બેઠકો મળવાની સંભાવના છે. ઉત્તર બિહારમાં એનડીએ 47 થી 51 બેઠકો પર જીત મેળવે છે અને યુપીએ આ ક્ષેત્રની 17 થી 21 બેઠકોમાં જ સફળ લાગે છે.

56.7 ટકા લોકો નીતીશથી નારાજ, સરકાર બદલવા માંગે છે
સરવેમાં નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનતા જોવા મળે છે, પરંતુ રાજ્યની જનતા પણ તેમનાથી નારાજ હોવાનું જણાય છે. સરવેમાં કહેવામાં આવ્યું છે કે, 56.7 ટકા લોકો નીતીશથી નારાજ છે અને સરકાર બદલવા માંગે છે. જ્યારે 29.8 ટકા લોકો સરકારથી નારાજ છે પરંતુ તેને બદલવા માંગતા નથી. માત્ર 13.5 ટકા લોકોએ કહ્યું કે તેઓ નીતિશ સરકારથી નારાજ નથી અને સરકાર બદલવા માંગતા નથી.

સરવે મુજબ હાલની સ્થિતિએ ભાજપના સાથી દળોના ગઠબંધન એનડીએને 44.8 ટકા મતો મળે તેવું અનુમાન છે જ્યારે કોંગ્રેસના સાથી દળોના જોડાણ યુપીએને 33.4 ટકા અને અન્ય પાર્ટીઓને 21.8 ટકા મત મળે તેવી શકયતા દર્શાવવામાં આવી છે.


Related News

Loading...
Advertisement