રેન્જ IG સંદીપસિંઘ સામે સાંસદ નથવાણીએ ચીંધેલી આંગળી, કહીં પે નિગાહેં કહીં પે નિશાના !

25 September 2020 12:19 PM
Gujarat Politics Rajkot Saurashtra
  • રેન્જ IG સંદીપસિંઘ સામે સાંસદ નથવાણીએ ચીંધેલી આંગળી, કહીં પે નિગાહેં કહીં પે નિશાના !
  • રેન્જ IG સંદીપસિંઘ સામે સાંસદ નથવાણીએ ચીંધેલી આંગળી, કહીં પે નિગાહેં કહીં પે નિશાના !
  • રેન્જ IG સંદીપસિંઘ સામે સાંસદ નથવાણીએ ચીંધેલી આંગળી, કહીં પે નિગાહેં કહીં પે નિશાના !

રાજકિય તથા પોલિસ બેડામાં બહોળો મિત્રવર્તુળ અને સારા સંબંધો ધરાવતા સાંસદ નથવાણી દ્વારા પબ્લિક ડોમેઈન પર ક્યારેય વ્યક્તિગત આક્ષેપ નથી કરવામાં આવ્યા ત્યારે 38 મિનિટમાં કરેલા ત્રણ-ત્રણ ટવીટ આગામી સમયમાં કરશે અનેક ધડાકા-ભડાકા : આ ત્રણ ટિવટ પોલીસ અધિકારી કરતા કોઈ રાજકિય વ્યક્તિને ટાંકતી હોવાનું વધારે ચર્ચાઈ રહ્યું છે : ત્યારે એવું લાગે છે કે કહીં પે નિગાહે, કહીં પે નિશાના : શું જામનગરના માફિયા રાજકીય અને પોલીસ ‘બાબુ’ઓની ઓથ હેઠળ કાબૂ બહાર ચાલ્યા ગયા છે ? શું જામનગરને બીજું પોરબંદર બનતું અટકાવવા બાહોશ અધિકારી ભદ્રનને એસપી તરીકે મુકાયા છે ? શું માફિયાઓનો ડોળો રિલાયન્સ રિફાઈનરી સુધી પહોંચી ગયો છે ? શા માટે સાંસદે આઈપીએસ અધિકારીની કામગીરી પર ઉઠાવવા પડ્યા સવાલ ?

રાજકોટ, તા.25
સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર દેશમાં ‘શાંતમિજાજી’ સાંસદ તરીકે જાણીતા રિલાયન્સ રિફાઈનરી-જામનગરના સર્વેસર્વા પરિમલ નથવાણીએ 38 મિનિટમાં કરેલા ત્રણ-ત્રણ ટવીટથી રાજકારણીઓ અને પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પરિમલ નથવાણીએ જામનગરના એસપી તરીકે નિમણૂક પામેલા દીપેન ભદ્રનને આવકાર્યા હતા તો અન્ય એક ટવીટમાં રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘ ઉપર આંગળી ચીંધી દેતાં તેમણે આવું શા માટે કરવું પડ્યું તેવા સવાલો અત્યારે સમગ્ર ગુજરાતમાં ઉઠવા પામ્યા છે. તેમનું આ ટવીટ ક્યાંક જામનગરમાં માફિયાઓ સાથે પોલીસ-રાજકારણીઓની સાંઠગાંઠ તરફ તો અંગૂલીનિર્દેશ નથી કરી રહ્યું ને ? તેવા સવાલો પણ ઉઠ્યા વગર રહેતાં નથી. એકંદરે કહીં પે નિગાહેં કહીં પે નિશાના સમાન આ ત્રણ ટવીટે અત્યારે ચર્ચાનું વમળ લાવી દીધું છે.

સાંસદ નથવાણીએ ગઈકાલે સવારે 11:20 વાગ્યે સૌથી પહેલું ટવીટ કર્યું હતું જેમાં તેમણે જામનગરના એસપી તરીકે નિમણૂક પામવા બદલ દીપેન ભદ્રનને વેલકમ કરતાં લખ્યું હતું કે તમારું પોસ્ટીંગ જામનગરના નાગરિકો, રિયલ એસ્ટેટના ધંધાર્થીઓ, બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓ માટે રાહતરૂપ થયું છે અને અહીં તમે સારામાં સારી કામગીરી કરો તેવી શુભેચ્છા. આ ટવીટ થયા બાદથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે શા માટે સાંસદે આવું ટવીટ કરવું પડ્યું ?

હજુ લોકો આ ટવીટ મુદ્દે કયાસ કાઢે તે પહેલાં જ નથવાણીએ 11:42 વાગ્યે બીજું ટવીટ દીપેન ભદ્રનને સંબોધીને લખ્યું હતું કે તમારું પોસ્ટીંગ ગુનેગારો તેમજ તેમના રાજકીય આકાઓને કાબૂમાં રાખવા માટે બહુ જ કામ લાગવાનું છે. પહેલું ટવીટ હજુ લોકોને ગળે ઉતર્યું નહોતું ત્યાં બીજું ટવીટ થતાં ચર્ચાઓના બજારે જોર પકડી લીધું હતું. હજુ આ બે ટવીટ લોકોને સમજાયા નહોતા ત્યાં 11:58 વાગ્યે પરિમલ નથવાણીએ ત્રીજું ટવીટ કર્યું હતું જે અત્યંત આશ્ર્ચર્ય જન્માવનારું હતું કેમ કે આ ટવીટમાં તેમણે લખ્યું હતું કે દીપેન ભદ્રનની કાબીલેદાદ કામગીરી જામનગર માટે ફાયદાકારક સાબિત થશે પરંતુ અમુક લોકો હજુ પણ આ મુદ્દે શંકા કરી રહ્યા છે. મને ખબર નથી કે તેમની આ શંકા સાચી છે કે ખોટી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે રેન્જ આઈજી સંદીપસિંઘે ભૂતકાળમાં અમુક ગુનેગારોની તરફેણ કરીને કેસ સેટલ કર્યા છે અને આ સેટલિંગમાં તેમને રાજકારણીઓનો પણ સાથ મળ્યો છે ! જો કે સંદીપસિંઘે સ્પષ્ટપણે કહ્યું છે કે તેમણે 2004થી 2020 સુધીના આઈપીએસના કાર્યકાળ દરમિયાન તમામ કામગીરી કાયદાના દાયરામાં રહીને જ કરી છે ત્યારે તેમના ઉપર આ રીતે આંગળી શા માટે ચીંધવામાં આવી તે વાત સમજાઈ રહી નથી.

ખાસ વાત એ છે કે આ ત્રણેય ટવીટ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્યમંત્રી કાર્યાલય સહિતનાને પણ ટેગ કર્યા હોવાથી આ મુદ્દો સમગ્ર ગુજરાત માટે ‘હોટ ટોપીક’ બની જવા પામ્યો છે.

શા માટે પરિમલ નથવાણીએ રેન્જ આઈજી સંદીપસિંઘના નામ સાથે આવું ટવીટ કરવું પડ્યું ? શું જામનગરના માફિયા રાજકીય અને પોલીસ ‘બાબુ’ઓની ઓથ હેઠળ કાબૂ બહાર ચાલ્યા ગયા છે ? શું જામનગરને બીજું પોરબંદર બનતું અટકાવવા બાહોશ અધિકારી ભદ્રનને એસપી તરીકે મુકાયા છે ? શું માફિયાઓનો ડોળો રિલાયન્સ રિફાઈનરી સુધી પહોંચી ગયો છે ? શા માટે સાંસદે આઈપીએસ અધિકારીની કામગીરી પર ઉઠાવવા પડ્યા સવાલ ? આવા અનેક સવાલો પોલીસબેડા અને રાજકારણમાં અત્યારે ઉઠી રહ્યા છે. એકંદરે 38 મિનિટમાં કરેલા ત્રણ-ત્રણ ટવીટ આગામી સમયમાં અનેક ધડાકા-ભડાકા કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

એક વાત એ પણ ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલાં પોરબંદરમાં ગેંગવોર ફાટીને ધૂમાડે ચાલ્યો જતાં બાહોશ અધિકારી સતિષ વર્માને પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું અને તેમણે કરેલી કામગીરીથી પોરબંદરમાં માફિયારાજનો ઘણેખરે અંત આવી ગયો હતો. શું જામનગરમાં પણ પોરબંદરની જેમ માફિયારાજ ફૂલ્યું ફાલ્યું છે જેથી તેને નાબૂદ કરવા માટે ભદ્રનને મુકવામાં આવ્યા છે કે કેમ ? આ સહિતના પ્રશ્ર્નોના જવાબ આગામી સમયમાં મળી જશે તે નિશ્ર્ચિત છે. આ ત્રણેય ટિવટ પોલીસ કરતા કોઈ રાજકારણી પર નિશાન તાંકતા હોય તેવું વધારે ચર્ચાઇ રહ્યું છે. શું હાલારમાં ચાલી રહી છે કોઈ રાજકિય વોર ?

દીપેન ભદ્રનને મળશે ડીઆઈજીનું પ્રમોશન ?
જામનગરના એસપી તરીકે મુકાયેલા મુળ કેરેલાના દીપેન ભદ્રનને આગામી પાંચ મહિનામાં ડીઆઈજીનું પ્રમોશન મળવાનું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જો આમ થાય તો તેમને રાજકોટ રેન્જના વડા બનાવવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. જો કે આ વાત ઘણી દૂર છે પરંતુ અત્યારે તો સાંસદ નથવાણી દ્વારા તેમને કરાયેલા વેલકમ વિશે ઠેર ઠેર પૂછાણ થઈ રહ્યું છે.

જામનગર બની ગયું છે બીજું પોરબંદર, આ વાત માનવી જ રહી
સાંસદ પરિમલ નથવાણીના ટવીટ ભલે અત્યારે ચર્ચા જગાવી રહ્યા હોય પરંતુ જામનગર શહેર બીજું પોરબંદર બની ગયું છે તે વાતનો સ્વીકાર કરવો જ રહ્યો છે. જામનગરમાં છેલ્લા ઘણા સમયથી માફિયારાજ ચાલી રહ્યું હોય તેવી રીતે ફાયરિંગ, હત્યા સહિતના ગુનાઓનું પ્રમાણ વધી જવા પામ્યું છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ દીપેન ભદ્રનને જામનગર મુકવામાં આવ્યા છે. એક પ્રશ્ર્ન એ પણ ઉપસ્થિત થાય છે કે શું ખરેખર જામનગરમાં રાજકારણીઓ અને ગુનેગારોની સાંઠગાંઠને કારણે ગુનાખોરીનો ગ્રાફ ઉંચે ચાલ્યો ગયો છે ? જો આ વાત સાચી હોય તો સૌરાષ્ટ્ર માટે અત્યંત શરમજનક ગણાશે અને ગુનેગારોને નેસ્તોનાબૂદ કરવા માટે પોલીસે એડીચોટીનું જોર લગાવવું પડશે.

સાંસદે ગુનેગારો-રાજકીય આકાઓની વાત શા માટે કરવી પડી ?
ગુજરાતમાં 26 સાંસદો ચૂંટાઈને દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત રાજ્યસભાના ચાર સાંસદો પણ દિલ્હીમાં કાર્યરત છે. જ્યારે બે વખત ઝારખંડ અને એક વખત આંધ્રપ્રદેશથી ચૂંટાઈને રાજ્યસભામાં પહોંચેલા પરિમલ નથવાણીએ પોતાના ટવીટમાં જામનગરમાં ચાલતી ગુનેગારી અને તેને સમર્થન આપી રહેલા રાજકીય આકાઓની વાત શા માટે કરવી પડી તે વાતે પણ જબરી ચર્ચા જગાવી દીધી છે. આવું અત્યાર સુધીમાં ગુજરાતના એક પણ સાંસદે કર્યું નથી ત્યારે શા માટે નથવાણીએ આવું ટવીટ કરવું પડ્યું છે તે સો મણનો સવાલ છે.Related News

Loading...
Advertisement