ગુગલ, માનવજાતનું ભવિષ્ય અને સુંદર પિચ્ચઈ!

25 September 2020 10:48 AM
Entertainment India Technology
  • ગુગલ, માનવજાતનું ભવિષ્ય અને સુંદર પિચ્ચઈ!
  • ગુગલ, માનવજાતનું ભવિષ્ય અને સુંદર પિચ્ચઈ!
  • ગુગલ, માનવજાતનું ભવિષ્ય અને સુંદર પિચ્ચઈ!

તાજેતરમાં ટાઇમ મેગેઝિનના 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથોસાથ ગુગલના સીઈઓ સુંદર પિચ્ચઈ, નાગરિકતા સંશોધન બિલની ખિલાફમાં શાહિન બાગમાં સવારથી સાંજ ધરણા પર બેસી રહેનાર 82 વર્ષના દાદી બિલ્કિસ બાનો, બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના અને એચ.આઈ.વી. સર્વાઈવર પ્રોફેસર રવિન્દર ગુપ્તા જેવી ભારતીય પર્સનાલિટી પણ આ યાદીમાં સામેલ છે. સુંદર પિચ્ચઈએ પાછલા વર્ષોમાં ગુગલને જે ઝડપે વિકસાવ્યું છે, તે અકલ્પનીય છે.

વિજ્ઞાનજગત આજ સુધી આઇઝેક ન્યુટનના નિયમો પર જ મોટાભાગની ખોજ કરતું આવ્યું છે. ક્વોન્ટમ ફિઝિક્સ આધુનિક વિજ્ઞાન માટે અચરજની સાથોસાથ ગહન સંશોધનનો વિષય છે. ગુગલના સીઈઓ સુંદર પિચ્ચઈએ દાવો કર્યો છે કે તેમણે ક્વોન્ટમ મિકેનિક્સ ક્ષેત્રે સર્વોપરિતા હાંસિલ કરી છે! એક એવું ક્વોન્ટમ કમ્પ્યુટર ગુગલે વિકસાવ્યું છે, જે ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતો પર કામ કરે છે. જે ગાણિતીક સમીકરણો આજનું કમ્પ્યુટર 10,000 વર્ષોમાં ઉકેલી શકે, એને ક્વોન્ટમ કમ્પ્યુટર દ્વારા 3 મિનિટ 20 સેક્નડની અંદર ઉકેલી દેવામાં આવ્યા!

લાઇવ WIRE -પરમ ભટ્ટ : સૌને બ્લોકબસ્ટર ફિલ્મ ‘એવેન્જર્સ : એન્ડ ગેમ’ તો યાદ જ હશે? માર્વેલના ફિલ્મ-મેકર્સ પોતાની ફિલ્મોમાં ક્વોન્ટમ મિકેનિક્સના કોન્સેપ્ટ ધરાવતી વાર્તા ઘડવામાં હોંશિયાર છે. એવેન્જર્સમાં પણ ટાઇમ-ટ્રાવેલથી માંડીને શારીરિક કદ વધારી-ઘટાડી શકવાના પ્રયોગો પર ધ્યાન કેન્દ્રિત થયું છે. વાસ્તવમાં એ ફક્ત એક કલ્પના છે. વિજ્ઞાન હજુ એ પ્રકારની ઉપલબ્ધિના ઉંબરે પણ નથી પહોંચ્યું!

‘સાઇકામોર’ (Sycamore) નામના 53 ક્યુબિટ ક્વોન્ટમ કમ્પ્યુટરના નિર્માણ સાથે તેમણે ભવિષ્યની ટેક્નોલોજીની આછેરી ઝલક આપતા યુગના એંધાણ માંડી દીધા છે.

સાઇકામોર દ્વારા એક એવા પ્રકારની ગાણિતીક સમસ્યાનો ઉકેલ શોધવામાં આવ્યો, જેને સોલ્વ કરવામાં વિશ્વના સૌથી ઝડપી સુપર-કમ્પ્યુટરને 10,000 વર્ષનો સમય લાગી જાય! ફક્ત 200 સેક્નડની અંદર તેમણે પોતાના આ 53 ક્યુબિટ કમ્પ્યુટરની સર્વોપરિતા સાબિત કરી. અલબત્ત, એ સમીકરણનો કોઈ ખાસ ઉપયોગ થઈ શકે એવી હાલત નથી. અમુક આંકડાઓના પ્રોગ્રામ્સને કતારબંધ રીતે એક્ઝિક્યુટ કરવામાં આવ્યા, જેનો વાસ્તવિક જીવનમાં કોઈ વપરાશ નથી.

પરંતુ ગુગલના સીઈઓ સુંદર પિચ્ચઈ આ પ્રયોગને રાઇટ બ્રધર્સના પહેલા વિમાન સાથે સરખાવે છે, જેમણે ફક્ત 12 સેક્નડ માટે એરોપ્લેન હવામાં ઉડાડ્યુ હતું. યોગ્ય તકનિકને આધારે માણસ પણ પંખીની માફક હવામાં ઉડી શકે છે, એ વાત તેમણે સાબિત કરી હતી. ગુગલ પણ ક્વોન્ટમ કમ્પ્યુટર મામલે એવું જ કંઈક માને છે. રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવી શકે, એવા પ્રકારના ક્વોન્ટમ કમ્પ્યુટર્સ બનાવવામાં તો હજુ દાયકાઓ લાગી શકે છે!

વૈજ્ઞાનિકો સાબિત કરી ચૂક્યા છે કે બ્રહ્માંડ ક્વોન્ટમ ફિઝિક્સના નિયમો પર કામ કરે છે. હવે સમજી શકાય એવી વાત છે કે મનુષ્ય અગર ક્વોન્ટમ મિકેનિક્સનો મહાસાગર ઉલેચવામાં સફળ થયો તો બ્રહ્માંડના રહસ્યો પણ કંઈ છેટા નહીં રહે! ગુગલના આ મસમોટા બ્રેક-થ્રુ પાછળ જે કરામાતી ભેજું કામ કરી રહ્યું છે, એનું નામ છે : જોહ્ન માર્ટિનિસ! ટીમના લીડિંગ મેન હાર્ટમટ નેવન સાથે મળીને તે સમગ્ર પ્રોજેકટની કામગીરી સંભાળી રહ્યો છે. પ્રયોગોના પરિણામ ગુગલ અન યુનાઇટેડ સ્ટેટસની યશકલગીમાં એક નવું સોનેરી પીંછુ ઉમેરવાનું કામ કરશે.

જેનું કારણ એ કે ક્વોન્ટમ ટેક્નોલોજી અમેરિકાના અર્થતંત્ર અને નેશનલ સિક્યોરિટી માટે વરદાનરૂપ પૂરવાર થવાની સંભાવના છે! જોકે, આ અંગેના રીસર્ચ પેપર્સ ગયા મહિને જ નાસાની વેબસાઈટ પર લીક થઈ ગયા હતાં, પરંતુ બાદમાં તેને હટાવી લેવામાં આવ્યા.

આજથી એક દશકા પહેલા જે પ્રયોગ માત્ર કાગળ પૂરતો સીમિત હતો, તે આજે વાસ્તવિકતામાં પરિણમ્યો છે. 53 ક્યુબિટના ક્વોન્ટમ કમ્પ્યુટરને સમજવા પહેલા તો ‘ક્યુબિટ’ શબ્દ વિશે થોડું ઊંડાણમાં ઉતરીએ તો મજા આવશે. બિટ, બાઇટ, મેગા-બાઇટસ, ગીગા-બાઇટસ, ટેરા-બાઇટસ જેવા શબ્દો કદાચ આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ. કોઈપણ કમ્પ્યુટર માહિતીનો સંગ્રહ કરવા તથા તેને અમલમાં મૂકવા માટે ‘બિટ’નો ઉપયોગ કરે છે.

બિટને સામાન્યત: 0 (શુન્ય) અથવા 1 (એક) વડે દર્શાવવામાં આવે છે. આઠ બિટ ભેગા મળીને એક બાઇટ બનાવે છે. કમ્પ્યુટરમાં એક અક્ષર, આંકડો અથવા અંગ્રેજી લેટર (અ)નો સંગ્રહ કરવો હોય ત્યારે 1 બાઇટ ખર્ચાય છે. વિશ્વની પહેલી આઠ ઇંચની ફ્લોપી ડિસ્કમાં આ સંગ્રહ ક્ષમતા 2,42,944 બાઇટસની હતી! તાજેતરમાં લોન્ચ થયેલા આઇફોન-11 માં આ ક્ષમતા 64 અબજ બાઇટસની છે! ઑક રિજ નેશનલ લેબમાં આવેલા ‘સમિટ’ નામના સુપર-કમ્પ્યુટરમાં 250 પેટાબાઇટસની સ્ટોરેજ કેપેસિટી છે. જેને આંકડા સ્વરૂપે અગર અહીં લખીએ તો આખી એક લાઈન ભરાઈ જાય!

પરંતુ ક્યુબિટસ સામાન્ય રીતે બિટની માફક 0 અથવા 1 પ્રકારે કામ નથી કરતા. તેમની કાર્યશૈલી અલગ છે. બે ક્યુબિટ ચાર આંકડાની કોઈ સંખ્યા સાથે જોડાયેલા હોય એવું બને, ત્રણ ક્યુબિટસ આઠ આંકડાની સંખ્યા સાથે, જ્યાર ચાર ક્યુબિટ્સ 16 આંકડાની સંખ્યા સાથે! હવે કલ્પના કરો, જ્યારે મોટી સંખ્યામાં ક્યુબિટસનો સરવાળો કરવામાં આવે ત્યારે કેટલી વિશાળ માત્રામાં ડેટા-સ્ટોરેજ સંભવ છે? સમિટ સુપર-કમ્પ્યુટર આજે બે ટેનિસ-ગ્રાઉન્ડ જેટલી જગ્યા રોકે છે, પરંતુ ક્વોન્ટમ કમ્પ્યુટર ફક્ત એક નાનકડા ચોસલા જેટલું સ્થાન રોકીને પણ સમિટ કરતા વધુ સારું કામ આપી શકવાની ક્ષમતા ધરાવે છે! ગુગલનું ‘સાઇકામોર’ ક્વોન્ટમ કમ્પ્યુટર વાસ્તવમાં 54 ક્યુબિટસનું હતું, પરંતુ તેમાંના એક ક્યુબિટમાં કોઈક ખામી સર્જાતા 53 ક્યુબિટ્સની મદદથી પ્રયોગ પાર પાડવામાં આવ્યો.

ટેક-નિષ્ણાંતોનું કહેવું છે કે ‘ક્વોન્ટમ સર્વોપરિતા’ એ બહુ જ મોટો શબ્દ છે. ગુગલ હજુ એ સ્તર સુધી પહોંચી શક્યું છે કે નહીં એ વાતમાં શંકા છે. ખાસ કરીને આઇ.બી.એમ. કંપનીએ ગુગલની આ ટર્મ સાથે સંમત નથી થઈ. જાણવા જેવી વાત એ છે કે, આઇ.બી.એમ. (IBM) પણ પાછલા ઘણા વર્ષોથી ક્વોન્ટમ ફિઝિક્સ અને કમ્પ્યુટર પર ખાસ્સા સંશોધનો કરી રહી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘સાઇકામોર’ દ્વારા જે ગણતરી કરવામાં આવી છે, એ સુપર-કમ્પ્યુટર દ્વારા ખરેખર 10,000 વર્ષમાં નહીં પરંતુ અઢી દિવસોમાં જ થઈ શકે એમ છે! ગુગલે અહીં ચાલાકી વાપરી છે.

તેમણે પોતાના ક્વોન્ટમ કમ્પ્યુટર પાસે એવા ગાણિતીક સમીકરણનો ઉકેલ શોધાવ્યો, જે સુપર-કમ્પ્યુટર માટે પ્રમાણમાં થોડો અઘરો હોય. હકીકતે, જ્યારે સુપર-કમ્પ્યુટર દ્વારા ચપટી વગાડતાં ઉકેલી જતા સમીકરણો અગર ક્વોન્ટમ કમ્પ્યુટર દ્વારા ઘડીના છઠ્ઠા ભાગમાં ઉકેલી આપવામાં આવે ત્યારે એમની વાતમાં દમ છે એવું સ્વીકારી શકાય! તેમના મતે ગુગલે કરેલો દાવો પોકળ છે, બેબૂનિયાદ છે! સુપ્રીમસી લેવલ હાંસિલ કરવામાં ગુગલને હજુ સમય લાગશે એમ તેઓ માને છે.

બીજી બાજુ, ગુગલના ટેક-એક્સપટર્સનું કહેવું છે કે આઇ.બી.એમ.ની વાત ઘડીભર માનવામાં આવે તો પણ અમે માઇલસ્ટોન હાંસિલ કર્યો છે એમ કહી શકાય. જે કમ્પ્યુટર અઢી દિવસમાં કોઈક ચોક્કસ સમીકરણનો ઉકેલ લાવી શકતું હોય એને અમે ફક્ત 3 મિનિટ 20 સેક્નડસમાં ઉકેલી બતાવ્યું! સુંદર પિચ્ચઈ પણ કહે છે કે માઇલસ્ટોન શબ્દને પુન:વ્યાખ્યાયિત કરવાની અમને જરૂર નથી લાગતી. બહુ જ સમજી-વિચારીને અમે આ જાહેરાત કરી છે. કોઈ માને કે ન માને, એનાથી અમારી આ સફળતાને કોઈ ફર્ક નથી પડતો!

ખેર, ગુગલે માણસજાતના ભવિષ્યને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં ડગ માંડ્યા છે. હેલ્થકેર થી શરૂ કરીને સિક્યોરિટી તેમજ અવકાશના અવનવા પરિમાણો ક્વોન્ટમ કમ્પ્યુટર વડે ખોલી શકવા સંભવ છે. જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં થવા જઈ રહેલા સંશોધનો આપણા માટે કેટલા ફાયદારૂપ નીવડે છે!
bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement