ગીરગઢડા, અમરેલી, ભાવનગર જિલ્લામાં એક થી ત્રણ ઇંચ વરસાદ

23 September 2020 05:57 PM
Rajkot Saurashtra
  • ગીરગઢડા, અમરેલી, ભાવનગર જિલ્લામાં એક થી  ત્રણ ઇંચ વરસાદ

રાજુલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ત્રણ ઇંચ : ઉના-કોડીનારમાં સવારથી દે ધનાધન : ગોહિલવાડમાં અનરાધાર : ખેતી પાકોને નુકશાન

રાજકોટ તા.23
શ્રાવણ માસ-ભાદરવા માસ બાદ અધિકમાસમાં પણ અષાઢી માસ જેવો માહોલમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે ગીર સોમનાથ, ઉના-કોડીનારમાં મુશળધાર બે થી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા નદી નાળાઓ વહેતા થયા છે. ખેતી પાકોને નુકશાન થઇ રહ્યું છે.

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદમાં ગત રાત્રીના વિજળીના કડાકા-ભડાકા સાથે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉના દરીયાઇ પટ્ટી વિસ્તાર અનરાધાર વરસાદથી બંદર વિસ્તારમાં અફડા-તફડી મચી હતી. કોડીનારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવામાં બે ઇંચ, ભાવનગર શહેરમાં દોઢ ઇંચ જેસર ઘોઘામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હજુ વધુ વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગામી આપી છે. જુનાગઢ જિલ્લામાં હળવો ભારે વરસાદ વરસ્યો હતો. છતીસગઢ પર સર્જાયેલા લો પ્રેસરના પગલે ગુજરાત-સૌરાષ્ટ્રમાં અસર જોવા મળી રહી છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ દરીયાઇ વિસ્તાર નજીકના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. અધિક માસમાં ચોમાસુ ઋતુનો પાછોતરો વરસાદ વરસતા ખેતીપાકોને નુકશાની થવા પામી છે.


Related News

Loading...
Advertisement