હવે દિપીકાનું નામ સામે આવતા કંગના બોલી ‘ડ્રગ લેવાથી ડિપ્રેશન થાય’

23 September 2020 05:29 PM
Entertainment India
  • હવે દિપીકાનું નામ સામે આવતા કંગના બોલી ‘ડ્રગ લેવાથી ડિપ્રેશન થાય’

ડ્રગ મામલે એક પછી એક ખૂલતા નામો: દિપીકાની ટેલેન્ટ મેનેજર ક્રિષ્નાને પણ મોકલાશે સમન્સ

મુંબઇ તા. 23 : અભિનેતા સુશાંતસિંહ રાજપુતના કેસમાં આવેલો ડ્રગ એંગ્લ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. એક પછી એક બોલિવુડ હસ્તીઓના નામ સામે આવી રહયા છે. દિપિકા પદુકોણનું નામ પણ તેમા સામે આવતા સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી હતી. બોલિવુડની ટેલેન્ટ એજન્સી ‘કવાન’નાં સીઇઓ ધ્રુવ અને જયા સહા તથા કરિશ્મા પ્રકાશને એનસીબીએ સમન્સ મોકલ્યુ છે. જયાની પુછપરછમાં જ દિપિકા પદુકોણનું નામ સામે આવ્યું હતુ.

‘કવાન’ ટેલેન્ટ એજન્સીમાં અભિનેતા સલમાન ખાન પણ ભાગીદારી ધરાવે છે. તો આ સપ્તાહમાં સામે આવેલ દિપિકાની ડ્રગ સંબંધિત ચેટને પગલે ડ્રગથી ખદબદતા બોલિવુડની હકીકત સામે આવી છે. દિપિકાની 28 ઓકટોબર 2017ની વોટસ એપ ચેટ મળી છે. જેમાં દિપિકા કરિશ્મા પ્રકાશ પાસેથી ડ્રગની માંગ કરી રહી છે. જયા સહા, શ્રુતિ મોદી અને ધ્રુવ સાથેની એનસીબીની પુછપરછમાં દિયા મિર્ઝાનું નામ પણ સામે આવ્યુ છે.

દિયા મિર્ઝાનું નામ સામે આવતા તેણે ટિવટર પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે ‘આ સમાચારો તદન પાયાવિહોણા છે. હું તેને વખોડી કાઢું છું. આવા અહેવાલોની સીધી અસર મારી પ્રતિષ્ઠા પર પડે છે. વર્ષોની મહેનતથી બનાવેલી કારકીર્દી પર પણ તેની વિપરીત અસર પડે છે. મેં મારી જિંદગીમાં કયારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી.’

ડ્રગ કેસમાં દિપીકાનું નામ સામે આવ્યા પછી કંગના રનૌટે ફરી એક વખત શાબ્દિક પ્રહારો કર્યા છે. જેમાં તેણે દિપિકાને હડફેટે લેતા ટિવટ કરી છે. તેણે ટિવટમાં લખ્યુ છે કે ‘રિપિટ આફટર મી (મારી સાથે તમે પણ બોલો) કે ડ્રગના સેવનથી ડિપ્રેશન થાય છે. ઉચ્ચ સમાજના પૈસાદાર બાળકો કે જેઓ ખુદને કલાસી હોવાનું તથા પોતાનો ઉછેર સારા ઘરમાં થયાનું કહે છે. તે પોતાના મેનેજરને ‘ડ્રગ (માલ) છે ?’ તેવું પૂછે છે.’

કંગનાએ દિપીકાને આડે હાથ લેતા ‘રિપીટ આફટર મી’ વાકયનો ઉપયોગ કર્યો હતો. જે દિપીકાએ સુશાંતના મોત પછી ઉપયોગ કર્યો હતો. જેમાં તેણે ટિવટ કર્યું હતું કે ‘રિપીટ આફટર મી. કે ડિપ્રેશન એક બિમારી છે’

અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રગ કેસમાં અત્યાર સુધીમાં સારા અલી ખાન, રકુલ પ્રિત સિંઘ, ડિઝાઇનર સિમોન પછી હવે શ્રધ્ધા કપૂર, દિપિકા પદુકોણ અને દિયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે.


Related News

Loading...
Advertisement