સુરત : ઉદ્યોગપતિના આપઘાત કેસમાં આરોપી પીઆઇની સસ્પેન્શન બાદ બદલી

23 September 2020 01:17 AM
Surat Gujarat
  • સુરત : ઉદ્યોગપતિના આપઘાત કેસમાં આરોપી પીઆઇની સસ્પેન્શન બાદ બદલી

પીઆઇ બોડાણાને જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટર, અન્ય ત્રણ આરોપી પોલીસ કર્મચારીઓને અમરેલી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મુકાયા, પુરાવા સાથે ચેડાં ન થાય તે માટે ડીજીપીએ બદલીના આદેશ કર્યા

રાજકોટઃ
સુરતમાં ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલએ પોતાની જ ક્વોરીમાં પડતું મૂકી અત્મહત્યા કરી હતી. જમીન વિવાદથી કંટાળી આ પગલું ભર્યાનું સામે આવ્યું હતું. જેમાં ભુમાફિયાઓ સહિત રાંદેર પોલીસ મથકના પીઆઇ અને સ્ટાફના 3 પોલીસ કર્મચારીઓના નામ ખુલતા જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં જેઓ આરોપી તરીકે છે તેવા સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સપેકટર એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારી, કર્મચારીઓ અનધિકૃત રીતે રજા ઉપર ગયા હોય અને તપાસમાં સહકાર આપતા ન હોવાની ગેરવર્તણુકને ધ્યાને લઇને તથા ગુનામાં તેમની શંકાસ્પદ ભુમિકા જણાતા સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા. આજે ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓનું જાહેર હિતમાં ફરજમોકુફીનું મુખ્ય મથક બદલાવતાં તેમને અલગ-અલગ સ્થળે બદલી કરવા આદેશ આપ્યો છે. પી.આઇ. બોડાણાને પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જુનાગઢ તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અમરેલી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા એમ અલગ-અલગ જીલ્લામાં મૂકવામાં આવેલ છે. આ ગુનામાં નિષ્પક્ષ રીતે તપાસ થાય અને પુરાવાઓ સાથે ચેડા ન થાય તે હેતુથી આ બદલીનો ઓર્ડર અપાયો છે.

ઉલ્લેખનીય છે કે, દુર્લભભાઈને પોલીસ અને બિલ્ડર સહિતના લોકોએ પીસાદ ખાતેની 24 કરોડની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો. જમીન લખી આપવા માટે છેલ્લા 8 મહિનાથી હેરાન કરતા હતા. પોલીસ મથકે બોલાવી ધાક ધમકી અપાઈ હતી. જેથી છેલ્લા 6 મહિનાથી માનસિક તણાવમાં આવી જતા અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક રાંદેર રોડ ખાતે આવેલી સુર્યપુર સોસાયટીમાં રહેતા હતા. માંડવી પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.


Related News

Loading...
Advertisement