મોદી સરકારે પાંચ વર્ષ પહેલાં જાહેર કરેલા અનેક કામ હજુ સુધી પૂર્ણ થયા નથી

22 September 2020 07:03 PM
India
  • મોદી સરકારે પાંચ વર્ષ પહેલાં જાહેર કરેલા અનેક કામ હજુ સુધી પૂર્ણ થયા નથી

મંત્રાલયો હજુ સુધી કામ પૂર્ણ નહીં કરી શકતાં વડાપ્રધાન કાર્યાલયે માગ્યો ખુલાસો: જે કામ પૂર્ણ નથી થયા તે તમામની યાદી બનાવી મંત્રાલયને મોકલાઈ

નવીદિલ્હી, તા.22
વડાપ્રધાન કાર્યાલય દ્વારા 2014-15ના બજેટસત્રમાં થયેલી જાહેરાતો અંગે 36 મંત્રાલયો અને સંબંધિત વિભાગોને એક યાદી સોંપી છે. આ યાદીમાં એ તમામ કામોની વિગત છે જે કોઈને કોઈ કારણથી અધૂરા પડ્યા છે. સામાન્ય રીતે સરકારનું રિપોર્ટ કાર્ડ સામે આવે છે જેમાં એ જણાવાયું હોય છે કે સરકારે જનહિતમાં કયા કયા પગલાં ઉઠાવ્યા છે. ચૂંટણી દરમિયાન તમામ રાજકીય પક્ષ પોતપોતાના ચૂંટણીઢંઢેરાને જાહેર કરે છે જેમાં જનતાને વાયદો કરવામાં આવે છે કે જો તેની સરકાર આવશે તો તેઓ ફલાણું કામ કરશે, ઢીકણું કામ કરશે. આ વખતે વડાપ્રધાન કાર્યાલયે એવા કામની યાદી તૈયાર કરી છે જે અત્યાર સુધી પૂરા થયા નથી.
વડાપ્રધાન કાર્યાલયે તમામ મંત્રાલયો અને સંબંધિત વિભાગોને આ અધૂરા પડેલા કામો શા માટે નથી થયા અને અત્યારે તેનું સ્ટેટસ શું છે તેનો જવાબ પણ માગ્યો છે. આ સાથે જ પૂછવામાં આવ્યું છે કે જો આ કામને પૂર્ણ કરવાનું થાય તો તેમાં કેટલો ખર્ચ થશે. વડાપ્રધાન કાર્યાલયે દરેક કામનો એક અલગ અલગ પેરેગ્રાફમાં ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલયના સલાહકાર ભાસ્કર કુંબલેએ 8 ઓગસ્ટે આ લિસ્ટ તમામ મંત્રાલયો અને વિભાગો જેવા કે વિદેશ મંત્રાલય, રેલવે મંત્રાલય, વીજળી, શિક્ષણ, કૃષિ, નાગરિક ઉડ્ડયન, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, કલ્ચર તેમજ પ્રવાસન અને નાણા મંત્રાલય અંતર્ગત આવનારા વિભાગો સહિત કુલ 36 મંત્રાલયોને સોંપ્યું છે. વડાપ્રધાન કાર્યાલયે યાદીમાં એ જ કામોનો ઉલ્લેખ કર્યા છે જેની જાહેરાત 2014-15ના બજેટ સત્ર દરમિયાન કરાઈ હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે બજેટ સત્રમાં કરવામાં આવેલી જાહેરાત તમામ વિભાગો અને મંત્રાલય સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે. કોઈ પણ એવી જાહેરાત આ વિભાગ-મંત્રાલય સાથે ચર્ચા કર્યા વગર થતી નથી આમ છતાં હજુ સુધી જાહેરાત કરાયેલું કામ શા માટે થયું નથી ? પીએમઓ આ મામલે અત્યંત સખ્ત બનીને પોતે જ આ તમામ કામો ઉપર નજર રાખી રહ્યું છે.


Related News

Loading...
Advertisement