ડ્રગ્સ કનેકશનમાં નામ ખુલતા દિપિકા પર હવે ભાજપના રાજકીય હુમલા

22 September 2020 06:31 PM
Entertainment India
  • ડ્રગ્સ કનેકશનમાં નામ ખુલતા દિપિકા પર હવે ભાજપના રાજકીય હુમલા

ભાજપ નેતા-ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ દિપિકાને ટુકડે ટુકડે ગેંગ સાથે જોડીને કહ્યું- સજા કરો

મુંબઈ તા.22
બોલીવુડમાં ડ્રગ્સ કાંડને લઈને હવે તેમાં લોકપ્રિય એકટ્રેસ દિપિકા પાદુકોણનું નામ ઉછળતા દિપિકા પર હવે ભાજપ દ્વારા રાજકીય હુમલા શરૂ થઈ ગયા છે અને ત્યાં સુધી ભાજપનાં નેતા અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ દિપિકાને ટુકડે ટુકડે ગેંગ સાથે જોડીને ડ્રગ્સ કેસમાં તેને સજા કરવાની માંગણી કરી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સુશાંતસિંહ રાજપુતના મોતની ગુત્થી હજુ ઉકલી નથી અને આખી તપાસ હાલ બોલીવુડનાં ડ્રગ્સ કાંડ તરફ ફંટાઈ છે ત્યારે આ મામલે અનેક બોલીવુડની હસ્તીઓનાં નામ ખુલ્યા છે તેમાં દિપિકા પાદુકોણનું નામ ખુલતા ચકચાર મચી છે. ભાજપે દિપિકા પર હવે રાજકીય હુમલા શરૂ કરી દીધા છે.

દિપિકા પર પહેલા કંગનાએ અને હવે ભાજપના નેતા અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ દિપિકા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ડ્રગ્સ કનેકશનમાં જે જે લોકોનાં નામ આવી રહ્યા છે. તેનાથી હુ આશ્ર્ચર્યચકીત છુ. મનોજ તિવારીએ એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં દિપિકાને જેએનયુમાં ટુકડે ટુકડે ગેંગને સપોર્ટ આપનાર તરીકે ઓળખાવી હતી.

મનોજ તિવારીએ કટાક્ષ કર્યો હતો કે દિપિકા પદુકોણ ડ્રગ્સ લે છે અને ડ્રગ્સ લીધા બાદ અસર એ થાય છે કે તે દેશ વિરોધી લોકોની સાથે ઉભી રહી જાય છે હવે એ શોધવુ પડયુ કે શું ડ્રગ્સ લીધા બાદ વિચાર પણ દેશ વિરોધી થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જેએનયુ છાત્રો પર હુમલા થતા તેને લઈને દિપિકા પદુકોણ જેએનયુની મુલાકાતે ગઈ હતી જેને લઈને ખુબ બબાલ મચી હતી અને શાસક પક્ષ ભાજપના રોષનું નિશાનુ બની હતી.


Related News

Loading...
Advertisement