IPL શોર્ટ રન વિવાદ : આ નિર્ણય થર્ડ અમ્પાયરના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી

22 September 2020 05:57 PM
India Sports
  • IPL શોર્ટ રન વિવાદ : આ નિર્ણય થર્ડ અમ્પાયરના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી

આઈપીએલની રૂલ બૂકમાં શોર્ટ રન અંગે ફિલ્ડ અમ્પાયર જ નિર્ણય લેશે તેવું જણાવાયું છે : નિષ્ણાંતો કહે છે કે નિયમ બદલવો જરૂરી

દુબઈ : આઈપીએલમાં કીંગ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપ્ટનના મેચમાં શોર્ટ રનનો વિવાદ હજી પૂરો થતો નથી અને કીંગ ઇલેવન પંજાબની બોસ પ્રિટી ઝીન્ટાએ પણ સહેવાગના ટવીટને આગળ વધારીને શા માટે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ આ શોર્ટ રન મુદ્દે વિચારણા કરતી નથી તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. અમ્પાયર નિતીન મેનને પંજાબ કિંગ ઇલેવનનો એક રન ખંચવી લીધો અને ટીમને હારવું પડ્યું તેવી દલીલ થાય છે જો કે તેની વળતી દલીલ એ છે કે અંતિમ દડામાં કીંગ ઇલેવનને બે રન કરવાના હતા તો શા માટે કર્યા નહીં ? શા માટે થર્ડ અમ્પાયરે દરમિયાનગીરી ન કરી તો આઈપીએલમાં રુલ બુક પર જઇએ તો થર્ડ અમ્પાયરને નો બોલ, રનઆઉટ અને સ્ટમ્પીંગ ત્રણ પર જ તે નિર્ણય લઇ શકે છે.

જે શોર્ટ રનનો વિવાદ છે તે થર્ડ અમ્પાયરના જ્યુરીડીશનમાં આવતો નથી. આઈપીએલમાં રુલ નં. 2.13માં આ સ્પષ્ટ લખાયું છે કે શોર્ટનો નિર્ણય મેદાન પરના અમ્પાયર જ લેશે અને જે એન્ડ પર શોર્ટ રન લેવાયો છે તે અમ્પાયર આ અંગેનો સંકેત આપી દેશે. જો કે બોલર એન્ડના અમ્પાયર ફાઈનલ સિગ્નલ અને સ્કોર અંગે આખરી નિર્ણય લેવાની સત્તા હશે.

જો એકથી વધુ રનનો પ્રશ્ન હોય તો કેટલા રન બાદ કરવા તે મેદાન પરના અમ્પાયર જણાવશે. શનિવારના વિવાદ બાદ ઓલ રાઉન્ડર ટીમ મૂડીએ કહ્યું કે નિયમ બદલવો જરુરી છે. જ્યાં સુધી કોઇ ઘટના ન બને ત્યાં સુધી નિયમની ક્ષતિ ખ્યાલ આવતી નથી. થર્ડ અમ્પાયરને મેદાન પરના નિર્ણયને ઓવર રુલ કરવાની સત્તા હોવી જોઇએ.

જ્યારે ક્રિકેટ કોમેનેન્ટર હર્ષ ભોગલે પણ કહે છે કે હાલની પરિસ્થિતિમાં થર્ડ અમ્પાયર દરમિયાનગીરી કરી શકતા નથી. કીંગ ઇલેવને આ શોર્ટ રનના વિવાદ સામે પોતાની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. અને એ પણ જણાવ્યું છે કે, કોઇપણ નિર્ણયમાં માનવ ભૂલ સહજ બાબત છે પરંતુ આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ્યારે કોઇ નિર્ણય મેચનું પાસુ પલટી શકતું હોય તો તેના પર પુન:નિર્ણય લેવો જરુરી છે.


Related News

Loading...
Advertisement