સિવિલ હોસ્પિટલમાંથી 22 દિવસમાં કોરોનાના 100થી વધુ દર્દીઓ ‘ડામા’ થયા

22 September 2020 05:51 PM
Rajkot Saurashtra
  • સિવિલ હોસ્પિટલમાંથી 22 દિવસમાં કોરોનાના 100થી વધુ દર્દીઓ ‘ડામા’ થયા

દરરોજ ચારથી પાંચ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાંથી પ્રાઈવેટ હોસ્પિટલમાં ચાલ્યા જાય છે !: સારવાર, વાતાવરણ સહિત માફક ન આવતાં પકડી ખાનગી હોસ્પિટલની વાટ

રાજકોટ, તા.22
રાજકોટમાં અત્યારે કોરોના પલાંઠી વાળીને બેસી ગયો છે અને ઉભો થવાનું નામ જ લઈ રહ્યો નથી ત્યારે શહેરની લગભગ દરેક હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. અત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રના સૌથી વધુ દર્દીઓ જ્યાં દાખલ છે તે સિવિલની કોવિડ હોસ્પિટલ દ્વારા ઉત્તમ સારવાર આપવામાં આવી રહી હોવાના અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જો કે સીક્કાની બીજી બાજુ જોવા જઈએ તો વાસ્તવિકતા એવી પણ છે કે સપ્ટેમ્બરના 22 દિવસની અંદર કોવિડ હોસ્પિટલમાંથી 100થી વધુ દર્દીઓ ‘ડામા’ (ડિસ્ચાર્જ અગેઈન મેડિકલ એડવાઈઝ) એટલે કે ડોક્ટરોની ના પાડવા છતાં કોવિડ હોસ્પિટલમાંથી રજા લઈને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ રીતે જોવા જઈએ તો દરરોજ ચારથી પાંચ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલ અથવા તો અમદાવાદ સિવિલમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ કોવિડ હોસ્પિટલની સારવાર, વાતાવરણ સહિતનું માફક ન આવવું હોઈ શકે છે. જો કે સિવિલ હોસ્પિટલ દ્વારા ક્યારેય ‘ડામા’ થયેલા દર્દીઓનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવતો નથી. આ અંગે કોવિડ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે કોઈ દર્દીને સિવિલ હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલમાં જવું હોય તો તે જે હોસ્પિટલમાં દાખલ થવા માગતો હોય ત્યાંની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) રજૂ કરવાનું હોય છે. આ પછી તે દર્દીએ પોતાના ખર્ચે એમ્બ્યુલન્સ બોલાવી જે-તે હોસ્પિટલમાં જવાનું થાય છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા એવો દાવો કરાયો છે કે ‘ડામા’ થયેલા દર્દીઓનું અલગ જ રજિસ્ટર રાખવામાં આવ્યું છે પરંતુ સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે જે દર્દી સિવિલમાંથી ‘ડામા’ થાય છે તેને ડિસ્ચાર્જ મતલબ કે રજા આપી દીધી તેમાં ખપાવી દેવામાં આવે છે ! આ સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલ પાંચ મિનિટની અંદર એનઓસી આપી દે છે પરંતુ તે રજૂ કર્યા બાદ કલાકો સુધી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીને રજા મળતી નથી જે પણ એક સમસ્યા છે.

નિલકંઠ હોસ્પિટલે દર્દીને પોતાને ત્યાં બોલાવ્યું, સ્થિતિ બગડતાં ફરી સિવિલમાં મોકલી દીધું !
બે દિવસ પહેલાં કોવિડ હોસ્પિટલમાં દાખલ એક દર્દીએ શહેરની નિલકંઠ હોસ્પિટલમાં ટ્રાન્સફર થવા માટે કહ્યું હતું. આ પછી કોવિડ હોસ્પિટલના તબીબે નિલકંઠ હોસ્પિટલના તબીબ ડો.વિશાલ સાથે વાત કરતાં તેમના દ્વારા એમ કહેવાયું હતું કે ‘દર્દી કોઈ પણ સ્થિતિમાં હશે અમે દાખલ કરી દેશું’ આ પછી કોવિડ હોસ્પિટલ દ્વારા તે દર્દીને એનઓસી આપી નિલકંઠમાં રવાના કરાયું હતું. જો કે તે દર્દીનું ઑક્સિજનનું સ્તર અત્યંત નીચું હોવાથી નિલકંઠ હોસ્પિટલે તે દર્દીને સ્વીકારવાનો ઈનકાર કરી ફરી સિવિલ હોસ્પિટલમાં રવાના કરી દીધું હતું.

એક દર્દીએ અમદાવાદ સિવિલમાં જવાની જિદ્દ કરી, વોર્ડમાંથી બહાર કાઢતાં જ તબિયત લથડી: અંતે મોત
તાજેતરમાં જ કોવિડ હોસ્પિટલમાં દાખલ એક દર્દીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવાની જિદ્દ પકડતાં ડૉક્ટરો દ્વારા તેમને આવું નહીં કરવા મનાવવા પ્રયાસ કરાયો હતો આમ છતાં તેઓ માન્યા ન હતા. ત્રણથી ચાર કલાક સુધી રકઝક ચાલ્યા બાદ અંતે તેમને અમદાવાદ જવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ જેવા તે દર્દીને વોર્ડમાંથી બહાર કઢાયા કે તેમની તબિયત બગડતાં ફરી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે કલાકોમાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ પરિવારને ભૂલ સમજાતાં તેઓ પસ્તાઈ રહ્યા છે.

અત્યાર સુધીમાં કેટલા દર્દી થયા ‘ડામા’? એક પણ અધિકારી ન કહી શક્યા !
કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓ ‘ડામા’ થયા તે અંગેની વિગતો મેળવવા પ્રયાસ કરવામાં આવતાં એક પણ અધિકારી સચોટ જવાબ આપી શક્યા નહોતા. સૌથી પહેલાં એડિશનલ ડિન ડો.હેતલ કિયાડાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે એડિશનલ કલેક્ટર વાઢેર પાસે સઘળી વિગતો હોય છે. આ પછી વાઢેરનો સંપર્ક કરવામાં આવતાં તેમણે ડો.કમલ ડોડિયાનો સંપર્ક સાધવા કહ્યું હતું. ત્યારબાદ ડો.કમલ ડોડિયાનો સંપર્ક કરતાં તેમણે વાઢેર પાસે જ તમામ વિગતો હોવાથી તેમને પૂછવા કહ્યું હતું. આમ ત્રણ-ત્રણ અધિકારીને પૂછવા છતાં એક અધિકારી પાસે પણ સાચો આંકડો મળી શક્યો નહોતો.


Related News

Loading...
Advertisement