આજથી મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનમાં સ્કૂલો શરૂ: ગુજરાત, દિલ્હી, યુપી હજુ રાહ જોશે

21 September 2020 03:13 PM
India
  • આજથી મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનમાં સ્કૂલો શરૂ: ગુજરાત, દિલ્હી, યુપી હજુ રાહ જોશે

ધો.9થી 12ના વિદ્યાર્થીઓને માસ્ક-સેનિટાઈઝર સાથે સ્કૂલે આવવા દેવાયા: પંજાબ, ઝારખંડ, છત્તીસગઢ સહિતના રાજ્યો પણ હજુ ‘વેઈટ એન્ડ વોચ’ના મૂડમાં

નવીદિલ્હી, તા.21
કોરોનાના કાતીલ કહેરને કારણે લાગુ કરાયેલા લોકડાઉન બાદ અમલમાં મુકાયેલા અનલોકના ત્રણ તબક્કા દરમિયાન બંધ રહેલી સ્કૂલ-કોલેજો અનલોકના ચોથા તબક્કામાં ખુલવા જઈ રહી છે. ગુજરાતને બાદ કરતાં દેશના અન્ય રાજ્યો મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણામાં આજથી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવામાં આવી છે. એકંદરે સાત મહિના બાદ આજે સ્કૂલ ખૂલી રહી હોય વિદ્યાર્થીના મુખ પર એક અલગ જ ખુશી જોવા મળી રહી હતી. બીજી બાજુ દેશના અનેક રાજ્યો હજુ સ્કૂલ શરૂ કરવાના પક્ષમાં નથી અને આ રાજ્યોમાં ગુજરાત પણ સમાવિષ્ટ છે.

રાજ્યો અને વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બાળકોને સ્કૂલ મોકલવા ખતરાથી ખાલી નથી. આ રાજ્યોમાં ગુજરાત ઉપરાંત, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને પંજાબ સમાવિષ્ટ છે. બિહારમાં સ્કૂલ શરૂ કરવાને લઈને આવતીકાલે બેઠક મળશે. જ્યારે છત્તીસગઢમાં પણ એક સપ્તાહ બાદ સ્કૂલ શરૂ કરવાને લઈને નિર્ણય લેવામાં આવશે. જ્યારે ગુજરાતે દિવાળી સુધી સ્કૂલ શરૂ નહીં કરવાનો નિર્ણય લઈ લીધો છે.

આજથી મધ્યપ્રદેશની મોટાભાગની સરકારી અને ખાનગી સ્કૂલ શરૂ થઈ ગઈ છે. અહીં માત્ર બે કલાક માટે વિદ્યાર્થીઓને ભણતર દરમિયાન આવનારી પરેશાનીના ઉકેલ માટે વિશેષ ક્લાસ શરૂ કરાશે. સ્કૂલમાં પ્રવેશ પહેલાં તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આજથી જમ્મુ-કાશ્મીરમાં 50 ટકા સ્ટાફ સાથે સ્કૂલ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ફરજિયાત માસ્કના નિયમ સાથે સ્કૂલ શરૂ કરાઈ છે. આ ઉપરાંત બાળકોને પોતાની સાથે સેનિટાઈઝર રાખવું પણ ફરજિયાત કરાયું છે. અહીં એક વખત વિદ્યાર્થી સ્કૂલમાં પ્રવેશી ગયા બાદ ક્લાસ પૂર્ણ થયા બાદ જ બહાર જઈ શકશે.

હરિયાણામાં પણ આજથી સરકારી અને ખાનગી સ્કૂલો શરૂ થઈ ચૂકી છે. જો કે હજુ નિયમિત ક્લાસ શરૂ કરવામાં આવ્યા નથી પરંતુ ધો.9થી 12 સુધીના વિદ્યાર્થી શિક્ષકો પાસેથી તેમને લાગુ વિષયને સમજવા અને ભણતર સંબંધી બીજી સમસ્યાઓના ઉકેલ માટે સ્કૂલે આવી શકશે.

દરમિયાન દિલ્હીમાં કોરોનાના કેસ અટકવાનું નામ લઈ રહ્યા ન હોવાથી દિલ્હી સરકારે પાંચ ઓક્ટોબર સુધી તમામ સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય લઈને ઓનલાઈન ભણતર યથાવત રાખ્યું છે. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાં કોરોના કાબૂમાં આવી ગયા બાદ જ સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. યુપીના અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે અત્યારે એક પણ સ્કૂલને ખોલવા દેવામાં આવશે નહીં.

આગળ જતાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયા બાદ જ સ્કૂલ ખોલવા પર વિચાર કરવામાં આવશે. જ્યારે પંજાબમાં પણ અત્યારે સ્કૂલ-કોલેજ અને કોચિંગ સેન્ટર શરૂ કરાશે નહીં. રાજ્ય સરકાર દ્વારા શનિવારે જ આ મુદ્દે નવા આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કહેરને કારણે સરકાર હજુ સ્કૂલ-કોલેજો શરૂ કરીને જોખમ ઉઠાવવા માગતી નથી.


Related News

Loading...
Advertisement