સુરેન્દ્રનગરનો ધોળી ધજા, મુળીનો નાયકા તથા ભોગાવો-2નો વડોદ ડેમ ઓવરફલો

21 September 2020 01:31 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરનો ધોળી ધજા, મુળીનો નાયકા તથા ભોગાવો-2નો વડોદ ડેમ ઓવરફલો

અવિરત વરસાદથી ફરીથી જળાશયો છલકાયા : તમામ ડેમમાં પાણીની ધીંગી આવક

(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા. ર1
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ ભારે તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે લીંબડી ભોગાવો નદી-2 ઉપર આવેલ વઢવાણનો વડોદ ડેમ ઓવરફલો થયો હતો જ્યારે ડેમ ઓવરફલો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં અવ્યાં હતાં.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ અને લીંબડી તાલુકામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે લીંબડી ભોગાવો નદી-2 ઉપર આવેલ વઢવાણનો વડોદ ડેમ ઓવરફલો થયો હતો અને ડેમમાં સતત પાણીની આવક વધતાં તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામાં આવ્યો હતો. જ્યારે તંત્ર દ્વારા નીચાણવાળા ગામો વળોદ, ઉઘલ, બોડીયા, બલદાણા, સૌકા, લીંબડી, ઉંટડી, ચોકી, ચોરણીયા, પાણશીણા, જાખણ, ખંભલાવ, દેવપરા, કાનપરા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યારે બીજી બાજુ મુળી તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નાયકા ડેમ પર ઓવરફલો થયો હતો અને ડેમનું પાણી છોડવામાં આવતાં ધોળીધજા ડેમ પણ ઓવરફલો થયો હતો ત્યારે ચાલુ ચોમાસાની સીઝનમાં સતત 8મી વખત ઓવરફલો થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.

તંત્ર દ્વારા નીચાણવાળા ગામો જોરાવરનગર, રતનપર, મેમકા, ભડીયાદ, શીયાણી સહિતના ગામોને એલર્ટ કરાયા હતાં. આમ જિલ્લામાં ફરી ઉપરવાસ તેમજ વરસાદને પગલે ડેમોમાં પાણીની નવી આવક થતાં ડેમ ઓવરફલો થયાં હતાં.


Loading...
Advertisement