લીંબડીમાં હવે 12થી 40 મીટરના રસ્તા બનશે: ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતાં મુખ્યમંત્રી

21 September 2020 01:21 PM
Surendaranagar Gujarat
  • લીંબડીમાં હવે 12થી 40 મીટરના રસ્તા બનશે: ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતાં મુખ્યમંત્રી

ગુજરાતના 4 શહેરોના આવશે ‘અચ્છે દિન’: રસ્તા સહિતના વિકાસકામોને બહાલી : નવસારી, બારડોલીનો પણ વિકાસ કૂદકે ને ભૂસકે વધશે: યાત્રાધામ બેચરાજીને પણ હવે મળશે આગવી ઓળખ

ગાંધીનગર, તા.21
સૌરાષ્ટ્રના લીંબડી સહિત ગુજરાતના 4 શહેરોના આગામી દિવસોમાં ‘અચ્છે દિન’ આવી રહ્યા છે. રાજ્યના નાના-મોટા શહેરોને વિકાસની નવી જ ઉંચાઈ આપવાની ખેવના ધરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીંબડી, નવસારી, બારડોલી અને બેચરાજી માટેના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી દેતાં હવે આ શહેરોનો વિકાસ કૂદકે ને ભૂસકે વધશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. રાજાશાહી વખતના લીંબડી શહેરના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી મળી જતાં હવે અહીં 12 મીટરથી લઈ 40 મીટરની પહોળાઈના રસ્તા બનાવવામાં આવશે.

લીંબડી ઉપરાંત યાત્રાધામ બેચરાજી ગામના 8.78 ચો.કી.મીના રેવન્યુ વિસ્તારનો સુઆયોજિત વિકાસ કરી પાર્કિંગ સહિત 9થી 90 મીટર સુધીના પહોળા રસ્તાથી બેચરાજીને એક આગવી ઓળખ મળશે. આ ઉપરાંત નવસારીના વેજલપોલ તેમજ આસપાસના 15 ગામોની 71.37 ચોરસ કિલોમીટર વિસ્તાર માટેની નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નુડા)ની સૌપ્રથમ વિકાસ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અહીં હયાત માર્ગોના રિપેરિંગ, સુચિત નવા માર્ગા તેમજ સ્ટ્રીટલાઈટ સહિતની સુવિધા મળશે. જ્યારે બારડોલી શહેરી વિકાસ સત્તામંડળ (બુડા)માં સમાવિષ્ટ દરેક ગામોને રોડ કનેક્ટિવિટી આપવા વસ્તીનું આકલન કરી 18થી 30 મીટર પહોળા માર્ગો 60 મીટરના રિંગરોડનના આયોજનને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.

ખાસ કરીને રાજાશાહી સમયના શહેર લીંબડીના આશરે 13.40 કિલોમીટર વિસ્તાર માટે વિવિધ ઝોનિંગ સહ ગામતળ બહાર આયોજિત વિસ્તારમાં ગ્રીડ પેટર્નમાં સુગ્રથિત આયોજન કરવામાં આવ્યું છે તેમાં 12 મીટરથી લઈ 40 મીટર સુધીના અલગ અલગ પહોળાઈના રસ્તાઓ સુચવવામાં આવ્યા છે. લીંબડી જેવા નાના શહેરમાં પણ ભવિષ્યમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ દ્વારા વધુ સુઆયોજિત વિકાસ કરવાના હેતુથી આ વિકાસ નકશામાં ડીપીના કોઈ રિઝર્વેશન સુચવવામાં આવ્યા છે. આમ સૌરાષ્ટ્ર તરફ જતાં હાઈ-વે પરના શહેર લીંબડીના રિવાઈઝડ ડેવલપમેન્ટ માટેના પ્રાથમિક જાહેરનામાને પ્રસિદ્ધ કરવા મુખ્યમંત્રીએ મંજૂરીની મહોર લગાવી છે.જ્યારે નવસારી અને વેજલપુર તેમજ આજુબાજુના 15 ગામો મળી 71.37 ચો.કિ.મી. વિસ્તાર માટે રચાયેલા નવસારી શહેરી વિકાસ સત્તામંડળની પ્રથમ વિકાસ યોજનાને પણ મંજૂર કરવામાં આવી છે. આ વિકાસ યોજનાથી નુડામાં સમાવિષ્ટ તમામ ગામોમાં વિકાસની નવી તકો ઉભી થશે તેમજ સુઆયોજિત વિકાસના કારણે સમગ્ર શહેરી વિકાતના વિસ્તારની આગવી ઓળખ ઉભી થશે. ખાસ કરીને મુખ્યમંત્રી રૂપાણીએ ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવા ઉપર વધુ ભાર મુકતાં શહેરની આતંર માળખાકીય સવલતો માટે ટીપી મારફતે જમીન મેળવવાનું જણાવતાં નુડાના પ્લાનમાં એક પણ રિઝર્વેશન સુચવવામાં આવ્યું નથી.

જ્યારે બારડોલી શહેર તેમજ આસપાસના 16 ગામોના કુલ 65.78 ચો.કિ.મી. વિસ્તાર જેમાં બારડોલી નગરપાલિકાને 6.67 ચો.કિ.મી. તેમજ અન્ય લાગુ ગામોના વિસ્તાર માટે બારડોલી શહેર વિકાસ સત્તામંડળ (બુડા)ની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. રચનાના અનુસંધાને બુડા દ્વારા તા.6-12-2019થી પ્રથમ ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાન ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ-13 હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. રૂપાણીએ આ પ્લાન અંગે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરી વિકાસ નકશાને મંજૂરી આપી દીધી છે. હવે હવે 18થી 30 મીટરના વિવિધ રસ્તાઓ ઉપરાંત 60 મીટરનો રિંગરોડ બનશે. આ ઉપરાંત રસ્તા, વીજળી, પાણી સહિતની સવલતો આપવા માટે રૂા.425 કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ છે.


Related News

Loading...
Advertisement