વિદાય લેતા-લેતા ખેતીને વધુ ફટકો મારતુ ચોમાસુ : વધુ 1 થી 4 ઇંચ

21 September 2020 11:55 AM
Rajkot Saurashtra
  • વિદાય લેતા-લેતા ખેતીને વધુ ફટકો મારતુ ચોમાસુ : વધુ 1 થી 4 ઇંચ
  • વિદાય લેતા-લેતા ખેતીને વધુ ફટકો મારતુ ચોમાસુ : વધુ 1 થી 4 ઇંચ
  • વિદાય લેતા-લેતા ખેતીને વધુ ફટકો મારતુ ચોમાસુ : વધુ 1 થી 4 ઇંચ
  • વિદાય લેતા-લેતા ખેતીને વધુ ફટકો મારતુ ચોમાસુ : વધુ 1 થી 4 ઇંચ
  • વિદાય લેતા-લેતા ખેતીને વધુ ફટકો મારતુ ચોમાસુ : વધુ 1 થી 4 ઇંચ

બગસરામાં 4 ઇંચ સાથે અમરેલી જિલ્લામાં ફરી નદી-નાળા છલકાયા: માણાવદરમાં 3 ઇંચથી ખેતરો ડૂબ્યા : લાઠી અને ઉમરાળામાં વધુ બે-બે ઇંચ : મોરબી, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસ્યો : રાજકોટમાં રાત્રે કડાકા-ભડાકાથી લોકો ફરી ધ્રુજ્યા

રાજકોટ,તા. 21
સૌરાષ્ટ્રમાં વિદાય લેતા ચોમાસાએ ખેતીને વધુ ફટકો માર્યો છે. ગઇકાલે સાંજ બાદ અને મોડીરાત્રે રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી સહિતનાં જિલ્લાઓમાં 1 થી 4 ઇંચ વરસાદ વરસી ગયો હતો. વીજળીના કડાકા-ભડાકા વચ્ચે મોડી રાત સુધી વરસાદ પડ્યા બાદ સવારે ઉઘાડ નીકળ્યો હતો. પરંતુ હજુ બે દિવસની આગાહી વચ્ચે મોટાભાગના જિલ્લાઓમાં મગફળી અને કપાસના પાકને મોટી નુકસાની થઇ છે.

અમરેલી જિલ્લાના બગસરામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડ્યો છે. તો માણાવદરમાં 3, લાઠી અને ઉમરાળામાં બે-બે ઇંચ, હળવદ અને ભેસાણમાં પોણા બે-બે ઇંચ, રાપર, વાંકાનેર, જેતપુર, બાબરામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

ઘોઘા, ધ્રાંગધ્રા, ગઢડા, જામકંડોરણા, વિંછીયા, ટંકારા, અમરેલી, કેશોદમાં 1-1 ઇંચ પાણી પડ્યું હતું. રાજકોટ શહેરમાં રાત્રે કડાકા-ભડાકા સાથે એક ઇંચ વરસાદ પડતા રોડ પર પાણી વહી ગયા હતા. તમામ જિલ્લામાંથી પાકને નુકસાનીનાં અહેવાલ છે.

અમરેલી જિલ્લો
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઇકાલે સાંજના સમયે જોરદાર પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લામાં હળવા ઝાપટાથી લઇ 4 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો. જિલ્લાની ધરા પાણીથી તરબોળ હોય, જળાશયો પણ છલકાયા છે જેથી સામાન્ય વરસાદ બાદ પણ નદી નાળાઓમાં પાણી વહેતા થયા છે.

અમરેલી શહેરમાં રવિવારે દિવસભર તડકો રહ્યો હતો ત્યારે રાત્રિનાં સમયે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવી જતાં રાત્રિનાં સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવી જતા રાત્રિના સાડા નવ થી દસ વાગ્યા દરમિયાન મીની વાવાઝોડા સમાન જોરદાર પવન ફુંકાવા લાગ્યો હતો તો બીજી તરફ આડાશમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. લગભગ 1 કલાકનાં અમરેલીનાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.

જ્યારે બગસરામાં રાત્રિનાં સમયે 10 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં જોરદાર 4 ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે બાબરામાં દોઢ ઇંચ,લાઠીમાં 2 ઇંચ, લીલીયા વડીયામાં પોણો પોણો ઇંચ તથા સાવરકુંડલામાં માત્ર ઝાપટા હતા.

મોરબી જિલ્લામાં ગઇકાલે મોડી સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને રાતના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો. તાલુકામાં પોણો વાંકાનેર તાલુકામાં સવા બે, હળવદ તાલુકામાં સવા બે, ટંકારામાં એક ઇંચ વરસાદ પડ્યો છે તેવી જ રીતે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ ભારે વરસાદ હોવાની માહિતી મળી રહી છે જેથી કરીને ખેડૂતોના મોટા ભાગના પાકનો સફાયો થઇ ગયો હોવાનું ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર, હળવદ સહિતનાં પંથકની અંદર ભારે પવન સાથે મોડી રાતે વરસાદ ચાલુ થઇ ગયો હતો અને હાલમાં ખેતીમાં તૈયાર પાક પડ્યો છે તેને મોટી નુકશાની થયેલ છે. જેમાં ખાસ કરીને મગફળી અને કપાસ કે જેમાંથી હવે ખેડૂતો પોતાની ઉપજ લેવાની તૈયારી કરી રહ્યા હતા આ તમામ ખેડૂતોને અત્યારે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. અગાઉ પડેલા અતિ ભારે વરસાદના કારણે આમ પણ ખેતીને નુકશાન તો હતું જ તેવામાં રહી રહી કસર અત્યારે પડી રહેલો વરસાદ પૂરો કરતો હોય તેવું લાગી રહ્યું છે.

ગઇકાલે રાતે જોરદાર પવન સાથે વરસાદ ચાલુ હોવાને કારણે ગણતરીની મીનીટોમાં જ અડધાથી એક કરતા વધુ વરસાદ પડી ગયો હતો. મોરબી તાલુકામાં પોણો ઇંચ, વાંકાનેર તાલુકામાં સવા બે ઇંચ, હળવદ તાલુકામાં સવા બે ઇંચ, અને ટંકારામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. માળિાય તાલુકાની અંદર જિલ્લાના કંટ્રોલ રુમ પાસેથી જે આંકડા આવેલ છે તેમાં વરસાદ નીલ બતાવવામાં આવ્યો છે. જો કે ગ્રામ્ય વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે ઘણો વલસાદ રાતના સમય દરમિયાન પડ્યો છે પરંતુ તેની સરકારી ચોપડે કોઇ નોંધ કરવામાં આવી નથી.

કચ્છ
કચ્છમાં અનરાધાર વરસ્યા બાદ લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થયા બાદ વરસાદ જાણે કેડો મુકતો ન હોય તેમ ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડીરાત્રે મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદી ઝાપટું ત્રાટક્યું હતું. અચાનક ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકાને કારણે નિંદ્રાધીન થયેલા લોકો ડરના માર્યા સફાળા જાગી ગયા હતા. ધોધમાર ઝાપટા બાદ, શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભુજ ઉપરાંત અંજાર, આદિપુર, ગાંધીધામ, સામત્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં સોનવર્ણી સાંજ પછી વાતાવરણ પલટાયું હતુ અને એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે.

વાંકાનેર
વિજળીના કડાકા ભડાકા સાથે રાત્રિનાં સાડા દસેક વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સતત બે કલાક ચાલુ રહેતા રસ્તા ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા. અને બે કલાકમાં શહેરી વિસ્તારમાં 40 મીમી વરસાદ મામલતદાર ઓફીસમાં કંટ્રોલ રુમમાં નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે બે કલાકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડતાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા હતા. ધોધમાર વરસાદને પગલે હાઈવે પરના રેલવે બ્રીજ નીચે ગોઠણડૂબ પાણી ભરાયા હતા. અને તેમાંથી વાહન ચાલકોને પસાર થવું પડ્યું હતું. જ્યારે સર્વિસ રોડ ઉપર પાણીના તળાવડા ભરાઈ જતા રાહદારીઓ ભારે યાતના ભોગવી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લો
અધિક માસ ભાદરવામાં પણ વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી. જૂનાગઢ જિલ્લામાં હવે લીલા દુષ્કાળ ભણી જઇ ચૂક્યો છે. ખાસ કરીને માણાવદર તાલુકાની હાલત વધુ ખરાબ થઇ રહી છે. શનિવારે વિસાવદરમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. વંથલીમાં અડધો ઇંચ વરસાદ થવા પામ્યો હતો. જ્યારે ગઇકાલે માણાવદર તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેનાકારણે થોડી ઘણી આશા પર પાણી ફરી વળ્યું છે. સંપૂર્ણપણે ખરીફ પાક ઉપર માઠી અસર થવા પામી છે. હજુ ખેતરો સુકાયા નથી અંદર જઇ શકાતું પણ નથી. ઉપરાંત ભેંસાણ કેશોદમાં એક એક ઇંચ વંથલીમાં ગઇકાલે વધુ પોણો ઇંચ નોંધાયો હતો. જૂનાગઢમાં 3મીમી વરસાદ નોંધાયો હતો.

જસદણ : વિંછીયા
વીંછીયા તાલુકામાં રાત્રિનાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. હવે પાછળના વરસાદે માઝા મૂકતા ખેડૂતોની હાલત પડ્યા પર પાટુ જેવી થઇ ગઇ છે. ખેડૂત યુવા અગ્રણી પ્રવીણભાઈ છાયાણીએ જણાવ્યું કે છેલ્લા બે દિવસના વરસાદમાં ખેડૂતોએ ઉપાડેલી મગફળીના પાથરા પલળતા કરોડો રુપિયાનું નુકસાન થયું છે. આ માટે જેમને ખોબલે ખોબલે મત આપીને ચૂંટીને મોકલ્યાં છે તેમણે સરકાર પાસેથી ખેડૂતોને વળતર અપાવવું જોઇએ. મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે.

માણાવદર
માણાવદર પંથકમાં ગત સાંજે ઝંઝાવાતી વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. શહેરમાં જાંબુડા 2.50 ઇંચ, બાંટવા ડેમ સાઈટ 0.50 ઇંચ, કડાકા-ભડાકા સાથે વરસ્યો હતો. ફરી ડેમો-વોંકળા બે કાંઠે અને ખેતરો જળબંબાકાર થયા હતાં. બાટવા ડેમ સાઈટના દરવાજા ખુલ્લા જ છે. સતત ડેમો ઓવરફલો થઇ રહ્યા છે. સીઝનનો 68 થી 70 ઇંચ જેટલો વરસાદ સરેરાશ 200 ટકા નજીક પહોંચી ગયો છે.

ગોંડલ
ગોંડલમાં આજે પોણા છ કલાકે વીજળીના કડાકાસાથે અનરાધાર વરસાદ વરસતા માત્ર બે કલાકમાં ધમાકેદાર ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. રાતાનાલા અને ઉમવાડા અંડરબ્રીજમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો. વરસતા વરસાદ વચ્ચે વીજળીના કડાકા-ભડાકાએ લોકોને ભયભીત કર્યા હતાં. તાલુકાનાં ભુણાવા, ભરુડી, બીલીયાળા, સેમળા, પાંચીયાવદર, ઘોઘાવદર, બંધીયામાં પણ ધોધમાર બેથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ખેતરોમાં મગફળીનાં પાથરા અને ઢોરનાં નિરણને મોટુ નુકસાન પહોંચ્યું છે.

વિસાવદર
વિસાવદરમાં સતત બીજા દિવસે પણ બપોર બાદ ભારે વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. તાલુકામાં અને શહેરમાં ખેડૂતો દ્વારા માંડવીના પાક કાઢવામાં આવ્યો હોય તે બગડી રહ્યો છે જ્યારે મોટા ભલગામ અને આજુબાજુના ગામડાઓમાં પણ ભારે વરસાદને કારણે ખેતરોમાં કાઢવામાં આવેલી મગફળીના પાથરાઓ પહોંચી ગયા હતા. કિસાન સંઘના અશ્ર્વિનભાઈના જણાવ્યા મુજબ મોટા ભલગામ અને આજુબાજુના ગામડાઓમાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની પહોંચી છે.

ભાવનગર જિલ્લો
ગોહિલવાડ પંથકમાં ગઇકાલ રાત્રે વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો. સરદારનગર વિસ્તારમાં સિંધી સ્કૂલની પાછળના ભાગે વીજળી પડી હતી. જેના કારણે વીજ મીટર બંધ થઇ જતા આજુબાજુના વિસ્તારમાં વીજળી ગુલ થઇ હતી. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી.

ઉમરાળામાં 48 મીમી ઘોઘામાં 32 મીમી, વલભીપુરમાં 19 મીમી, પાલીતાણામાં 19 મીમી, ભાવનગરમાં 16 મીમી, સિંહોરમાં 15 મીમી, જેસરમાં 15 મીમી, તળાજામાં 14 મીમી અને ગારીયાધારમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. દરમિયાન આજે સોમવારે સવારે શહેરમાં વરસાદી માહોલ વિખેરાઈ ગયો હતો અને તડકો નીકળ્યો હતો.


Related News

Loading...
Advertisement