કોરોના મુકત ન થાય ત્યાં સુધી ડાયમંડનગર ગામમાં લોકડાઉન

21 September 2020 11:39 AM
Morbi Rajkot Saurashtra
  • કોરોના મુકત ન થાય ત્યાં સુધી ડાયમંડનગર ગામમાં લોકડાઉન
  • કોરોના મુકત ન થાય ત્યાં સુધી ડાયમંડનગર ગામમાં લોકડાઉન

મોરબી તાલુકાના ચાર હજારની વસ્તીવાળા ગામે રાહ ચિંઘ્યો : માત્ર બે કલાક છુટછાટ : પાંચ એકટીવ કેસ વચ્ચે ચિંતાની લાગણી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.21
મોરબી જિલ્લામાં મહિનાઓથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તાલુકાના ડાયમંડનગર ગામના સરપંચ અને આગેવાનો દ્વારા ગામમાં ગ્રામજનોની સલામતી માટે આંશિક લોક ડાઉન કરવામાં આવેલ છે. સવારે માત્ર બે કલાકમાં જ ગામના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને પોતાના ઘરે ચાલ્યા જાય છે અને ત્યાર બાદ ગામ સજજડ બંધ પાડી રહ્યું છે.

કોરોનાના કેસ ને વધતા અટકાવવા સરકારી મશીનરી દ્વારા કામગીરી કરવામાં આવે છે તેમ છતાં પણ તેનું પરિણામ મળતું નથી. બીજી બાજુ કોરોના પોઝિટિવ કેસ અને કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડા વધી રહ્યા છે જે ખરેખર ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. આવા સમયે સરકાર દ્વારા લોક ડાઉન કરવામાં આવે તેવુ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માની રહ્યા છે.

ગામના લોકોની સલામતી માટે તાલુકાના ડાયમંડ નગર ગામ દ્વારા આંશિક લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને સવારના આઠથી દસ બે કલાક જ કરિયાણાની દુકાન, દૂધની દુકાન સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેની દુકાનો ખોલવામાં આવે છે ત્યારબાદ સજ્જડ બંધ પાળવામાં આવે છે. લોક ડાઉનની અમલવારી ગામના લોકો પણ કરી રહ્યા છે.

આ ગામની વસ્તી લગભગ 3800 થી 4000 જેટલી છે અને તમામ લોકો હાલમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ નિર્ણયમાં સહકાર આપી રહ્યા છેઆ ગામના સરપંચ કેશવજીભાઇ અમરશીભાઇએ કહ્યું હતું કે, આજદિન સુધીમાં આ ગામમાં કુલ મળીને કોરોનાના 15 જેટલા પોજીટીવ કેસ આવેલા છે જેમાથી 10 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે જો કે, હજુ પણ ગામમાં કોરોનાના પાંચ એક્ટિવ કેસ છે માટે ગામમાં આંશિક લોક ડાઉન કરવામાં આવ્યું છે જેથી કરીને આગામી દિવસોમાં આ ગામને ફરી પાછું કોરોના મુક્ત કરવા માટે ગામના આગેવાનો સહિતના લોકો મહેનત કરી રહ્યા છે.

જો આવી જ રીતે દરેક ગ્રામ્ય વિસ્તારની અંદર ગામના આગેવાનો દ્વારા આંશિક લોક ડાઉન કરવામાં આવશે તો સો ટકા ગ્રામ્ય વિસ્તારોને કોરોનાના વધતાં સંક્રમણ થી સંક્રમિત થતાં અટકાવી શકશે તેવી આ ગામના લોકોએ લાગણી વ્યક્ત કરી છે.


Related News

Loading...
Advertisement