Good News: 4 મહિનામાં પ્રથમવાર કોરોનાના અઠવાડિક કેસ ઘટયા

21 September 2020 11:13 AM
India
  • Good News: 4 મહિનામાં પ્રથમવાર કોરોનાના અઠવાડિક કેસ ઘટયા

કોરોનાકાળ નબળો પડવા લાગ્યો? આમ-આદમી નોર્મલ જીવન વ્યવહાર અપનાવવા લાગ્યા: ગત સપ્તાહમાં 6.40 લાખ નવા કેસ જે આગલા અઠવાડિયામાં 6.45 લાખ હતા: મૃત્યુદર હજુ કાબુમાં આવતો નથી: મોત વધુ નોંધાયા: ભારતમાં છ દિવસમાં પ્રથમવાર 90,000થી ઓછા દૈનિક કેસ: મહારાષ્ટ્ર, આંધ્ર, તામીલનાડુ જેવા અનેક રાજયોમાં સંખ્યામાં ઘટાડો

નવી દિલ્હી તા.21
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભલે હજુ કોરોનાનો કહેર યથાવત રહ્યો હોય છતાં હવે મહામારી છેલ્લા-વિદાયના તબકકે હોવાની આશા સર્જતુ ચિત્ર ઉપસવા લાગ્યુ છે. છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત કોરોનાના અઠવાડીક કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત લોકો પણ કોરોનાથી ટેવાઈ ગયા હોય તેમ મોટાભાગે જનજીવન નોર્મલ થઈ ગયુ છે. અમુક હોટસ્પોટ સેન્ટરોમાં મૃત્યુદર પણ ઘટવા લાગ્યો છે. જો કે, અન્ય અમુક સેન્ટરોમાં ડેથરેટ વધ્યો છે.

ભારતમાં 14થી20 સપ્ટેમ્બરના અઠવાડીયામાં કોરોનાના નવા 6,40,019 કેસ નોંધાયા હતા. તે 7થી13 સપ્ટેમ્બરના 6,45,014 કેસો કરતા અંદાજીત 5000 ઓછા છે. દરરોજના દરેરાશ કેસ 91000થી વધુ થવા જાય છે. મે મહિનાના પ્રથમ અઠવાડીયા પછી પહેલી વખત અઠવાડીયાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.

અઠવાડીક કેસ ઘટયા હોવા છતાં મૃત્યુદરમાં વધારો છે. ગત સપ્તાહમાં 8175 લોકો કોરોનાનો શિકાર બન્યા હતા તે સંખ્યા આગલા સપ્તાહમાં 8069 હતી. મહત્વની વાત એ છે કે દેશમાં સતત ચોથા દિવસે એકટીવ કેસોની સંખ્યામાં ઘટાડો માલુમ પડયો છે. ગુરુવારે એકટીવ કેસની સંખ્યા 10.26 લાખની હતી તે આજે 10.1 લાખથી પણ ઓછી છે.

આ જ રીતે છ દિવસમાં પ્રથમ વખત નવા કેસની સંખ્યા 90000થી નીચે આવી છે. મહારાષ્ટ્રમાં પણ એક દિવસના કેસની સંખ્યા ઘટીને 21000ની નીચે આવી હતી. આંધ્રપ્રદેશમાં છેલ્લા એક મહિનાના સૌથી ઓછા 7738 કેસ નોંધાયા હતા તેવી જ રીતે 57 લોકોના મોત થયા હતા તે પણ છેલ્લા 50 દિવસના સૌથી ઓછા હતા. તામીલનાડુ જેવા રાજયમાં પણ નવા કેસમાં થોડો ઘટાડો હતો.

બીજી તરફ કોરોનાકાળ ખત્મ થવાના માર્ગે હોવાના આશાવાદ હેઠળ સામાન્ય લોકો પણ નોર્મલ જનજીવન અપનાવવા લાગ્યા છે. અનલોક-4 પછી મોટાભાગના ક્ષેત્રો ખુલી ગયા છે અને ત્યાં સ્ટાફ લોકોની હાજરી પણ વધવા લાગી છે. કોરોનાથી ભયભીત લાખો લોકો વતન પહોંચી ગયા હતા તે પરત આવવા લાગ્યા છે તેને ધ્યાને રાખીને ટ્રેનો પણ વધારવામાં આવી રહી છે. ઈંધણનો વપરાશ વધ્યો છે. અર્થતંત્ર પણ રફતાર પકડવા લાગ્યું છે.

ગત દિવસોમાં દિલ્હી, મુંબઈ, ગુજરાત જેવા ઔદ્યોગીક રીતે પિરીત રાજયો માટે વધારાની ટ્રેનો દોડાવવામાં આવી હતી. નિકાસમાં આગલા વર્ષની સરખામણીએ પણ ઘટાડો હોય પરંતુ માસિક ગણતરીમાં તે વધવા લાગી છે. પેટ્રોલ, ડીઝલ, વિજળીનો વપરાશ પણ વધવા લાગ્યો છે. ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવા રાજયોમાં સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડીયાનો વિજવપરાશ ગત વર્ષની સરખામણીએ અનુક્રમે 6.2 તથા 4.3 ટકાની વૃદ્ધિ દર્શાવવા લાગ્યો હોવાનું સૂચક છે.


Related News

Loading...
Advertisement