અપહ્યુત માછીમારોને છોડાવવા કટિબઘ્ધતા, સાગરખેડૂ જાગૃત બને

21 September 2020 10:46 AM
Ahmedabad Gujarat Rajkot
  • અપહ્યુત માછીમારોને છોડાવવા કટિબઘ્ધતા, સાગરખેડૂ જાગૃત બને
  • અપહ્યુત માછીમારોને છોડાવવા કટિબઘ્ધતા, સાગરખેડૂ જાગૃત બને
  • અપહ્યુત માછીમારોને છોડાવવા કટિબઘ્ધતા, સાગરખેડૂ જાગૃત બને
  • અપહ્યુત માછીમારોને છોડાવવા કટિબઘ્ધતા, સાગરખેડૂ જાગૃત બને
  • અપહ્યુત માછીમારોને છોડાવવા કટિબઘ્ધતા, સાગરખેડૂ જાગૃત બને

માછીમારોના અપહરણ, દરિયા કિનારાની સુરક્ષા અને અવાર નવાર મળી આવતા ડ્રગ્સને લઈ કોસ્ટલ સિક્યુરિટીના નવનિયુકત ડીઆઈજી નિલેશ જાજડીયાની સાંજ સમાચાર સાથે ખાસ વાતચીત

રાજકોટ, તા.21
ગુજરાત રાજ્ય દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. અહીં 1600 કિમી લાંબા દરિયા કિનારો છે. તેની સુરક્ષા ઘણી મહત્વની બની રહે છે. દરિયા કિનારાની સુરક્ષાને પહોંચી વળવા 22 મરીન પોલીસ સ્ટેશન છે. અને હજુ 13 જેટલા પોલીસ મથકો બનાવવા સરકારનું આયોજન છે. પાકિસ્તાનથી નજીક દરિયા કિનારો હોવાથી અહીંથી દરિયો ખેડવા ગયેલા માછીમારોના અપહરણની ઘટનાઓ પણ બનતી રહે છે. દરિયા કિનારાની સુરક્ષા અને માછીમારોને પાકિસ્તાનની હેરાનગતિથી બચાવવા દરિયા કાંઠાના સુરક્ષા દળો હમેંશા કાર્યરત રહે છે. આ અંગે કોસ્ટલ સિક્યુરિટીના નવનિયુક ડીઆઈજી નિલેશ જાજડીયાએ સાંજ સમાચાર સાથે ખાસ ટેલિફોનિક વાતચિત કરી હતી.

ગુજરાતનું પાકિસ્તાનથી ઘણુ નજીક ભૌગોલિક સ્થાન હોવાના કારણે વારંવાર હાઈ અલર્ટ લાગુ કરવામાં આવતું હોય છે. જેથી ગુજરાતનું સુરક્ષા માળખું બીજા રાજ્યો કરતા અલગ છે. અહીં 22 મરીન પોલીસ સ્ટેશન ઉપરાંત 45 આઉટપોસ્ટ અને ચોકીઓ પણ આવેલી છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં સ્પેશ્યલ મરીન ટાસ્ક કમાન્ડોના દળની રચના કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, 2006માં ગુજરાતમાં મરીન પોલીસની રચના કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતી વખતે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાજ્યમાં 1640 કિમીનો દરિયા કિનારો, 144 નાના મોટા ટાપુઓ આવેલા છે જેમાંથી 6 ટાપુઓ ઉપર માનવ વસ્તી છે.

કોસ્ટલ સિક્યુરિટી ડીઆઈજી નિલેશ જાજડીયા 2006 ની ગુજરાત બેચના આઈપીએસ ઓફિસર છે. તેઓએ મહેસાણા એસપી અને એસપી વેસ્ટર્ન રેલવે વડોદરા તરીકે પણ સેવા આપી છે. તાજેતરમાં કોસ્ટલ સિક્યુરિટીની જવાબદારી મળી છે. તમણે સાંજ સમાચાર સાથેની ખાસ વાતચિતમાં પાકિસ્તાન દ્વારા કરાતા માછીમારોના અપહરણના બનાવો અંગે જણાવ્યું હતું કે, દરિયા કાંઠે સુરક્ષા કરતા દળો દ્વારા સતત માછીમારોના જાગૃતતા લાવવા પ્રયાસ થતા હોય છે.

સુરક્ષા સેતુ હેઠળ અગાઉ અનેક કાર્યક્રમો થયા છે. અને હાલ પણ પોરબંદર અને વેરાવળની બોટોના અપહરણ બાદ પણ અમે માછીમારોને જાગૃત રાખવા પ્રયાસો હાથ ધર્યા છે. માછીમારો દરિયામાં ખૂબ ઊંડે સુધી ન ચાલ્યા જાય કે તેમના પર જોખમ ઉભું થાય. અને જ્યારે કોઈ પાકિસ્તાની એજન્સીની બોટ વગેરે દેખાય તો તુરંત 100 નંબર પર જાણ કરવા અમે અવેર કરતા કરીએ છીએ.

ડીઆઈજી નિલેશ જાજડીયાએ વધુમાં કહ્યું હતું કે, હાલમાં જે પાકિસ્તાન દ્વારા માછીમારોને બોટ સહિત અપહરણ કરવાના બનાવો બન્યા તેમાં અમારી તપાસ ચાલુ છે. ઓફિશિયલ માહિતી મુજબ 8 બોટ અને 49 માછીમારોનું અપહરણ થયું છે. જેમાં પોરબંદર અને વેરાવળની બોટો હતી. કોસ્ટગાર્ડ એના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. અમારી ટીમ દ્વારા માછીમાર એસોસિએશનોનો સામેથી સંપર્ક કરાયો હતો. અને વધુ કોઈ માછીમારોનું અપહરણ થયું છે કે બોટો ગુમ છે કે કેમ? તે જાણવા પ્રયત્ન કર્યો હતો. માછીમારોમાં જાગૃતિ લાવવાનું કામ અમે સતત કરી રહ્યા છીએ.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાનથી ખૂબ નજીક હોવાના કારણે અનેક માછીમારોનું અપહરણ પાકિસ્તાનની દરિયાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા થતું આવ્યું છે. જોકે બીજી તરફ ઘણા માછીમારોને પાકિસ્તાનથી છોડાવી લાવવામાં સરકાર સફળ રહી છે. હાલમાં જે માછીમારોનું અપહરણ થયું તેને લઈને પણ સરકાર સક્રિય છે. માછીમારોના પરિવારને મળી, અપહરણ થયેલા માછીમારો અને બોટો અંગે વિગતો મેળવી તેમને પાકિસ્તાનથી છોડાવી ભારત લાવવા સરકાર પ્રતિબદ્ધ છે.

રાજ્યનો દરિયા કિનારો અને તેની સુરક્ષાની વિગત
*રાજ્યમાં 1640 કિમી લાંબો દરિયા કિનારો છે.
*144 નાના મોટા ટાપુઓ આવેલા છે.
*6 માનવ વસ્તી ધરાવતા ટાપુઓ છે.
*સુરક્ષા માટે સ્પેશ્યલ મરીન ટાસ્ક કમાન્ડોના દળ છે
*સુરક્ષા માટે 22 મરીન પોલીસ સ્ટેશન છે.
*45 આઉટપોસ્ટ અને ચોકીઓ પણ આવેલી છે.
*હજુ 13 પોલીસ મથકો માટે સરકારનું આયોજન
*મરીન પોલીસ ઉપરાંત કોસ્ટગાર્ડ પણ તૈનાત છે.

દરિયા કાંઠેથી મળી આવતા ડ્રગ્સને લઈ સુરક્ષા દળો એલર્ટ છે
કોસ્ટલ સિક્યુરિટી ડીઆઈજી નિલેશ જાજડીયાએ દરિયા કાંઠેથી મળી આવતા ડ્રગ્સને લઈ જણાવ્યું હતું કે, ’જે જથ્થો કેટલાક સમયથી તબક્કા વાર મળી આવ્યો છે તે ગુજરાતના દરિયા કાંઠેથી હેરાફેરી માટે લવાયો હોય તેવું જણાયુ નથી. આ માદક પદાર્થનો જથ્થો તણાઈને ગુજરાતના કાંઠા સુધી આવ્યાનું અનુમાન છે. છતાં આ અંગે તપાસ જારી છે.’

ઉલ્લેખનીય છે કે, છેલ્લે ભુજ નજીક આવેલી સાંધી સિમેન્ટ જેટી પાસે સેખરણપીર બેટ પરથી ચરસના 3 પેકેટ મળી આવ્યા હતા. બીએસએફ, પોલીસ, કોસ્ટગાર્ડ અને ભારતીય નૌકાદળને ક્રીક અને જખૌ કાંઠેથી મે થી ઓગષ્ટ માસ સુધીમાં 1 કિલો ચરસના 1309 પેકેટ મળી આવ્યા છે. આ બાબત ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીઓ ચિંતાનો વિષય છે. તમામ પર એક સરખી પ્રિન્ટ છે અને પેકીંગ પણ લગભગ સરખું મળતું આવે છે તથા વિશેષ વાત એ છે કે આ તમામ જથ્થો જખૌ દરિયાકિનારેથી 58 કિ.મી.ની ત્રિજ્યામાં જ મળી આવ્યો છે. જેથી હવે ગુજરાતના દરિયા કિનાર પર કડક નજર રાખવામાં આવી રહી છે.

હાલ એવું અનુમાન છે કે, છેલ્લા એક વર્ષ દરમિયાન પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ કરાચી સીમામાં આંતરરાષ્ટ્રીય દરિયાઇ બોર્ડર લાઇન નજીક સમુદ્રમાં માદક પદાર્થની હેરાફેરી સામે સતત કાર્યવાહી કરી. અનેક ઓપરેશન હાથ ધર્યા. જેમાં 22,000 મિલિયનથી વધુ પાકિસ્તાની રૂપિયાની કિંમતનું 11,000 કિલોગ્રામ હેરોઈન, હાશીશ, બ્રાઉન, આઇસ, આઇસ સ્ફટિકો, સિન્થેટીક હેરોઇન અને અફીણ કબ્જે કર્યું હતું.

એવો અંદાજ છે કે પાકિસ્તાનની આ કાર્યવાહી અંતર્ગત જ્યારે દરિયામાં ડ્રગ્સ લઈ જતી નૌકાઓ પર દરોડા પાડવામાં આવતા ત્યારે કેટલાક ડ્રગ માફિયા ધરપકડથી બચવા નૌકાઓમાંથી ચરસના પેકેટ સમુદ્રમાં ફેંકી દેતા હતા. આ પેકેટ દરિયાની લહેરોમાં તણાઈ કચ્છ દરિયા કિનારે આવ્યા હોવાની શક્યતા છે. જો કે, અરબી સમુદ્ર દ્વારા પાકિસ્તાની તસ્કરો દ્વારા ડ્રગ્સના વિશાળ વેપારને કારણે ગુજરાતના દરિયાકાંઠાની સંવેદનશીલતાને નકારી શકાય નહીં. આથી તમામ સુરક્ષા એજન્સીઓને ગુજરાતના દરિયાકાંઠે અને ક્રીક વિસ્તાર પર નજર રાખવા માટે સતત એલર્ટ કરવામાં આવે છે.


Related News

Loading...
Advertisement