ગાંધીનગર : સચિવાલયની સલામતી શાખાના પીઆઈ પટેલે સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘાત કર્યો : ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કર્યાં

21 September 2020 01:17 AM
Ahmedabad Gujarat
  • ગાંધીનગર : સચિવાલયની સલામતી શાખાના પીઆઈ પટેલે સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘાત કર્યો : ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કર્યાં

સચિવાલય સંકુલમાં ગૃહવિભાગ સામેના પાર્કિંગમાં પડેલી કારમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો, આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી.

ગાંધીનગર :
પાટનગરમાં સચિવાલયની સલામતી શાખાના પીઆઈ પ્રિતેશ પટેલે સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે. સચિવાલય સંકુલમાં ગૃહવિભાગ સામેના પાર્કિંગમાં પડેલી કારમાંથી લોહી લુહાણ હાલતમાં તેમનો મૃતદેહ મળ્યો છે. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ બાયડના અને સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ બજાવતા પી.આઈ પ્રિતેશ પટેલ (ઉ.વ.41) ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને પુત્ર-પુત્રી છે. ગત રોજ પીઆઈ નોકરીએથી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. લાંબો સમય રાહ જોયા બાદ પણ પીઆઈ ઘરે પરત ન ફરતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

પોલીસે સચિવાયલમાં પહોંચી સલમાતી શાખામાં પૂછપરછ કરી હતી. જ્યાં પાર્કીંગમાં પીઆઈની કાર પડી હોવાનું જણાતા પોલીસ પાર્કિંગમાં પહોંચી હતી. જ્યાં તેમની કારનો દરવાજો ખોલતા જ પીઆઈ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. પ્રિતેશ પટેલે કારમાં જ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. ક્યા કારણોસર આ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી.

પીઆઈ ગાંધીનગરના સરગાસણથી સચિવાલય અપડાઉન કરતા

મળતી વિગત મુજબ પીઆઈ પ્રિતેશ પટેલ છેલ્લા સાતેક મહિનાથી ગાંધીનગર સ્થિત સચિવાલયની સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. તેઓ મૂળ અરવલ્લીના બાયડ ગામના વતની છે. તેમના પિતા બાયડ ખાતે તમાકુનો વેપાર કરે છે. 2008માં પોલીસ સેવામાં જોડાયા બાદ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવી. 6 મહિના પહેલા બાયડથી મકાન વેચી ગાંધીનગરના સરગાસણમાં શિફ્ટ થયા હતા, ત્યાંથી કારમાં સચિવાલય સુધી અપડાઉન કરતા હતા.

પીઆઈ પટેલના મૃતદેહને માદરે વતન બાયડમાં લવાતા અરવલ્લી પોલીસે પીઆઈ પ્રિતેશ પટેલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગાર્ડ ઓફ ઓનર બાયડ મહિલા પીઆઈ ગોહિલ ઉપસ્થિતિમાં અપાયું હતું. પીઆઈ પી.જે.પટેલની અંતિમવિધિમાં સમાજના અગ્રણીઓ અને શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. બાયડના વેપારી પરિવારના પુત્ર એવા પીઆઈએ આત્મહત્યા કરી લેતા લોકચર્ચાએ જોર પકડ્યું છે.


Related News

Loading...
Advertisement