રાજ્યના આઈબી વિભાગમાં કોરોના : 5 એસપી, રાજકોટના 1 ડીવાયએસપી અને 2 પીઆઈનો રીપોર્ટ પોઝીટીવ : સ્ટેટ કચેરીમાં બહારના વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ

20 September 2020 02:04 PM
Gujarat
  • રાજ્યના આઈબી વિભાગમાં કોરોના : 5 એસપી, રાજકોટના 1 ડીવાયએસપી અને 2 પીઆઈનો રીપોર્ટ પોઝીટીવ : સ્ટેટ કચેરીમાં બહારના વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ

ચાર એસપી હોમ આઇસોલેટ થયા, એસપી યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર પાસે આવેલી SMVP હોસ્પિટલમાં દાખલ કરાયા : સંપર્કમાં આવેલા અધિકારીઓ, કર્મચારીઓ ક્વોરન્ટાઇન થયા

રાજકોટઃ
સ્ટેટ આઈબી વિભાગ કોરોનાના સકંજામાં આવ્યો છે. આજે મળતી વિગત મુજબ આઈબીના 5 એસપી, રાજકોટ આઈબીના 1 ડીવાયએસપી અને 2 પીઆઈનો રીપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર ખાતે આવેલી આઈબીની સ્ટેટ કચેરીમાં બહારના વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. સંક્રમિત થનાર ચાર એસપી હોમ આઇસોલેટ થયા છે જ્યારે એસપી યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર પાસે આવેલી SMVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કચેરી ખાતે સંપર્કમાં આવેલા અધિકારીઓ - કર્મચારીઓ ક્વોરન્ટાઇન થયા છે.

વિગતો મળી રહી છે કે, સ્ટેટ આઈબીના આઈજી અનુપમસિંહ ગેહલોતે અઠવાડિયા અગાઉ રાજ્યના જુદા જુદા ઝોન, જિલ્લાના અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. મિટિંગના ચાર દિવસ પછી એક સાથે સ્ટેટ આઈબીના પાંચ એસપીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં પોલીસ ભવનમાં ફરજ બજાવતા એસપી રેન્કના હિમાંશુ સોલંકી, ભગીરથ ગઢવી, યુવરાજસિંહ જાડેજા, ભૂજ આઈબીના એસપી ભગીરથસિંહ જાડેજા, સુરત આઈબીના એસપી હુમેશ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય રાજકોટના ડીવાયએસપી ધાંધલ અને બે પીઆઈ પોઝિટિવ આવ્યા છે. SMVP હોસ્પિટલમાં દાખલ કરાયેલા યુવરાજસિંહ જાડેજાની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળે છે.

મિટિંગમાં જે અધિકારી કર્મચારીઓ પોઝીટીવ કેસના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે સ્ટેટ આઈબી કચેરીમાં બહારથી આવતા વ્યક્તિઓને પ્રવેશ નહીં આપવા આદેશ કરાયો છે.


Related News

Loading...
Advertisement