જીલ્લાના રસ્તા કયાંથી સારા થાય? બાંધકામનાં કામો મેળવતી એજન્સી પછી પ્રક્રિયા જ કરતી નથી

19 September 2020 07:07 PM
Rajkot
  • જીલ્લાના રસ્તા કયાંથી સારા થાય? બાંધકામનાં કામો મેળવતી એજન્સી પછી પ્રક્રિયા જ કરતી નથી

રાજકોટ જીલ્લામાં નદી-પૂરમાં 13 તણાયા: 4 ને સરકારી સહાય નહીં મળે : 8 એજન્સીને 3 દિવસની નોટીસ આપી બ્લેકલીસ્ટ કરવા કારોબારી સમિતિનો નિર્ણય

રાજકોટ તા.19
રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં બાંધકામ-રસ્તાનાં કામોની પ્રક્રિયા સમયસર થતી ન હોવાના મામલે આકરૂ વલણ અપનાવવામાં આવ્યું હતું. કોન્ટ્રાકટર એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી.જીલ્લા પંચાયતની કારોબારી સમિતિનાં ચેરમેન કે.પી.પાદરીયાએ બેઠક બાદ જણાવ્યું હતું કે ભારે વરસાદમાં જીલ્લાનાં ત્રીજા ભાગનાં રસ્તાનું ધોવાણ થયુ છે. અનેક ભાંગી ગયા છે. રસ્તા સહીતનાં બાંધકામનાં કામો સમયસર થતા નથી. આ મામલે કાર્યપાલક ઈજનેરને પુછાણ કરાયું હતું. રસ્તા કે બાંધકામનું ટેન્ડર મંજુર થયા બાદ સંબંધીત એજન્સીએ ડીપોઝીટ ભરીને વર્કઓર્ડર લેવાના હોય છે. પરંતુ અનેક એજન્સીઓ આ પ્રકારની પ્રક્રિયામાં જ વિલંબ કરતી હોવાનું માલુમ પડયુ હતુ. અ બાબતને ગંભીર ગણવામાં આવી હતી 8 એજન્સીઓના ટેન્ડર મંજુર થયાને મહિનાઓ થઈ ગયા હોવા છતાં ડીપોઝીટ ભરવાની કે વર્કઓર્ડર મેળવવાની કાર્યવાહી કરી ન હોવાનું માલુમ પડયુ હતું ત્યારે આ આઠેય એજન્સીઓને ત્રણ દિવસની ટુંકી નોટીસ આપવાનું અને તેમાં પ્રક્રિયા ન થાય તો બ્લેક લીસ્ટમાં મુકી દેવાનું નકકી કરવામાં આવ્યુ હતું. રાજકોટ જીલ્લામાં ભારે વરસાદ-પુરમાં તણાઈ જવાનાં બનાવોમાં સહાયના મુદ્દે એવુ બહાર આવ્યું હતું કે 17 લોકોના તણાય કે ડુબી જવાથી મોત થયા હતા. 13 લોકોના પરિવારજનોને 4-4 લાખની સરકારી સહાય ચુકવાય છે. ચાર કિસ્સામાં ભોગ બનનાર વ્યકિત પ્રતિબંધીત નદી-તળાવમાં નહાવા પડયા હતા અને ડુબી ગયા હતા એટલે તેઓને સહાય ચુકવવાની થતી નથી. આ ઉપરાંત ગોંડલ તાલુકાનાં બાંધા ગામનાં ઉપસરપંચને ગ્રામ પંચાયતે સસ્પેન્ડ કર્યા હતા તે ઠરાવ રદ કરીને ઉપ સરપંચને નવેસરથી સાંભળીને ઠરાવ કરવાનું નકકી કરાયું હતું.


Related News

Loading...
Advertisement