રાજ્યના મહાનગરોમાં માત્ર રાજકોટ કોર્પો.નું ડેશબોર્ડ બંધ

19 September 2020 05:28 PM
Rajkot Saurashtra
  • રાજ્યના મહાનગરોમાં માત્ર રાજકોટ કોર્પો.નું ડેશબોર્ડ બંધ

અમદાવાદના લોકો ઓનલાઇન સ્ટેટસ જોઇ શકે છે

રાજકોટ, તા. 19
કોરોના સંક્રમણ ખતરનાક તબકકે પહોંચી ગયુ છે ત્યારે રાજ્યની જુદી જુદી મહાપાલિકાઓ દ્વારા ઓનલાઇન મુકવામાં આવતી માહિતી લોકોને અપડેટ રહેવા માટે ઉપયોગી બને છે. પરંતુ મુખ્ય ચાર મહાનગરો પૈકી માત્ર રાજકોટમાં જ આ ડેશબોર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે.

રાજકોટમાં કોરોનાના કેસ હજુ વઘ્યા ન હતા અને સ્થિતિ ચિંતાજનક ન હતી ત્યાં સુધી વેબસાઇટના ડેશબોર્ડમાં રોજેરોજના કેસ, ટેસ્ટીંગ, મૃત્યુ, વિસ્તારો, રીકવર દર્દીઓની સત્તાવાર માહિતી મુકવામાં આવતી હતી. પરંતુ એકાએક આ ડેશબોર્ડ ‘ક્રેશ’ કરી નાખવામાં આવ્યું હતું જે હજુ સુધી ચાલુ કરાયું નથી. કારણ કે કોરોના દર્દીઓના અકલ્પનીય આંકડા તંત્ર વેબસાઇટ પર મુકવા માંગતુ ન હોય તેવી છાપ છે.

બીજી તરફ અમદાવાદ સહિતના કોર્પોરેશનમાં રોજેરોજ સવારે 11 કલાકે કોવિડ-19 બુલેટીન અપડેટ કરવામાં આવે છે. ગઇકાલની સ્થિતિએ અમદાવાદમાં પોઝીટીવ કેસ કુલ 3ર259, એકટીવ કેસ 3528, સ્વસ્થ દર્દીઓ 27001 અને 1730નો મૃત્યુઆંક દર્શાવવામાં આવે છે. કોવિડ પોકેટ રેફરન્સ બુક અને કોવિડ કો-ઓર્ડિનેટર માટે રેફરન્સ ગાઇડ પણ વેબસાઇટમાં અવેલેબલ છે. અન્ય કોર્પોરેશન પણ આ માહિતી અપડેટ કરીને લોકો માટે મુકે છે.

પરંતુ રાજકોટ મહાપાલિકાએ લાંબા સમય પૂર્વે આ ડેશબોર્ડ મેન્ટેનન્સના નામે બંધ કરી દીધું હોય લોકોને સત્તાવાર માહિતી મનપાના પેઇજ પર મળતી નથી. એટલે કે રાજકોટ કોર્પોરેશન ગમે તે કારણે લોકો માટે જાહેરમાં આ માહિતી મુકવામાં ખચકાટ અનુભવતુ હોય તેવું લાગી રહ્યું છે.


Related News

Loading...
Advertisement