ભારતમાં 60 ટકા બાળકોને હજુ પણ ચાલીને જ શાળાએ જવું પડે છે

19 September 2020 05:27 PM
India
  • ભારતમાં 60 ટકા બાળકોને હજુ પણ ચાલીને જ શાળાએ જવું પડે છે

12.4 ટકા વિદ્યાર્થીઓ જાહેર વાહન વ્યવહાર તથા 11.3 ટકા વિદ્યાર્થીઓ સાયકલનો ઉપયોગ કરે છે; એનએસઓના અહેવાલમાં થયો ઘટસ્ફોટ

નવી દિલ્હી તા.19
ભારતમાં પ્રાથમીક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં 60 ટકા વિદ્યાર્થીઓએ પગપાળા શાળાએ જવું પડે છે. ગ્રામીણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ શાળાએ પગપાળા જાય છે. એકંદરે 57.9 ટકા છોકરાઓ અને 62 ટકા છોકરીઓ શાળાએ પગપાળા જાય છે. આ સિવાય 12.4 ટકા વિદ્યાર્થીઓ જાહેર વાહન વ્યવહાર તથા 11.3 ટકા વિદ્યાર્થીઓ સાયકલનો ઉપયોગ કરે છે. આ માહિતી શિક્ષણ પર કરાયેલા નેશનલ સ્ટેટસ્ટીકલ ઓર્ગેનાઈઝેશન (એનએસઓ)નાં અહેવાલમાં સામે આવી છે.

આ અહેવાલ અનુસાર, પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં દર 4 વિદ્યાર્થીએ 3 વિદ્યાર્થી ચાલીને શાળાએ જાય છે. જયારે ઉચ્ચ માધ્યમિક શાળામાં આ આંકડો ઘણો ઓછો છે. ઉચ્ચ માધ્યમિકમાં શાળામાં 1/4 વિદ્યાર્થીઓ સાયકલનો ઉપયોગ કરે છે. ઘરથી શાળા સુધીનાં અંતરની વાત કરવામાં આવે તો 77 ટકા લોકોનાં ઘરથી પ્રિ-પ્રાઈમરી શાળા 2 કિલોમીટરનાં અંતરે આવેલી છે.

જયારે 83.4 ટકા લોકોના ઘરથી પ્રાથમીક શાળા 2 કી.મી.ના અંતરે આવેલી છે. આવા મહતમ વિદ્યાર્થીઓ શાળાએ પગપાળા જતાં હોય છે. ગ્રામ્યના 61.4 ટકા વિદ્યાર્થીઓ ચાલીને શાળાએ જાય છે જયારે શહેરી વિસ્તારમાં આ આંકડો 49.4 ટકાનો છે. જયારે ગ્રામ્યની 66.5 ટકા વિદ્યાર્થીનીઓ પગપાળા શાળાએ જાય છે તો શહેરી વિસ્તારમાં આ આંકડો 50.8 ટકાનો છે.

જાહેર વાહન વ્યવહારમાં ટેકસીનો નહીં બસ, ટ્રામ, ટ્રેન, મેટ્રો ટ્રેન અને ફેરીનો વપરાશ થાય છે. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં સાયકલનો વપરાશ વધુ હોય છે.

‘હાઉસહોલ્ડ સોશ્યલ ક્નઝપ્શન એજયુકેશન’ના અહેવાલમાં જૂલાઈ 2017 અને જૂન 2018 દરમિયાન 8000 કરતાં વધુ ગામડાઓ અને 6000 કરતાં વધુ શહેરોના 1.13 લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યે હતો. જેમાં કુલ 1.52 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

સર્વેમાં એવું પણ જોવા મળ્યું કે, અભ્યાસનું ધોરણ વદે તેમ ઘરથી શાળાનું અંતર વધતુ જાય છે. જેમકે, 70.4 ટકા લોકોના ઘરથી માધ્યમિક શાળા 1 કિલોમીટરના અંતરે આવેલી છે જયારે 36.2 ટકા લોકોના ઘરથી ઉચ્ચ માધ્યમિક શાળા 1 કી.મી.ના અંતરે આવેલી છે.

કોરોનાની માર; દેશભરમાં 1,000 શાળાઓ વેચાણ માટે તૈયાર
કોરોનાની મહામારીને કારણે બંધ રહેલી શાળાઓ પર ઘાતક અસર પડી છે. પરિણામે સમગ્ર દેશમાં 1,000 કરતાં વધુ શાળાઓ વેચાણ માટે તૈયાર છે. આગામી 2-3 વર્ષમાં તેના વેચાણ થકી 7,500 કરોડ રૂપિયાની આવક થાય તેવી શકયતા છે.

એજયુકેશન ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરની અગ્રણી કંપની સેરેસ્ટ્રી વેન્ચર તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, વેચાણ માટે મૂકવામાં આવેલી મહતમ શાળાની વાર્ષિક ફી 50,000 રૂપિયા છે. ભારતમાં 80 ટકા વિદ્યાર્થીઓ આ ફીના સ્લેબમાં જ અભ્યાસ કરે છે.

સેરેસ્ટ્રામાં પાર્ટનર વિશાલ ગોયલે જણાવ્યું કે, ‘અનેક રાજય સરકારોએ ફી વસુલીની સીમા નિર્ધારિત કરી દીધી છે. જયારે શિક્ષકોને સેલરી સહીત અન્ય ખર્ચાઓ થઈ રહ્યા છે. જેને પગલે ખાનગી શાળાની હાલત ખરાબ થઈ ગઈ છે. પરિણામે મોટી શાળાઓને સ્ટાફનો પગાર 70 ટકા ઘટાડવો પડયો છે.
આ ઉપરાંત ભવિષ્યમાં શું પરિસ્થિતિ હશે તેમાં પણ અસમંજસ હોવાથી શાળામાં ફંડ મળવાની શકયતા પણ નહીવત છે.’

ગોયલની 30-40 શાળાઓ છે જેમાં કેજીથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળાઓમાં 1,400 કરોડ રૂપિયાના રોકાણની જરૂરિયાત છે.યુરોકિડસ ઈન્ટરનેશનલની સમગ્ર દેશમાં 30થી વધુ શાળાઓ છે જે પણ હવે શૈક્ષણિક વ્યવસાયને અલવિદા કહેવાની તૈયારીમાં છે.


Related News

Loading...
Advertisement