રાહત: આવતા સપ્તાહમાં માત્ર ઝાપટા-હળવો વરસાદ શકય

19 September 2020 04:13 PM
Rajkot Gujarat Saurashtra
  • રાહત: આવતા સપ્તાહમાં માત્ર ઝાપટા-હળવો વરસાદ શકય

બંગાળની ખાડીમાં લો-પ્રેસર તથા ગોવા નજીક શીપર ઝોનથી મહારાષ્ટ્રમાં વરસાદ શકય : જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં બે-ચાર ઈંચ નોંધપાત્ર વરસાદ શકય: સૌરાષ્ટ્રમાં 40 ટકા ભાગોમાં દોઢ ઈંચ સુધી અને 60 ટકામાં માંડ અર્ધા ઈંચ સુધીનાં વરસાદની સંભાવના

રાજકોટ તા.19
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હળવા-ભારે વરસાદના છુટાછવાયા રાઉન્ડ વચ્ચે હવે નવા સપ્તાહમાં રાહત રહેવાની શકયતા છે.આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં માત્ર છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ જ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે ચોમાસું ધરી થોડા દિવસોથી હિમાલયન તળેટી તથા આસામ બાજુ હતી. પશ્ચીમી છેડો હજુ હિમાલયન તળેટીમાં જ છે પરંતુ પૂર્વ છેડો નોર્મલ સ્તરે આવી ગયો છે. જે બરેલી-અંબીકાપુર-ચંદબારી થઈને મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે.

આ સિવાય એક પૂર્વ પશ્ચીમી-શિખર ઝોન છે જે 3.1 કી.મી.થી 7.6 કીલોમીટરની ઉંચાઈએ 16 ડીગ્રી ઉતરથી પસાર થાય છે.અર્થાત ગોવાથી 100 કિલોમીટર દુર મહારાષ્ટ્ર-છતીસગઢથી પસાર થાય છે. બંગાળની ખાડીના મોટા વિસ્તારમાં પ્રેસર નીચુ થયાનું સુચક છે. દક્ષિણ ચીન દરીયા તરફનું નોઉલ વાવાઝોડૂ જમીન પર પ્રવેશવા સાથે નબળુ પડી ગયુ છે. તેના અવશેષો થાઈલેન્ડ, મ્યાંનમાર પરથી પસાર થઈને બંગાળની ખાડીમાં પ્રવેશી રહ્યા છે. તેના પ્રભાવ હેઠળ બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાવાની શકયતા છે તે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પહોંચી શકે છે.

19 થી 25 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે મોટાભાગે સામાન્ય ઝાપટાથી માંડીને બે ઈંચ સુધીનો અને અમુક સીમીત વિસ્તારોમાં ચાર ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે. ઝોનવાઈઝ આગાહી કરવામાં આવે તો દ.ગુજરાતમાં આગાહીનાં સમયગાળામાં કુલ દોઢથી બે ઈંચ વરસાદ થવાની શકયતા છે. અમુક સીમીત વિસ્તારમાં ચાર ઈંચ સુધીનો વરસાદ શકય છે.
ધ્ય ગુજરાતમાં અર્ધોથી દોઢ ઈંચ વરસાદ શકય છે. ઉતર ગુજરાતમાં ઝાપટાથી માંડીને એક ઈંચ વરસાદ થઈ શકે છે. કચ્છમાં પણ મોટાભાગે ઝાપટા પડવાની શકયતા હોવા છતાં અનિશ્ચીતતા રહેવાના સંકેત છે.

સૌરાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી 40 ટકા ભાગોમાં અર્ધોથી દોઢ ઈંચ વરસાદની શકયતા છે. અમુક સીમીત ભાગોમાં અઢી ઈંચ વરસાદ થઈ શકે છે. 60 ટકા ભાગોમાં માત્ર ઝાપટાથી માંડીને અર્ધા ઈંચ જેટલો વરસાદ થવાની શકયતા છે.


Related News

Loading...
Advertisement