સટ્ટાબજારમાં મંદી, ‘રમતીયાળ’ પંટર-બુકી અડધોઅડધ ઘટી ગયા

19 September 2020 03:54 PM
Rajkot Gujarat
  • સટ્ટાબજારમાં મંદી, ‘રમતીયાળ’ પંટર-બુકી અડધોઅડધ ઘટી ગયા

પૈસા હોય તો સટ્ટો રમીએ’ને-પંટર, ભલે ઓછા કમાઈયે પણ ‘શ્યોર’ પંટર સાથે જ રમશું-બુકી: અન્ય વ્યવસાયની જેમ સટ્ટાના કાળા કારોબારને પણ લોકડાઉનની અસર: અબજો રૂપિયાનો સટ્ટો ખેલી નાખતાં સૌરાષ્ટ્ર-રાજકોટના પંટરો આ વખતે ‘ફૂંકી ફૂંકીને રમવાના’ મૂડમાં: આ વખતના આઈપીએલમાં રાજકોટના માંડ 50 જેટલા બુકીઓ રહેશે ‘ઓનલાઈન’

રાજકોટ, તા.18
આજથી ક્રિકેટરસિકો માટે ‘કાર્નિવલ’ ગણાતી આઈપીએલની 13મી સીઝનનો પ્રારંભ થઈ રહ્યો છે સાથે સાથે આજથી બાવન દિવસ સુધી સટ્ટાબજારની દુકાન પણ શરૂ થઈ જવાની છે. જો કે અન્ય વ્યવસાયની જેમ સટ્ટાના આ કાળા કારોબારને પણ લોકડાઉનની અસર થઈ હોય તેવી રીતે અહીં પણ મંદીનો માહોલ છવાઈ ગયો છે જેના કારણે ‘રમતીયાળ’ મતલબ કે રેગ્યુલર સટ્ટો રમતાં-રમાડતાં પંટરો અને બુકીઓની સંખ્યા અડધોઅડધ થઈ જવા પામી છે. દર વખતના આઈપીએલમાં અબજો રૂપિયાનો સટ્ટો ખેલી નાખતાં સૌરાષ્ટ્ર-રાજકોટના પંટરો આ વખતે ‘ફૂંકી ફૂંકીને રમવાના’ મૂડમાં હોય તેવી રીતે તેલ જોયા બાદ તેલની ધાર પણ જોઈ રહ્યા છે. દર વખતે મોટી સંખ્યામાં ‘ઓનલાઈન’ થતાં બુકીઓની સંખ્યા આ વખતે માંડ 50 જેટલી રહી જવા પામી છે.

બુકીબજારમાં ચર્ચાતી ગરમાગરમ ચર્ચા મુજબ અત્યાર સુધીના આઈપીએલમાં બુકીઓ ગમે તે પંટર હોય તેને આઈડી અથવા લાઈનનો નંબર આપી દેતાં હતા પરંતુ આ વર્ષે સ્થિતિ અત્યંત વિપરીત હોવાથી પૈસા ચૂકવી જ દેશે તેવી જવાબદારી લઈ ‘વચ્ચે’ રહેનાર વ્યક્તિના કહેવાથી જ આઈડી અને લાઈનનો નંબર આપવામાં આવી રહ્યો છે. ગત વર્ષે રાજકોટમાં દરેક મેચ પર સટ્ટો ખેલનારા પંટરની સંખ્યા અઢીથી ત્રણ લાખ જેટલી હતી પરંતુ આ વખતે તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ જવા પામ્યો છે.

આ ઉપરાંત બુકીઓ પણ ‘સાવચેત’ બનીને પહેલાંથી જ ડિપોઝીટ લઈને આઈડી-લાઈન આપતાં હોવાથી રોકડના અભાવે અનેક પંટરોએ સટ્ટો રમવાનું ટાળ્યું છે. બુકીઓને હવે એવો ભય સતાવવા લાગ્યો છે કે જીતી જનારા પંટરો પૈસા તો લઈ જશે પરંતુ જો તે પંટર હારી જશે તો પૈસા નહીં આપે ! સામાન્ય રીતે આઈડી પર રમાતાં જુગારની એક આઈડી પાંચ હજારથી લઈ પાંચ કરોડ સુધીની હોય છે પરંતુ આ વખતે નાની-નાની રકમની જ આઈડી લેવામાં આવતી હોવાથી ધંધો ઘણો નાનો થઈ ગયો છે.

એક પંટરે જણાવ્યું કે હું દર વર્ષે આઈપીએલમાં બેથી ત્રણ લાખ રૂપિયાનો સટ્ટો રમું છું પરંતુ આ વખતે મારી પાસે એટલા રૂપિયા ન હોવાથી સટ્ટો નહીં રમું. જ્યારે એક બુકીએ જણાવ્યું કે અમે લોકો ભલે ઓછું કમાઈએ પરંતુ ‘શ્યોર’ પંટર હશે તેની સાથે જ સટ્ટો રમવા માગીએ છીએ. આમ પંટરને તે હારી જશે તો પૈસા ક્યાંથી ચૂકવવા તેનો ડર અને બુકીઓને તે જીતી જશે તો પૈસા કેવી રીતે આવશે તેનો ભય સતાવી રહ્યાનું પ્રથમ મેચથી જ દેખાઈ રહ્યું છે.

‘પહેલાં ડિપોઝિટ પછી જ વાત’ને અપાતું મહત્ત્વ
આ વખતે બુકીઓએ દરેક પંટરને સ્પષ્ટપણે કહી દીધું છે કે જો તેણે સટ્ટો રમવો હશે તો પહેલાં ડિપોઝિટ ચૂકવવી પડશે. આ પછી જ તેને આઈડી અથવા ફોન નંબરની સટ્ટાની લાઈન આપવામાં આવશે. અત્યાર સુધી ‘વિશ્ર્વાસ’ પર બધું ચાલતું હતું પરંતુ આ વખતના માહોલને ધ્યાનમાં રાખી બુકીઓને આવું કરવું પોષાય તેમ નથી.

આજના મેચમાં જીતવા માટે મુંબઈ ફેવરિટ: ભાવ, 80 પૈસા
આજે અબુધાબી સ્ટેડિયમમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે આઈપીએલ-13નો પ્રથમ મુકાબલો રમાવાનો છે ત્યારે બપોરે 12 વાગ્યાથી જ બુકીબજારમાં જીતવા માટે મુંબઈને ફેવરિટ ગણવામાં આવી રહી છે અને આ આધારે તેનો ભાવ 80 પૈસા ખોલવામાં આવ્યો છે. જો કે રેગ્યુલર સટ્ટો રમતાં પંટરોએ અત્યારથી જ મુંબઈની હાર અને જીત ઉપર પૈસા લગાવી દીધા છે. આ ઉપરાંત રનફેર, વિકેટ, ટોસ સહિત ઉપર પણ હાર-જીતની રકમ મોટાપાયે લાગશે.

પંટરોમાં ‘થોભો અને રાહ જુઓ’નો તાલ
દર વર્ષે આઈપીએલમાં પંટરો પ્રથમ મેચથી જ નસીબ અજમાવવા માટે મેદાનમાં આવી જતાં હોય છે પરંતુ આ વખતની સ્થિતિ અત્યંત અલગ હોવાથી ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવવામાં આવી રહી છે. પંટરો જણાવી રહ્યા છે કે યુએઈમાં ટૂર્નામેન્ટ રમાતી હોવાથી અમે પ્રારંભના 10 મેચ જોશું અને ત્યારપછી જ સટ્ટો રમશું કેમ કે કઈ ટીમમાં કયો ખેલાડી છે તે જાણવા માટે દરેક ટીમનો એક-એક મેચ જોવો જરૂરી બની જાય છે.

ફાર્મહાઉસ, હોટેલ્સ સહિતનું બુકિંગ શરૂ
પોલીસની નજરથી બચવા માટે બુકીઓ મુખ્યત્વે શહેરની બહાર આવેલા ફાર્મહાઉસ, હોટેલ્સ સહિતના સ્થળો ઉપર પસંદગી ઉતારતાં હોવાથી આ વર્ષે પણ ઉપરોક્ત સ્થળોનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને બાવન દિવસ માટે બુકીઓ દ્વારા ભાડા પેટે તગડી રકમ પણ ચૂકવવામાં આવી રહી છે.

દુબઈથી વાયા મુંબઈ-રાજસ્થાન-અમદાવાદ સહિતથી આવે છે ‘લાઈન’
એક બુકીએ જણાવ્યું હતું કે સટ્ટા નેટવર્કનું વડુંમથક દુબઈ છે અને દુબઈથી જ મુંબઈ, રાજસ્થાન, અમદાવાદ સહિતના શહેરોમાંથી લાઈન આવે છે. આ માટે બુકીએ ‘ઉપર’ મોટી સંખ્યામાં રકમ ચૂકવવી પડે છે. આ ઉપરાંત પંટરનો સોદો મુખ્ય લાઈનમાં કપાવી નાખ્યા બાદ જો તે પંટર બુકીને પૈસા ન ચૂકવે તો બુકીએ તે નુકસાની સહન કરવી પડે છે એટલા માટે જ આ વર્ષે ડિપોઝિટ ઉપર વધુ ભાર મુકાઈ રહ્યો છે.

‘જવાબદારી’ લેનાર ‘વચેટિયો’ કહે તો જ પંટરને મળશે આઈડી-લાઈન
મંદીને કારણે બુકીઓ પણ સાવચેત બની ગયા છે અને આ વખતે ગમે તે પંટરને આઈડી-લાઈન આપવાની જગ્યાએ તે પંટરની ‘જવાબદારી’ લેનાર ‘વચેટિયો’ કહે તેને જ આઈડી અને લાઈન આપવામાં આવશે. એકંદરે જીતીને પૈસા લઈ જનારા અને હારીને હાથ ઉંચા કરી દેનારા પંટરોને આ વખતે સટ્ટો ખેલવા મળવાનો નથી.


Related News

Loading...
Advertisement