સુશાંત કેસમાં ખુલશે મહત્વના ભેદ: SITએ CBIના ઉચ્ચ અધિકારી સમક્ષ ખોલ્યું તપાસનું પોટલું

19 September 2020 11:44 AM
Entertainment India
  • સુશાંત કેસમાં ખુલશે મહત્વના ભેદ: SITએ CBIના ઉચ્ચ અધિકારી સમક્ષ ખોલ્યું તપાસનું પોટલું

સીબીઆઈની વિશેષ ટુકડી મુંબઈથી દિલ્હી પરત ફરી: સુશાંતના વિસેરા રિપોર્ટની જોવાતી રાહત

નવીદિલ્હી, તા.18
અભિનેતા સુશાંતસિહ રાજપૂતના રહસ્યમય પરિસ્થિતિઓમાં થયેલા મોતની તપાસમાં લાગેલી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)એ મુંબઈથી દિલ્હી પરત ફર્યા બાદ સીબીઆઈના ઉચ્ચ અધિકારીઓને આ મામલે કરેલી તપાસની વિસ્તૃત જાણકારી આપી હતી.

તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની આ ટીમે પાછલા એક મહિનામાં મુંબઈમાં સુશાંતસિંહ રાજપૂતના મોત મામલાની તપાસ દરમિયાન સંબંધિત અનેક લોકોના નિવેદન નોંધ્યા હતા અને ઘટનાસ્થળે તેની કથિત આત્મહત્યાના સીનને બીજી વખત રિ-ક્રિએટ કરીને કેસની વાસ્તવિકતાને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. સીબીઆઈના એસપી નુપુરપ્રસાદ અને ડીએસપી અનિલ યાદવે સીબીઆઈના હેડક્વાર્ટર પર વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ અધિકારીઓને કેસમાં શું શું તપાસ કરવામાં આવી છે તેની જાણકારી આપી છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઈની ટીમે મુંબઈ જતાં પહેલાં સુશાંતની મોટી બહેન રાનીસિંહ અને પિતાનું નિવેદન નોંધ્યું હતું. સીબીઆઈની ટીમ પ્રસાદના નેતૃત્વમાં મુંબઈ ગઈ હતી. આ ટીમે સેન્ટ્રલ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના લોકો પણ સામેલ હતા. સુશાંતના કેસમાં સીબીઆઈએ કેન્દ્ર સરકારના આદેશ પર 6 ઓગસ્ટે કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ આ તપાસ પોતાના હાથમાં બિહાર સરકાર દ્વારા નોંધવામાં આવેલા કેસના આધારે શરૂ કરી હતી. આ ફરિયાદ સુશાંતના પિતા કે.કે.સિંહ દ્વારા બિહાર પોલીસ સમક્ષ નોંધાવવામાં આવી હતી.

બીજી બાજુ ડો.સુધીર ગુપ્તાની આગેવાનીમાં એઈમ્સના ફોરેન્સીક વિભાગની ટીમ સુશાંતના વિસેરાની તપાસ કરી રહી છે. જાણકારોની માનીએ તો સુશાંત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની આગળની કાર્યવાહી અત્યારે આ વિસેરા રિપોર્ટ પર જ ટકેલી છે. આ રિપોર્ટ ઘણે ખરે અંશે તપાસની દિશા પણ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે માત્ર 20 ટકા વિસેરા સાથે એઈમ્સની ફોરેન્સીક ટીમ તપાસ કરી રહી છે જ્યારે 80 ટકા વિસેરા મુંબઈ પોલીસે પોતાની તપાસમાં ઉપયોગમાં લીધું હતું.


Related News

Loading...
Advertisement