ડોલી કિટ્ટી ઔર વો ‘ગંદી બાત’!

19 September 2020 10:40 AM
Entertainment
  • ડોલી કિટ્ટી ઔર વો ‘ગંદી બાત’!
  • ડોલી કિટ્ટી ઔર વો ‘ગંદી બાત’!

ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવ દિગ્દર્શિત ફિલ્મ ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ યાદ છે? અવોર્ડ સર્કિટમાં પુષ્કળ ખિતાબો મેળવ્યા પછી પણ તેને ડિસ્ટ્રિબ્યુટર નહોતાં મળી રહ્યા. છેવટે એકતા કપૂરના બાલાજી પ્રોડક્શન દ્વારા તેને ભારતભરના થિયેટર્સમાં રીલિઝ કરવામાં આવી. ચાર એવી સ્ત્રીઓની વાત, જે સ્વ, અસ્તિત્વ અને સ્ત્રીત્વની શોધમાં છે. ગ્રેટ ફિલ્મ. 2016ની સાલમાં એનો રિવ્યુ લખ્યો ત્યારે એ લેખનું શીર્ષક હતું, ‘યે લિપસ્ટિક નહીં, શોલા હૈ બાબુમોશાય!’ ભારતીય પ્રેક્ષકોને પણ ફિલ્મનો માંહ્યલો એટલો પસંદ પડ્યો હતો કે રૂપિયા 6 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ બોક્સ-ઑફિસ પર 26 કરોડ કમાઈ ગઈ.

નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ફિલ્મ ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ માટે આટલી લાંબી પ્રસ્તાવના બાંધવાની શું જરૂરિયાત હતી, એવો પ્રશ્ન થાય એ પહેલાં જણાવી દઉં કે અલંકૃતા અને એકતાની જોડીએ આ વખતે ફરી ડિરેક્ટર-રાઇટર-પ્રોડ્યુસર તરીકે સાથે મળીને કામ કર્યુ છે.

વાર્તા સાદી અને જલેબી જેવી સીધી છે! દરભંગાથી પોતાની બહેન ડોલી (કોંકણા સેન શર્મા) સાથે રહેવા માટે ગ્રેટર નોઇડા આવેલી કાજલ ઉર્ફે કિટ્ટી (ભૂમિ પેડણેકર) પોતાનું ગુજરાન ચલાવવા માટે કોલ-સેન્ટરમાં નોકરી શરૂ કરે છે. ડોલી અને કિટ્ટીની જિંદગીમાં એક-એક પુરૂષ આવે છે. શુષ્ક લાગવા માંડેલા રોજબરોજના ક્રમમાં નવીનતા આવે છે અને પ્રેમનો પગરવ સંભળાય છે.

અલંકૃતા સ્ત્રીકેન્દ્રી વિષયો પર ફિલ્મો બનાવે છે. વાર્તાના હાર્દને અતિશય બોલ્ડ અંદાજમાં પીરસવામાં તે માહેર છે. પતિ સાથે સેક્સ એન્જોય ન કરી શકતી ડોલી અને પુરૂષોના સ્પર્શથી ગભરાતી કિટ્ટી જેવી મહિલાઓ આજના સમાજનું દર્પણ છે. ભારતના નાનામાં નાના ગામડાંથી શરૂ કરીને મેટ્રો પોલિટન શહેરોની ઘણી ખરી સ્ત્રીઓની છુપી અનુભૂતિ અને અવ્યક્ત તમન્નાનું કોકટેલ છે, ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે! શરૂઆતની પાંચ મિનિટમાં હોન્ટેડ હાઉસનો એક સીન દર્શાવાયો છે, જેમાં કિટ્ટી પોતાની બહેન ડોલીને કહે છે કે, ‘જીજાજી મને ખરાબ નજરોથી જુએ છે.’ ડોલી આ હકીકતથી વાકેફ હોવા છતાં કિટ્ટીને હસવામાં કાઢી નાંખે એ દ્રશ્ય સ્ત્રીમનના ખૂણે ધરબાયેલી સંવેદના, પીડા, અસંતોષ અને છેતરાયાની ભાવના વ્યક્ત કરે છે. અલંકૃતા શ્રીવાસ્તવ મૌન આલાપ ધરાવતી ડિરેક્ટર છે. માનવ સંબંધોને કેમેરા સામે બને એટલા ઓછા સંવાદ સાથે પ્રસ્તુત કરવાની અદભૂત કળા તેની પાસે છે. આખી ફિલ્મમાં એવી આહ્લાદક રેતી જેવી ઝીણી ઝીણી મોમેન્ટ્સ છે, જે ખતમ થયા પછી ખાલીપો વર્તાય છે. અલંકૃતાએ ફરી સાબિત કર્યુ છે કે, સ્ત્રીનું અસ્તિત્વ ફક્ત બે પગની વચ્ચેથી જ નથી પરખાતું!

વિક્રાંત મેસ્સી, કરણ કુંદરા, અમોલ પરાશર, આમિર બશિર, કુબરા સૈયત સહિતના કલાકારોના પર્ફોમન્સ બાબતે કંઈ કહેવાપણું નથી. આ નામો પોતાની આવડતને સિદ્ધ કરી ચૂક્યા છે. મને સૌથી મોટો વાંધો ફિલ્મના રાઇટિંગ સામે છે. પ્રોમિસિંગ પ્લોટ સાથે શરૂ થયેલી ફિલ્મ હળવેકથી બે ફાંટામાં ફંટાઈને લાંબી લાગવા માંડે છે. બે વાર્તાઓ અને એમની અલાયદી દુનિયા એક પોઇન્ટ પર સાવ અજાણી લાગવા માંડે છે. બીજો ભયાનક ત્રાસ છે, વલ્ગર સીનનો! (જોકે, એકતા કપૂરની હાજરી જ્યાં હોય ત્યાં આ પ્રકારની પીડા પ્રેક્ષકે ન ભોગવવી પડે તો જ નવાઈ!) દર પાંચમી મિનિટે શર્ટ કાઢતાં પુરૂષો અને રેડલાઇટ એરિયામાં ચાલતી વૈશ્યાવૃત્તિ પ્રકારના બિનજરૂરી દ્રશ્યોએ ફિલ્મના અંતરાત્માને દબાવી દીધો છે. સપોર્ટિવ એલિમેન્ટ તરીકે જ્યાં સુધી તેનો ઉપયોગ કરવામાં આવે ત્યાં સુધી ઠીક, બાકી અતિની કોઈ ગતિ નથી. ઘણી વખત એવું મહેસૂસ થઈ શકે કે, એકતા કપૂર પોતાની વાહિયાત વેબસીરિઝ ‘ગંદી બાત’ને ફીચર-ફિલ્મ ફોર્મેટમાં દર્શાવી રહી હોય. અમુક ગણ્યા-ગાંઠ્યા દ્રશ્યોને બાદ કરતા આખી ફિલ્મમાં સેક્સ ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યું છે.

અને એક બહુ જ જરૂરી વાત. ફિલ્મમાં પોલિટિકલ ટેક્સચર ઉમેરવાનો પણ પ્રયાસ થયો છે પરાણે, બળજબરીપૂર્વક! આ ફિલ્મને કારણે નેટફ્લિક્સ ફરી વખત હિંદુ ધર્મને ખરાબ ચીતરવાના આરોપોથી ઘેરાય એવી પૂરી શક્યતા છે.

કેમ જોવી? :
સ્ત્રી સંવેદન ઝીલી શકતાં હો તો!
કેમ ન જોવી? :
અધધ મસાલા કે થ્રિલર કોન્ટેન્ટ જોવાના ભ્રમમાં જીવતાં હોય તો!

: ક્લાયમેક્સ:
મને એ વાતનો ભારોભાર અફસોસ છે કે જે દિવસે નેટફ્લિક્સ પર ‘મસાબા મસાબા’ વેબસીરિઝ રીલિઝ થઈ, એ અઠવાડિયે હું તેનો રિવ્યુ ન આપી શક્યો. પણ સાહેબ, અગર તમે આ વાંચી રહ્યા છો તો આંધળો વિશ્ર્વાસ મૂકીને ‘મસાબા મસાબા’ જોઈ નાંખો. ભારતીય ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા અને તેની મમ્મી અર્થાત ‘ધ’ નીના ગુપ્તાની રિયલ લાઇફ સ્ટોરી પરથી બનેલી છ એપિસોડની વેબસીરિઝ બિન્જ વોચ કોન્ટેન્ટ છે.

: સાંજસ્ટાર:
બે ચોકલેટ

THIS WEEK on OTT
(1) નેટફ્લિક્સ : ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે, ધ ડેવિલ ઑલ ધ ટાઇમ, અનામિકા, રેચ્ડ
(2) ઝી ફાઇવ : લંડન કોન્ફિડેન્શિયલ
(3) એમેઝોન પ્રાઇમ વીડિયો : ટાઇમ એન્ના બોસ!?
(4) ડિઝની પ્લસ હોટસ્ટાર : વન્સ અપોન અ ટાઇમ
(5) સોની લિવ : ડાર્ક વોટર્સ

NEXT WEEK on OTT
(1) વૂટ સિલેક્ટ : ક્રેકડાઉન
(2) નેટફ્લિક્સ : એનોલા હોમ્સ
bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement