ટ્રેન ટિકિટ મોંઘી થશે : યાત્રી પર ઝીંકાશે યુઝર્સ ચાર્જ

18 September 2020 11:36 AM
India Travel
  • ટ્રેન ટિકિટ મોંઘી થશે : યાત્રી પર ઝીંકાશે યુઝર્સ ચાર્જ

યુઝર્સ ચાર્જના નામે રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાશે : પીપીપીના મોડેલ પર હાલ દેશના 1 હજાર રેલવે સ્ટેશન પરથી યુઝર્સ ચાર્જ વસુલાશે

નવી દિલ્હી, તા. 18
રેલવે સ્ટેશનોના વિકાસ અને યાત્રીઓને સારી સુવિધા આપવા માટે જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ અંતર્ગત વિકસીત કરવામાં આવતા રેલવે સ્ટેશનોની સાથે મોટા સ્ટેશનો પર યાત્રીઓ પાસેથી યુઝર ચાર્જ ઉપરાંત કિંમત લેવામાં આવશે. ભલે આ સ્ટેશનોનો પુન: વિકાસ હાલ ન થઇ રહ્યો હોય આવા સ્ટેશનોની સંખ્યા લગભગ એક હજાર હશે.

હાલ તો માત્ર 90 સ્ટેશનોનો પીપીપી મોડલથી પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં વધુ સ્ટેશનોને સામેલ કરવામાં આવશે.નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતની સાથે રેલવે બોર્ડના સીઇઓ અને અઘ્યક્ષ વિનોદકુમાર યાદવે રેલવેના માળખાને લઇને બહેતર ભવિષ્યની આશા વ્યકત કરી છે. દેશમાં આ પ્રકારે એક હજાર સ્ટેશનોમાં યાત્રીઓ પાસેથી નવો ચાર્જ યુઝર ચાર્જ આપવો પડશે.
યાદવે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનોના વિકાસ અને ત્યાં યાત્રીઓને સારી સુવિધા આપવા માટે યુઝર ચાર્જ વસુલવો જરૂરી છે.

પાયાના માળખામાં સુધારો થશે : યાદવ
રેલવે બોર્ડના સીઇઓ યાદવે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન પર વિમાન મથકની તર્જ પર ઉપયોગ મૂલ્ય આપવું પડશે, જે યાત્રીના ટીકીટ ભાડા સાથે જોડી દેવાશે. યાદવે જણાવ્યું હતું કે રેલવે ઝડપથી તેના પાયાના માળખામાં સુધારો લાવી રહ્યું છે.

રેલવેનું ખાનગીકરણ નહીં : અમિતાભ કાંત
નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે રેલવેના ખાનગીકરણની આશંકાઓ ફગાવી દેતા કહ્યું હતું કે અમે રેલવેનું ખાનગીકરણ નથી કરતા બલકે ખાનગી કંપનીઓને તક આપી રહ્યા છીએ. લીઝ અવધિ પુરી થયા બાદ ખાનગી કંપનીઓ દ્વારા વિકસીત કરાયેલ સ્ટેશનોની જવાબદારી અને સંચાલન ફરીથી રેલવે પાસે આવી જશે.


Related News

Loading...
Advertisement