જામનગર સમર્પણ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

16 September 2020 01:48 PM
Jamnagar
  • જામનગર સમર્પણ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

હોસ્પિટલના 2 તબીબ અને 4 કર્મચારીઓ સંક્રમિત થયા

જામનગર તા.16
જામનગરની સમર્પણ જનરલ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને નગરના જાણિતા સમાજસેવક વસ્તાભાઇ કેશવાલા કોરોના સંક્રમિત થયા છે. આ અગાઉ સમર્પણ હોસ્પિટલના 4 તબીબ અને અન્ય 2 કર્મચારી પણ કોરોના સંક્રમિત થયા છે.આ હોસ્પિટલના સંચાલનમાં વસ્તાભાઇ કેશવાલા મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ઘણાં સમયથી સેવા આપી રહ્યા છે. તેમણે તાજેતરમાં લોકડાઉન દરમ્યાન અનેક પરિવારોને રૂપિયા સવા કરોડના સ્વખર્ચે ઘંઉ પહોંચાડયા હતા.

હાલ કોરોનાથી થતા દર્દીઓના મૃત્યુને લીધે શહેરના સ્મશાનગૃહમાં કલાકોનું વેઇટીંગ હોય અને લાકડાની પણ સમસ્યા હોવાથી તાત્કાલિક ધોરણે નાઘેડી નજીક સત્યલોક પ્રસ્થાન નામનું સ્મશાનગૃહ ઉભું કરી રહ્યા છે અને ટૂંકસમયમાં વિનામુલ્યે લોકો માટે તે ખુલ્લુ મુકવામાં આવનાર છે.

આ ઉપરાંત કલેકટર રવિશંકરની અપીલને માન આપીને સમર્પણ હોસ્પિટલ ખાતે 100 બેડની કોવિડ હોસ્પિટલ તાકીદથી ઉભી કરાઇ રહી છે જે પાંચેક દિવસમાં કાર્યરત થઇ જવાની ધારણા છે.વસ્તાભાઇ કેશવાલાને તબિયતમાં થોડી ગરમાશ જણાતા તેઓએ ગઇકાલે કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ રિર્પોટ આવ્યો હતો. આથી તેઓ સમર્પણ હોસ્પિટલમાં જ સેલ્ફ આઇસોલેટ થઇ ગયા છે.

સાંજ સમાચારએ સંપર્ક કરતા વાતાચિતમાં વસ્તાભાઇ કેશવાલાએ જણાવ્યું હતું કે કોરોનાની અસર છે તે વાત સાચી છે અને સમર્પણ હોસ્પિટલમાં જ હું દાખલ થયો છું. કબીર સાહેબની મહેરથી તબિયત સારી છે.


Loading...
Advertisement