અમરેલી જિલ્લામાં વધુ બે ઇંચ : અમરેલી પાસે બે ખેડૂતો તણાયા : દીતલા ગામે યુવાનનું ડુબી જતાં મોત

16 September 2020 01:46 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં વધુ બે ઇંચ : અમરેલી પાસે બે ખેડૂતો તણાયા : દીતલા ગામે યુવાનનું ડુબી જતાં મોત

વડી ડેમના ત્રણ દરવાજા ખોલાયા : તમામ જળાશયો છલકાયા

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.16
અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિ હવે વિનાશ વેરી રહેલ છે. ખેડૂતના મોઢે આવેલ કોળીયો છીનવાઈ રહેલ છે. ઉભા પાક બળી ગયેલ છે. ત્યારે આજે ધારી પંથકમાં વધુ બે ઈંચ વરસાદ પડેલ હતો. અમરેલી પંથકના ગામડાઓમાં આજે ધોધમાર વરસાદથી વડી ડેમ છલકાતા ત્રણ દરવાજા ખોલવામાં આવેલ હતા. અમરેલી નજીક માચીયાળા ગામના બે ખેડૂતો નદીમાં ટ્રેકટર સાથેતણાતા આબાદ બચાવ થયેલ હતો. સાવરકુંડલાના દીતલા ગામના એક યુવાનનું શેલ નદીમાં ડૂબી જવાથી મોત નિપજેલ હતું.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લામાં વરસી રહેલા સતત વરસાદ હવે વિનાશ વેરી રહેલ છે. ખેડૂતોના ઉભા પાક બળી રહેલ છે. અમરેલી જિલ્લાના દશ ડેમમાંથી નવ ડેમ ઓવરફલો થઈ ચૂકેલ છે. એક માત્ર વડી ડેમ ઓવરફલો થવાનો બાકી હતો. વડી ડેમ ઉપર વસતા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થયેલ હતી. ડેમ ભરાઈ જતા મોડી સાંજના ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવેલ હતા.

વડી ડેમ ભરાવાથી અમરેલી, વરૂડી, માંગવાપાળ, ચાંપાથળ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવેલ હતા. દશ વર્ષ બાદ વડી ડેમ છલકાતા શિયાળુ પાક માટે ખેડૂતોને ફાયદો થશે. અમરેલી નજીક નાના માચીયાળા ગામે કોજવે ઉપર ટ્રેકટર તણાતા ગામજનો દ્વારા જેસીબી વડે બે ખેડૂતોનો આબાદ બચાવ કરવામાં આવેલ હતો. સાવરકુંડલાના દિતલા ગામના ભરત ડોબરીયા નામના યુવાનનું શેલ નદીમાં ડૂબી જતાં મોત નિપજેલ હતું.


Loading...
Advertisement