સાંસદ ભારદ્વાજ પર ઈકમો મશીન મારફત સારવારને પ્રતિસાદ: ઓકસીજન વધ્યું

16 September 2020 01:23 PM
Surat Gujarat Rajkot
  • સાંસદ ભારદ્વાજ પર ઈકમો મશીન મારફત સારવારને પ્રતિસાદ: ઓકસીજન વધ્યું

સુરતના ચાર ચેસ્ટ- નિષ્ણાંત તબીબો પણ રાજકોટ પહોંચ્યા: ફેફસાનું સંક્રમણ ઘટાડવાની પ્રક્રિયા ચાલુ

રાજકોટ
કોરોના સંક્રમણના કારણે હાલ કટોકટીભરી સ્થિતિમાં રહેલા સાંસદ અને અગ્રણી ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજને ગઈકાલે રાત્રીથી અપાતી ‘ઈકમો’ મશીનની સારવારથી સાંસદના લોહીમાં ઓકસીજન થશે અને કાર્બન ડાયોકસાઈડનું જે અસંતુલન સર્જાયુ હતું તે નિયંત્રણમાં આવી રહ્યું છે. જે એક સારા સંકેત છે.

ગઈકાલે અમદાવાદના નિષ્ણાંત તબીબો દ્વારા શ્રી ભારદ્વાજના સ્વાસ્થ્યની સારવાર કરવા રાજકોટ દોડી આવ્યા હતા અને તેઓએ ફેફસામાં લોહીના ગઠ્ઠા જામવાથી ઓકસીજન પુરતુ મળતુ નથી અને કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધે છે તેના પર ચિંતા વ્યક્ત કરીને ઈકમો મશીનથી સારવારની આવશ્યકતા દર્શાવતા તાત્કાલીક આ સારવાર પર શ્રી ભારદ્વાજને મુકવામાં આવ્યા હતા.

ગુજરાત ભાજપના સીનીયર નેતા અને સાંસદના લઘુ બંધુ શ્રી નિતીનભાઈ ભારદ્વાજે એક વાતચીતમાં જણાવ્યું કે સુરતની ચાર તબીબોની ટીમ ડો. સમીર ગામી, ડો. હરેશ વસ્તાપરા, ડો. કલ્પેશ ગજેરા તથા ડો. નિલય પટેલ સવારે રાજકોટ આવ્યા છે. ચેસ્ટ-રોગોના નિષ્ણાંત તબીબોએ પણ સારવાર શરૂ કરી છે. ચેસ્ટ-ઈન્ફેકસન માટે કારગર ઈકમો મશીન લોહીને ફિલ્ટર કરે છે જેમાં લોહી પસાર કરી ઓકસીજન ઉમેરાય છે અને કાર્બન ડાયોકસાઈડ ખેચી લેવાય છે જે સારવારથી હાલ અભયભાઈના લોહીમાં ઓકસીજન લેવલ 98નું થયું છે જે સારો સંકેત છે અને કાર્બન ડાયોકસાઈડ દૂર થઈ રહ્યું છે.

શ્રી નિતીનભાઈએ કહ્યું કે જે ચાર તબીબો હાલ સુરતથી આવ્યા છે તેમાં બે તબીબો રાજકોટ જ રોકાશે અને અભયભાઈની સારવારમાં જોડાશે. આમ સાંસદની સારવાર માટેના કરાયેલા પ્રયાસો સફળ થઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement