રાજકોટ કલેકટર રેમ્યા મોહનનો RT-PCR ટેસ્ટ પણ પોઝીટીવ : ગળાની તકલીફમાં હવે રાહત

16 September 2020 01:21 PM
Rajkot
  • રાજકોટ કલેકટર રેમ્યા મોહનનો RT-PCR ટેસ્ટ પણ પોઝીટીવ : ગળાની તકલીફમાં હવે રાહત

‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં અન્ય કોઇ તકલીફ નથીની સ્પષ્ટતા : હોમ આઇસોલેટ થઇ કામ કરશે

રાજકોટ, તા. 16
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો ગઇકાલે એન્ટીજન ટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ મોડી સાંજે આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો જે પણ પોઝીટીવ આવ્યો છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અન્ય કોઇ તકલીફ નથી, ગળામાં તકલીફ છે તેમાં પણ સારવાર શરૂ થતા હવે રાહત જણાઇ છે.

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન ગઇકાલે એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ જાહેર થતાની સાથે જ હોમ આઇસોલેટ થઇ ગયા છે. ગઇકાલે તેમણે આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ પણ કરાવી લીધો છે. આ રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે તેમના સંપર્કમાં આવેલા અન્ય તમામને ટેસ્ટ કરાવવાની સલાહ કરવામાં આવી છે. કલેકટર 14 દિવસ સુધી નિવાસ સ્થાનેથી જ ઓફિસનું કામકાજ કરશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને વધુમાં ઉમેર્યું હતું કે પોતે હોમ આઇસોલેટ થયા છે પરંતુ કલેકટરનો ચાર્જ આપવાની હાલ વાતચીત કે સરકારની કોઇ સુચના નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પૂર્વે આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટ આવ્યા હતા અને 13 દિવસ રોકાયા હતા ત્યારે સતત તેમની સાથે દોડીને કોરોના સંક્રમણ ખાળવા કામે લાગ્યા હતા. આમ તો કલેકટર રેમ્યા મોહન ગત નવેમ્બર 2019થી સતત કાર્યરત છે. 26 જાન્યુ.ની રાજયકક્ષાની ઉજવણીમાં ત્રણ માસ સતત કામે લાગ્યા બાદ કોરોના મહામારીમાં છેલ્લા સાત મહિનાથી એક પણ રજા વગર કામ કરી રહ્યા છે. આમ છતાં કલેકટર રેમ્યા મોહન હાલમાં કોરોના સંક્રમિત હોવા છતાં પણ પોતાના બંગલેથી કામકાજ સંભાળશે તેવું અંતમાં ઉમેર્યુ હતું.


Related News

Loading...
Advertisement