રાજકોટમાં ફરતુ કોરોના કાળચક્ર : વધુ 26 દર્દીના મોત

16 September 2020 12:04 PM
Rajkot
  • રાજકોટમાં ફરતુ કોરોના કાળચક્ર : વધુ 26 દર્દીના  મોત

શહેરના 20, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના બે દર્દીએ સારવાર દરમ્યાન દમ તોડયો : ગઇકાલના 39 પૈકી માત્ર બે કોવિડ ડેથ જાહેર કરતી કમિટી : બે દિવસમાં વધુ 65ના જીવ ગયા

રાજકોટ તા.16
રાજકોટ શહેરમાં વધુ ઘાતક અને જીવલેણ બનેલા કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 24 કલાકમાં વધુ 26 લોકોના મૃત્યુ થયા છે. તો ગઇકાલે વિક્રમી સંખ્યામાં થયેલા 39 મોત પૈકી માત્ર બે મૃત્યુ કોવિડ ડેથ તરીકે સત્તાવાર રીતે જાહેર કરાયા છે.

આજે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકનું હેલ્થ બુલેટીન જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયું હતું. જેમાં જાહેર કરાયેલા કોવિડ અને નોન કોવિડ મૃત્યુમાં શહેરી કોર્પોરેશન વિસ્તારના 20, રાજકોટ ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના બે દર્દી મોતને ભેંટયા છે. ગઇકાલે જાહેર થયેલા 39 મૃત્યુમાં ડેથ ઓડિટ કમીટીએ શહેરના 1 અને ગ્રામ્યના 1 મળી કુલ બે મોત સત્તાવાર સ્વીકાર્યા છે.

રાજકોટમાં ફરી બે દિવસમાં 65 લોકોના જીવ કોરોના સારવાર દરમ્યાન ગયા છે. ચાલુ સપ્ટેમ્બર માસ લોકો માટે ચિંતાભર્યો અને દર્દીઓ માટે ઘાતક ગયો છે. કેસ વધવા સાથે મૃત્યુઆંક વધતા લોકો ફફડી ઉઠયા છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં રોજ ટપોટપ મૃત્યુ થતા હોય સરકાર પર જ આશા રહી છે.

શહેરની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં 836 બેડ ઉપલબ્ધ હોવાનું તંત્ર કહે છે. ગઇકાલે દર્દીઓના સગાઓએ હેલ્પ લાઇન પર 13 ફરિયાદ નોંધાવી હતી તો ઉપલબ્ધ બેડ અંગે પુચ્છા અને રજુઆત કરતા 71 કોલ આવ્યા હતાં. રાજકોટ શહેરમાં વધુ 95 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 313 માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

શહેર અને જિલ્લામાં રોજ લગભગ દોઢસોની સરેરાશમાં નવા કેસ અને મૃત્યુના આંકડા વચ્ચે હવે કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકે અને દર્દીઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના તમામ લોકો કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement