વીમા કંપનીઓએ ‘રોન’ કાઢી: ઘરમાં રહીને સારવાર મેળવશો તો એક રૂપિયો નહીં મળે

16 September 2020 11:50 AM
India
  • વીમા કંપનીઓએ ‘રોન’ કાઢી: ઘરમાં રહીને સારવાર મેળવશો તો એક રૂપિયો નહીં મળે

કોરોનાની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનો ઈન્કાર: દાંતિયો, ટૂથપેસ્ટ-ટૂથબ્રશ, ટીવી-ઈન્ટરનેટ સહિતના ચાર્જ પોતે જ ઉઠાવવાના રહેશે: 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેશો તો જ મળશે વીમાનો લાભ

નવીદિલ્હી, તા.16
અત્યારે રાજકોટ સહિત આખા દેશમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે બરાબર તેવા ટાંકણે જ વીમા કંપનીઓએ કોરોનાની સારવારનો સંપૂર્ણ ખર્ચ કંપની નહીં ઉઠાવે તેમ કહી ‘રોન’ કાઢી છે. વીમા નિયામક ઈરડાએ સ્વાસ્થ્ય વીમામાં કોરોનાનું કવર આપવું અનિવાર્ય છે તેવો આદેશ આપ્યો હોવા છતાં હોસ્પિટલ અને વીમા કંપનીઓના નિયમોના ચક્રવ્યુહમાં દર્દીઓ ફસાઈ ગયા છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં વીમા ઉદ્યોગે કહ્યું કે કોરોનાની સારવાર દરમિયાન અનેક સ્થિતિઓ એવી છે જેમાં વીમા કંપની કવર આપી શકે તેમ નથી. ખાસ કરીને ઘરમાં રહીને સારવાર કરાવવા સહિત નોન મેડિકલ ખર્ચ એવો છે જેનું ચૂકવણું વીમા કંપની ન કરી શકે. આવામાં તમે માત્ર સ્વાસ્થ્ય પોલિસીના આધારે કોરોનાની સારવાર કરાવવા જાવ છો તો પહેલાં આ વિશે વીમા કંપની સાથે ચોખવટ કરી લેવી હિતાવહ ગણાશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સ્વાસ્થ્ય વીમા પોલિસી જ્યારે લેવામાં આવે છે ત્યારે કંપની 15થી 30 દિવસની રાહ જોવા માટે કહે છે. નિયમો અનુસાર જો વેઈટિંગ પીરિયડની અંદર કોરોના થઈ જાય તો એ વ્યક્તિને વીમા કવરનો ફાયદો નહીં મળે એટલા માટે વીમો લેતાં પહેલાં તેની શરતો વાંચી લેવી જોઈએ.

સ્વાસ્થ્ય વીમા પોલિસીનો ફાયદો ઉઠાવવા માટે હોસ્પિટલમાં ઓછામાં ઓછા 24 કલાક દાખલ થવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટીવ આવે છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની જગ્યાએ તે ઘરમાં જ સારવાર કરાવે છે તો તેને સ્વાસ્થ્ય વીમા પોલિસીનો ફાયદો મળશે નહીં. જો કે અમુક કંપનીઓ વિવિધ બીમારીઓમાં 24 કલાક સારવારની શરત જરૂરી નથી રાખતી પરંતુ કોરોનાના મામલામાં આવું નથી.

વીમા કંપનીઓએ ચોખવટ કરી કે સારવારના બીલમાં સૌથી વધુ ખર્ચ નોન મેડિકલ વસ્તુઓનો હોય છે. એવી અંદાજે 200 વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં સામેલ નથી. આ વસ્તુઓમાં દાંતિયો, ફૂટ કવર, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટીવી ચાર્જ, ઈન્ટરનેટ ચાર્જ વગેરે સમાવિષ્ટ છે. કોરોનાના દર્દી જો ઘરમાં જ સારવાર (હોમ આઈસોલેશન) કરાવી રહ્યા છે તો તેને સ્વાસ્થ્ય વીમા પોલિસીનો લાભ મળશે નહીં. નિયમો અનુસાર વીમાનો લાભ ઉઠાવવા માટે દર્દીએ ઓછામાં ઓછા 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે.

કોરોના સારવાર પાછળ થનારો આ ખર્ચ કંપની ઉઠાવશે
કોરોના પોઝિટીવ કોઈ વ્યક્તિને ડોક્ટર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપે છે તો હોસ્પિટલમાં દાખલ થયાના 0 દિવસ પહેલાં અને ડિસ્ચાર્જ થયાના 60 દિવસ બાદ સુધીની સારવાર પર થનારો ખર્ચ વીમા કંપની પોતે ઉઠાવશે. આ ખર્ચમાં તમામ પ્રકારના ટેસ્ટ, દવાઓ, ડોક્ટરની ફી વગેરે સામેલ છે.


Related News

Loading...
Advertisement