ગુજરાતમાં પાંચ મહિનામાં જીએસટીની આવકમાં 10454 કરોડનું તોતિંગ ગાબડું

16 September 2020 10:52 AM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં પાંચ મહિનામાં જીએસટીની આવકમાં 10454 કરોડનું તોતિંગ ગાબડું

એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ગત વર્ષે 32503 કરોડની આવક થઈ’તી જે આ વર્ષે 22049એ જ પહોંચી: લોકસભામાં નાણા મંત્રાલયે કરી જાહેરાત

અમદાવાદ તા.16
કોરોના અને તેના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉને વ્યાપાર-ઉદ્યોગને જબ્બર ફટકો માર્યો છે ત્યારે સરકારની આવકમાં પણ જોરદાર ગાબડું પડ્યું છે. દરમિયાન ગુજરાતમાં ચાલું વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીના પાંચ મહિનાના સમયગાળામાં જીએસટીની આવકમાં 10454 કરોડનું તોતિંગ ગાબડું પડ્યું હોવાની જાહેરાત લોકસભામાં નાણા મંત્રાલયે કરી હતી. નાણા મંત્રાલયે કહ્યું કે ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 32053 કરોડની આવક થઈ હતી જેની સામે આ વર્ષે આ આંકડો 22049એ જ પહોંચી શક્યો છે.

કોંગ્રેસી સાંસદ એસ.જોથીમણિએ લોકસભા સત્ર દરમિયાન પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં નાણા મંત્રાલયે સમગ્ર દેશના રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જીએસટીનું ચાલું નાણાકીય વર્ષ દરમિયાન થયેલી આવકના આંકડા જાહેર કર્યા હતા. તેની સાથે ગત વર્ષે થયેલી આવક તથા કેટલી આવક ઓછી થઈ છે તે અંગેની આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

નાણા મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીના ગાળામાં જીએસટીની કુલ 2.72 લાખ કરોડની આવક થઈ છે જેની સામે ગત વર્ષે આ ગાળામાં આવક રૂા.3.90 કરોડ હતી. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, ગોવા, પશ્ર્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં જીએસટીની આવકમાં તોતિંગ ગાબડા પડવા પામ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે માર્ચ મહિનાથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

જો કે દિવસેને દિવસે પરિસ્થિતિ બગડતી જતાં લોકડાઉન લંબાવ્યે રાખવામાં આવ્યું હતું જેના કારણે ઉદ્યોગ-ધંધા ઠપ્પ થઈ ગયા હતા. લોકડાઉનને કારણે દરેક સેક્ટરને તેની માઠી અસર પહોંચી હતી અને ઉત્પાદન-પ્રોડક્શન અને સપ્લાય ઠપ્પ થઈ જતાં વ્યાવસાયિકોને જોરદાર ફટકો પડ્યો હતો.

વેપાર-ધંધા ઠપ્પ થઈ જવાને કારણે રોજગારીની પણ મોટી સમસ્યા ઉભી થવા પામી છે કેમ કે લગભગ દરેક સેક્ટરમાંથી કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. આમ સરકાર સામે જીએસટીની આવકમાં પડેલું ગાબડું પૂરવાની સાથે સાથે રોજગારી આપવાનો પણ મોટો પડકાર ઉભો થયો છે. હજુ પણ કોરોનાની સ્થિતિ સુધરવાની નામ લેતી ન હોવાથી આગામી સમય પણ કપરો સાબિત થવાનો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


Related News

Loading...
Advertisement