કોરોના ફરજના સ્ટાફ પરનો હુમલો નહિ ચલાવાય : આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે

15 September 2020 07:22 PM
Rajkot
  • કોરોના ફરજના સ્ટાફ પરનો હુમલો નહિ ચલાવાય : આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે

સિવિલમાં પેરા મેડીકલ સ્ટાફ પરના હુમલાના ઘેરા પ્રત્યાઘાત : કલેકટર લાલઘુમ : બનાવનો રિપોર્ટ કરતા પ્રાંત

રાજકોટ, તા. 1પ
રાજકોટ સિવિલમાં કોરોના દર્દીના સગાઓએ સ્વજનના મૃત્યુથી ઉકળી ઉઠી પેરા મેડીકલ સ્ટાફ પર કરેલા હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. પેરા મેડીકલ સ્ટાફે ગભરાઇને ફરીયાદ નહી કરવાનું કહેતા હવે સિકયુરીટી જવાનને ફરીયાદી બનવા સુચના અપાઇ છે. બીજી તરફ કોરોના ફરજમાં તૈનાત તબીબ તેમજ પેરા મેડીકલ અન્ય કોઇપણ સ્ટાફ પરના હુમલાની ઘટના ચલાવી લેવામાં આવશે નહિ અને કાનુની-આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવું કલેકટર રેમ્યા મોહને સ્પષ્ટ કર્યુ છે. હુમલાની ઘટનાનો સમગ્ર રીપોર્ટ કલેકટર રેમ્યા મોહને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કર્યો હોવાનું જણાવેલ હતું.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે ગત તા. 13/9ના રોજ મૃતક દીપકસિંહ દોલતસિંહ કામલિયા રહે. ઓમ, ન્યુ અંબિકા પાર્ક-4, સાધુ વાસવાણી રોડ, રાજકોટ (ઉ.વ.61) જે ડાયાબીટીસથી પીડિત હતા અને તા. 8/9ના રોજ કોરોના પોઝીટીવ થતા પીડીયુ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ તેમને તા.9/9ના રોજ સમરસ ડીસીએચસી ખાતે સારવાર માટે રીફર કરેલ હતા. તેઓની તબીયત બગડતા વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ પીડીયુ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા જયાં તેઓનું સારવાર દરમિયાન મોત થયેલ.
આ બાબતે તેમના સગાઓ દ્વારા સમરસ ડીસીએચસી હોસ્પિટલ ખાતે ધસી આવી ફરજ પર હાજર એમપીએચડબલ્યુ સ્ટાફ તથા તથા સીએચઓને માર મરાયેલ હતો. આ ઘટનાની ગંભીરતાને ઘ્યાને લઇ જિલ્લા કલેકટર રેમ્યા મોહન તથા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ભોગ બનનાર ડરી ગયેલ હોઇ ફરીયાદ આપવા તૈયાર ન થતા પુરાવાઓને આધારે એક તરફી કાર્યવાહી કરી તમામ આરોપીઓને અટક કરી લેવામાં આવ્યા છે. તથા ભવિષ્યમાં આવા અસામાજિક તત્વોને સબક મળે અને આ પ્રકારનું કૃત્યુ ન કરે તે માટે ચેતવણી પણ અપાઇ છે.
તાજેતરમાં જ્યારે કોવિડ-19 મહામારી સામે મેડીકલ ટીમો દિન રાત ખડેપગે રહી કામગીરી કરે છે. ત્યારે તમામ મેડીકલ સ્ટાફને રક્ષણ આપવા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કટીબદ્ધ છે તેવું જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement